અધ્યાય-૧૪૬-કર્ણનાં વચન
II वैशंपायन उवाच II ततः सुर्यान्निश्चरिताम् कर्णः शुश्राव भारतीं I दुर्त्यययां प्रणयिनीं पित्रुवद्भास्करेरिता II १ II
વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે કુંતીએ કહ્યું,તેવામાં સૂર્યમંડળમાંથી નીકળેલી,ઉલ્લંઘન ન કરાય તેવી,પ્રેમાળ પિતાની જેમ,સૂર્યે ઉચ્ચારેલી વાણીને કર્ણે સાંભળી- 'હે કર્ણ,કુંતીએ સત્ય વાત કહી છે,તું માતાના વચન પ્રમાણે ચાલ.ને તે પ્રમાણે આચરણ કરવાથી તારું કલ્યાણ થશે' જો કે આ પ્રમાણે પિતા સૂર્યે પોતે અને માતાએ કહ્યું,તો પણ તે વખતે,સત્ય ધૈર્યવાળા કર્ણની બુદ્ધિ ડગી નહિ અને કર્ણ બોલ્યો-'હે ક્ષત્રિયાણી,તેં જે ભાષણ કર્યું,તેને હું કર્તવ્યરુપ માનતો નથી,કારણકે હવે તારી આજ્ઞા પ્રમાણે વર્તવું એ મને મારા ધર્મથી દૂર થવાનું દ્વાર છે.તેં મને જાતિથી દૂર કરવારૂપી જે મહાવિનાશકારક પાપ કર્યું છે અને મારો જે ત્યાગ કર્યો છે તે મારા માહાત્મ્ય તથા કીર્તિને નાશ કરનારાં છે.(5)
હું ક્ષત્રિય જાતિમાં ઉત્પન્ન થયો હતો પણ તારે લીધે મને ક્ષત્રિયોની સત્ક્રિયાનો લાભ મળ્યો નહિ,આના કરતાં બીજો કયો શત્રુ મારુ વિશેષ અહિત કરે? જયારે મને ક્ષત્રિયોના યોગ્ય સંસ્કાર કરવાનો સમય હતો,ત્યારે તેં દયા ન લાવતાં મારો ત્યાગ કર્યો અને આજે તું પોતાના કાર્ય માટે મને અયોગ્ય પ્રેરણા કરે છે ! તેં પૂર્વે મારા હિતને માટે માતાની જેમ વર્તન કર્યું નહિ,ને આજે તારા પોતાના હિતને માટે મને 'પુત્ર' કહીને બોલાવે છે.તું વિચાર કર,શ્રીકૃષ્ણ જેમની સાથે રહેલા છે તે અર્જુનથી કોણ વ્યાકુળ ન થાય? ને આજે હું જો પાંડવોની સભામાં જઈને મળું,તો મને કોણ ભયભીત થયેલો ન જાણે ? પૂર્વે હું પાંડવોના ભાઈ તરીકે જાણમાં આવ્યો નથી અને હવે યુદ્ધ સમય આવતા,ભાઈ તરીકે પ્રગટ થઈને ભાઈઓ પાસે જાઉં,તો ક્ષત્રિયમંડળ મને શું કહેશે?
વળી,ધૃતરાષ્ટ્રના પુત્રોએ આજ સુધી મને સર્વ વૈભવો અર્પણ કર્યા છે અને મારુ સારી રીતે સન્માન કર્યું છે,તો તે હું કેવી રીતે નિષ્ફળ કરું? જેઓ મારા પર આધાર રાખીને,શત્રુઓ સાથે વૈર બાંધીને,મારી સેવા કરે છે ને જેમ,વસુઓ ઇન્દ્રને નમસ્કાર કરે તેમ,મને સર્વદા નમસ્કાર કરે છે.જેઓ મારા ઉપર જ 'અમે શત્રુઓ જીતવા સમર્થ છીએ' એમ માને છે તો તેઓના મનોરથને હું કેવી રીતે છેદી શકું?તેઓનો ત્યાગ કેવી રીતે કરી શકું? દુર્યોધનથી આજીવિકા મેળવનારાઓને ઋણથી છૂટવાનો આ સમય આવ્યો છે,ત્યારે પ્રાણની દરકાર ન રાખતાં તેનું દેવું ફેડવું જોઈએ.નિમકહરામ,સ્વામીદ્રોહી પાપીઓને આ લોકમાં સુખ મળતું નથી તથા પરલોક પણ મળતો નથી.
માટે,હું દુર્યોધન માટે સંપૂર્ણ બુદ્ધિબળ ને શક્તિનો આશ્રય કરી તારા પુત્રોની સામે યુદ્ધ કરીશ,આ હું તારી આગળ મિથ્યા કહેતો નથી.હું સત્પુરુષોને યોગ્ય,કૃતજ્ઞતા તથા સદાચારનું રક્ષણ કરવા આજે,તારાં આ વચનોનો સ્વીકાર કરીશ નહિ,તો પણ તારો આ ઉદ્યોગ મિથ્યા જશે નહિ.યુધિષ્ઠિરની સેનામાં એક અર્જુન સિવાય બીજા પાંડવો સાથે હું યુદ્ધ કરીશ નહિ,કારણકે અર્જુનને મારવાથી મારું જીવન સફળ થશે ને જો હું અર્જુનના હાથે મરીશ તો મને યશ પ્રાપ્ત થશે.હે યશસ્વિની,તારા પાંચ પુત્રો કાયમ રહેશે કેમ કે અર્જુન મરશે તો મારી સાથે પાંચ અને હું મરીશ તો અર્જુન સાથે પાંચ રહેશે.(23)
કર્ણનાં આવાં વચન સાંભળી,સુખથી ધ્રૂજતી કુંતી,સ્થિર નિશ્ચયવાળા કર્ણને આલિંગન કરીને ધૈર્યથી બોલી-'હે કર્ણ,તું જે પ્રમાણે કહે છે તે પ્રમાણે જ થવાનું અને કૌરવોનો સંહાર થવાનો,કારણકે દૈવ અતિબળવાન છે,પણ તે તારા ચાર ભાઈઓને યુદ્ધમાં જતા કરવાનું જે અભયવચન આપ્યું છે તેનું યથાર્થ પાલન કરજે,તારું કલ્યાણ થાઓ' આમ કહી તે ત્યાંથી ચાલી ગયા.(27)
અધ્યાય-146-સમાપ્ત