અધ્યાય-૧૪૯-શ્રીકૃષ્ણે કહેલાં ધૃતરાષ્ટ્રનાં વચન
II वासुदेव उवाच II एवमुक्ते तु गान्धार्या धृतराष्ट्रो जनेश्वरः I दुर्योधनमुवाचेदं राजमध्ये जनाधिप II १ II
વાસુદેવે કહ્યું-ગાંધારીના કહેવા પકચ્છી,ધૃતરાષ્ટ્ર રાજાઓની વચ્ચે દુર્યોધનને કહેવા લાગ્યા કે-હે પુત્ર દુર્યોધન,તને પિતા તરફ માન હોય તો હું તને કહું તે પ્રમાણે કર,તો તારું કલ્યાણ થશે.પૂર્વે,કુરુવંશની વૃદ્ધિ કરનારા,મૂળ પુરુષ સોમ નામના પ્રજાપતિ હતા.
એ સોમથી છઠ્ઠા પુરુષ નહુષના,યયાતિ થયા હતા.યયાતિના પાંચ પુત્રોમાં યદુ વડીલ હોવાથી રાજા થયો હતો.બળના ગર્વથી મોહિત થયેલો યદુ પિતાની આજ્ઞામાં રહ્યો નહિ ને પિતાનું ને ભાઈઓનું અપમાન કરવા લાગ્યો,ને સર્વ રાજાઓને વશ કરીને હસ્તિનાપુરમાં રહેવા લાગ્યો,ત્યારે યયાતિ બહુ ક્રોધ પામ્યા ને યદુને શાપ આપી રાજ્યથી ભ્રષ્ટ કર્યો ને પોતાની આજ્ઞાને આધીન રહેનારા,નાના પુત્ર પુરુને ગાદીએ બેસાડ્યો.આ પ્રમાણે મોટો પુત્ર પણ જો ગર્વિષ્ઠ હોય તો તે રાજ્ય મેળવતો નથી પણ નાના પુત્રો પણ વડીલોની સેવાથી રાજ્ય મેળવે છે.(13)
બીજું પણ એક દ્રષ્ટાંત છે.મારા પિતાના પિતામહ પ્રતીપને,દેવાપિ,બાહલીક ને શાંતનુ નામના ત્રણ પુત્રો હતા.ત્રણે ભાઈઓમાં ઉત્તમ ભ્રાતૃપ્રેમ હતો.જયારે પ્રતીપ વૃદ્ધ થયા ત્યારે,તેમણે દેવાપિનો રાજ્યાભિષેક કરવાની તૈયારી કરી,પણ દેવાપિને અંગે કોઢ હોવાથી,દેશના લોકોએ,બ્રાહ્મણોએ ને વૃદ્ધોએ તેમને અટકાવ્યા,ત્યારે તે દેવાપિ વનમાં ચાલ્યો ગયો.તેનો નાનો ભાઈ બાહલીક પણ રાજ્યનો ત્યાગ કરીને મામાના કુળમાં જઈને રહ્યો એટલે બાહલીકે આજ્ઞા કરેલા શાંતનુ,પિતાના મરણ બાદ રાજા બન્યા.
હે દુર્યોધન,તે પ્રમાણે જ હું આંખે અંધ હોવાથી પાંડુ કે જે મારાથી નાનો હતો,છતાં તેને રાજ્ય મળ્યું હતું.તે છતાં,તે મને રાજ્ય આપી વનમાં ગયો હતો.તેના મરણ પછી આ રાજ્ય તેના પુત્રોનું જ ગણાય.તું રાજપુત્ર કે રાજયસ્વામી નથી,છતાં,પારકું રાજ્ય છીનવી લેવાની ઈચ્છા રાખે છે તે અયોગ્ય છે.યુધિષ્ઠિર જ રાજપુત્ર છે ને ન્યાયથી પ્રાપ્ત થતું આ રાજ્ય તેનું છે.
હે દુર્યોધન,તું અનાર્ય આચરણવાળો,લોભી ને પાપ બુદ્ધિવાળો છે,પરંપરાથી ચાલ્યા આવતા આ બીજાઓના રાજ્યને તું કેવી રીતે હરી શકીશ? માટે તું મોહ દૂર કરીને પાંડવોને અર્ધું રાજ્ય આપ તો તારું જીવન કેટલોક સમય ટકી રહેશે (36)
અધ્યાય-149-સમાપ્ત