May 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-805

 

અધ્યાય-૧૫૦-શ્રીકૃષ્ણે કહેલું તાત્પર્ય 


II वासुदेव उवाच II एवमुक्ते तु भीष्मेण द्रोणेन विदुरेण च I गान्धार्या धृतराष्ट्रेण न वै मन्दोन्वबुध्यत II १ II

વાસુદેવે કહ્યું-ભીષ્મે,દ્રોણે,વિદુરે,ગાંધારીએ,અને ધૃતરાષ્ટ્રે આ પ્રમાણે કહ્યું,તો પણ મૂર્ખ દુર્યોધન સમજ્યો નહિ,એટલું જ નહિ પણ તે મૂર્ખ,સર્વનાં વચનોનો તિરસ્કાર કરીને ત્યાંથી ઉઠીને ક્રોધ વડે લાલચોળ આંખો કરીને,તે સભામાંથી ચાલી ગયો.તેની પાછળ તેના પક્ષના રાજાઓ પણ ગયા.ત્યારે તે દુર્યોધને તે રાજાઓને આજ્ઞા કરી કે-'આજે પુષ્યનક્ષત્ર છે માટે તમે કુરુક્ષેત્રમાં જાઓ' તેની આજ્ઞા સાંભળીને,તે સર્વ રાજાઓ કુરુક્ષેત્ર જવા નીકળ્યા.કૌરવોના પક્ષમાં અગિયાર અક્ષૌહિણી સેના એકઠી થઇ છે  અને તે સર્વ સેના અગ્રભાગમાં,તાડના ચિહ્નયુક્ત ધ્વજવાળા ભીષ્મ શોભી રહયા છે.(5)

હે રાજા,મેં સર્વેએ શું કહ્યું હતું?તે કહ્યું,હવે તમને યોગ્ય લાગે તેમ કરો.ભાઈઓમાં પરસ્પર પ્રેમ રહે તેવી ઈચ્છાથી,ને આ વંશમાં ભેદ ન પડે તે માટે મેં ત્યાં પ્રથમ સામ-નો પ્રયોગ કર્યો,પણ તે તેમણે સ્વીકાર્યો નહિ,ત્યારે મેં કર્ણની સાથે સંવાદ કરીને ભેદનો પ્રયોગ કર્યો ને સર્વ રાજાઓને એકઠા કરી તેમને ફોડવાનો પ્રયત્ન કર્યો.મેં તેમને આશ્ચર્યકારક,ભયંકર તથા દારુણ અમાનુષી કર્મો દેખાડ્યાં.ને તે રાજાઓનો તિરસ્કાર કરી,દુર્યોધનને તુચ્છ કરી,કર્ણ તથા શકુનિને વારંવાર ભયભીત કરી,ધૃતરાષ્ટ્રના પુત્રોની નિંદા કરી,પુનઃ અનેકવાર વાણી તથા મસલત વડે સર્વ રાજાઓના મનમાં ભેદ ઉત્પન્ન કર્યો.


તે પછી,કુરુવંશમાં ભેદ ન પડે તથા કાર્યની સિદ્ધિ થાય એટલા માટે ફરી,મેં સામ સાથે દાનનો પ્રયોગ કરતાં કહ્યું કે-

'સર્વ શૂરા પાંડવો માન છોડીને ધૃતરાષ્ટ્ર,ભીષ્મ ને વિદુરના અનુનાયી થઈને રહેશે,તેઓ તમને રાજ્ય આપી દઈને,અધિકાર વિનાના સાદા મનુષ્યોની જેમ રહેશે,માટે તું તારા પિતા,ભીષ્મ ને વિદુરનાં હિતવચનોને અનુસર.આ આખું રાજ્ય ભલે તારી પાસે રહે,તું માત્ર પાંચ ગામ પાંડવોને આપ.તારા પિતાએ પાંડવોનું અવશ્ય ભરણપોષણ કરવું જોઈએ.'

મેં આ પ્રમાણે કહ્યું તો પણ તે દુષ્ટાત્મા અલ્પભાગ આપવા પણ તૈયાર થયો નહિ,માટે હવે તે પાપીઓ માટે ચોથા ઉપાયરૂપ 'દંડ' કરવો એજ મને યોગ્ય લાગે છે,એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.તેના પક્ષના રાજાઓ કુરુક્ષેત્રમાં જવા નીકળી ગયા છે,એ કૌરવો યુદ્ધ કર્યા વિના તમને રાજ્ય આપશે નહિ,કારણકે તે સર્વે વિનાશના હેતુરૂપ છે અને સર્વનું મૃત્યુ સમીપમાં આવી ગયું છે (20)

અધ્યાય-150-સમાપ્ત 

ભગવદ્યાન પર્વ સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE