સૈન્યનિર્યાણ પર્વ
અધ્યાય-૧૫૧-સેનાપતિની નિમણુંક અને કુરુક્ષેત્રમાં પ્રવેશ
II वैशंपायन उवाच II जनार्दनवचः श्रुत्वा धर्मराजो युधिष्ठिरः I भ्रात्रुनुवाच धर्मात्मा समक्षं केशवस्य ह् II १ II
વૈશંપાયને કહ્યું-ધર્માત્મા ધર્મરાજ યુધિષ્ઠિર,શ્રીકૃષ્ણનું કહેવું સાંભળીને તેમની સમક્ષમાં જ,પોતાના ભાઈઓને કહેવા લાગ્યા કે-
કૌરવોની સભામાં જે જે થયું તે તમે સાંભળ્યું ને ધ્યાનમાં લીધું છે માટે તમે હવે આપણી પાસે એકત્ર થયેલી સાત અક્ષૌહિણી સેનાના વિભાગ પાડો.તેઓના વિખ્યાત સાત અધિપતિઓના નામ તમે સાંભળો.દ્રુપદરાજા,વિરાટ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,સાત્યકિ,
ચેકિતાન અને ભીમસેન.આ સાત રણમાં દેહ પડે ત્યાં સુધી યુદ્ધ કરે તેવા વીર સેનાપતિઓ છે.આ સર્વ સેનાને દોરનારો,સેનાના વિભાગને સમજનારો અને બાણરૂપી જ્વાળાવાળા અગ્નિતુલ્ય ભીષ્મને રણમાં સહન કરે તેવો,આપણામાં મુખ્ય સેનાપતિ થવા કોણ સમર્થ છે? એ સંબંધમાં સહદેવ,તું સહુથી પ્રથમ તારો મત કહે.(8)
સહદેવે કહ્યું-'મારા મત પ્રમાણે,જે ધર્મવેત્તાનો આશ્રય કરીને આપણે આપણૉ રાજ્યભાગ લેવા પ્રયાણ કરીએ છીએ,તે મત્સ્યદેશના રાજા વિરાટ આ કાર્યને માટે યોગ્ય છે,કારણકે તે આપણા સંબંધી છે,ને આપણા દુખે દુઃખી થાય તેવા છે,યુદ્ધમાં દુર્મદ છે ને સંગ્રામમાં ભીષ્મને અને બીજા મહારથીઓને સારી રીતે સહન કરવા સમર્થ છે' સહદેવ પછી નકુલને તેનો અભિપ્રાય પૂછવાથી તેણે કહ્યું કે-'પક્વ વય,શાસ્ત્રજ્ઞાન,ધૈર્ય,કુલ અને કુટુંબ-આ ગુણોને લીધે આપણા સસરા દ્રુપદરાજા સેનાપતિ થવાને યોગ્ય છે.તેઓ નિત્ય દ્રોણ અને ભીષ્મની સ્પર્ધા કરે છે અને તેમને પુરા પડશે એમ મારુ માનવું છે.(17)
અર્જુને કહ્યું-'અગ્નિની જવાળા જેવો દેદીપ્યમાન,અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયેલો ધૃષ્ટદ્યુમ્ન જ ભીષ્મના વેગને સહન કરી શકે તેવો છે એવો મારો નિશ્ચય છે માટે તેમને જ સેનાપતિપદ આપવું એવો મારો અભિપ્રાય છે'
ભીમસેને કહ્યું કે-'દ્રુપદનો પુત્ર શિખંડી,ભીષ્મના વધ માટે ઉત્પન્ન થયો છે,શિખંડીને શસ્ત્રથી ભેદી શકે તેવા કોઈ પુરુષને હું જોતો નથી અને તેના સિવાય ભીષ્મને હણી શકે તેવો બીજો કોઈ નથી માટે તેને સેનાપતિપદ આપવું એવો મારો મત છે.'
