May 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-807

 

અધ્યાય-૧૫૨-પાંડવોની છાવણી 


II वैशंपायन उवाच II ततो देशे समे स्निग्धे प्रभूतयवसेधने I निवेशयाभास सेनां राजा युधिष्ठिरः II १ II

વૈશંપાયને કહ્યું-તે પછી,યુધિષ્ઠિર રાજાએ રસાળ અને પુષ્કળ ઘાસ તથા લાકડાં મળે એવા સપાટ પ્રદેશમાં પોતાની સેનાનો પડાવ નાખ્યો.ને તેમાં સર્વેએ નિવાસ કર્યો.ત્યાં વાહનોને વિસામો આપી અને પોતે પણ વિશ્રાંતિ લઈને સ્વસ્થ થયા પછી યુધિષ્ઠિર ત્યાંથી ઉઠી અને રાજાઓથી વીંટાઇને સર્વેને મળવા આગળ ચાલવા લાગ્યા.તે વખતે અર્જુન અને શ્રીકૃષ્ણ,ઠેકઠેકાણે રક્ષણને માટે બેસાડેલાં દુર્યોધનનાં સેંકડો થાણાંઓને નસાડી ચોતરફ ફરવા લાગ્યા.ને પછી શ્રીકૃષ્ણે ખાઈ ખોદાવી અને ઉત્તમ રખવાળી કરવાની આજ્ઞા કરીને સૈનિકોનાં થાણાં બેસાડ્યાં .

મજબૂત,કોઈથી છાપો ન મારી શકાય તેવો અને અન્ન તથા પીવાના પદાર્થોથી ભરેલી તે રાજ્યોની સેંકડો છાવણીઓ,પૃથ્વી પર ઊતરેલાં વિમાનની જેમ શોભતી હતી.તે છાવણીઓમાં કુશળ કારીગરો,વૈદ્યો આદિને પગાર આપીને રાખ્યા હતા.

પ્રત્યંચાઓ,ધનુષો,બખતરો,હથિયારો,મધ,ઘી,રાળ,અને લાખના ત્યાં ઢગલાઓ કરવામાં આવ્યા હતા.

પ્રત્યેક તંબુમાં ઘાસ,પાણી-આદિ જરૂરિયાતના સર્વ સાધનોની વ્યવસ્થા યુધિષ્ઠિરે કરાવી હતી.મોટા યંત્રો,નારાચો,તોમારો,

ફરસીઓ,બેધારી તલવારો અને ભાથાઓના ઢગલાઓ કરવામાં આવ્યા હતા.કાંટાવાળા લોખંડી બખ્તરોથી સજ્જ હાથીઓ ત્યાં પર્વતોના ઢગલાઓ જેવા દેખાતા હતા.પાંડવો કુરુક્ષેત્રમાં આવીને રહ્યા છે,એ જાણીને જુદાજુદા દેશના તેમના મિત્રો પોતાના સૈન્યો તથા વાહનોની સાથે ત્યાં આવવા લાગ્યા હતા.(18)

અધ્યાય-152-સમાપ્ત