યુધિષ્ઠિરે -'ધર્માત્મા શ્રીકૃષ્ણ,આ સર્વ જગતના સારાસાર,બલાબલ તથા તેઓના અભિપ્રાયને જાણે છે,માટે તે જેને કહે તે મારો સેનાપતિ થાઓ.આપણા વિજય-પરાજયનું મૂળ,આ શ્રીકૃષ્ણ જ છે.આપણા પ્રાણ,રાજ્ય,અસ્તિત્વ,નાશ,સુખ-દુઃખ તેમના આધારે રહેલાં છે.એ ધાતા-વિધાતા છે માટે તે કહે તે જ આપનો સેનાપતિ થાઓ.
ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા-'હે મહારાજ,તમે સર્વેએ કહેલા સર્વ પરાક્રમી યોદ્ધાઓ સેનાપતિ થવાને પાત્ર છે એવો મારો અભિપ્રાય છે,આપણું સૈન્ય સારવાળું,પરાજય ન પામે તેવું અને કબ્જે ના થાય તેવું છે,માટે આપણું સૈન્ય સંગ્રામમાં દુર્યોધનના સૈન્યનો નાશ કરશે એમાં કોઈ શંકા નથી,પણ આ સર્વમાં સેનાપતિપદ માટે હું ધૃષ્ટદ્યુમ્નને માન્ય કરું છું.(48)
શ્રીકૃષ્ણે એ પ્રમાણે કહ્યું એટલે તે નરશ્રેષ્ઠોને અતિ આનંદ થયો ને 'યુદ્ધ માટે તૈયાર થાઓ'એવો ઘોષ થયો.
તે વખતે ઉતાવળ ને દોડાદોડ કરતા સૈનિકોના તથા હાથી-ઘોડાઓના શબ્દો,રથના પૈડાઓનો ઘડઘડાટ અને શંખ-દુંદુભીઓના તુમુલ ધ્વનિઓ સર્વ તરફ ફેલાઈ ગયા.બખ્તરો સજીને સૈન્યે પ્રયાણ કર્યું,ત્યારે સેનાના અગ્રભાગમાં ભીમસેન,નકુલ ને સહદેવ ચાલતા હતા.અભિમન્યુ,દ્રૌપદીના પુત્રો,ધૃષ્ટદ્યુમ્ન અને પાંચાલો તેમની પાછળ ચાલ્યા.સેના સાથે ડેરા-તંબુઓ,રથો,ખજાનો,
તોપો,વૈદ્યો,નોકરચાકરો એ સર્વને લઈને યુધિષ્ઠિર રાજા જવા લાગ્યા.દ્રૌપદી,,પોતાના દાસીઓથી વીંટાઇને ઉપલવ્ય જવા પાછી વળી.સેનાના પાછલા ભાગમાં વિરાટ,દ્રુપદપુત્ર,કુંતીભોજ આદિ ચાલતા હતા.
ચાલીસ હજાર રથો,બે લાખ ઘોડાઓ,ચારલાખ પાળાઓ,સાઠ હજાર હાથીઓ,ચેકિતાન,ધૃષ્ટકેતુ અને સાત્યકિ,એ સર્વ શ્રીકૃષ્ણ અને અર્જુનને વીંટાઇને ચાલતા હતા.કુરુક્ષેત્રમાં પહોંચી,સેનાને વ્યૂહરચનામાં ગોઠવી,પ્રહાર કરવા તત્પર થયેલા પાંડવો,ગર્જના કરતા આખલાઓના જેવા દેખાવા લાગ્યા.તેમણે અને શ્રીકૃષ્ણે પોતપોતાના શંખો ફૂંક્યા.
વજ્રના કડાકા જેવો પાંચજન્ય શંખનો ધ્વનિ સાંભળી,સર્વ સૈનિકોના અંગો ઉપર હર્ષથી રૂંવાટાં ઉભા થઇ ગયાં.
અને તે યોદ્ધાઓના સિંહનાદે પૃથ્વી,આકાશ અને સમુદ્રોને ગજાવી મુક્યા .(71)
અધ્યાય-151-સમાપ્ત