Apr 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-803

 

અધ્યાય-૧૪૮-શ્રીકૃષ્ણે દ્રોણ,વિદુર અને ગાંધારીનાં વચનો કહ્યાં 


II वासुदेव उवाच II भीष्मेणोक्ते ततो द्रोणो दुर्योधनमभाषत I मध्ये नृपाणां भद्रं ते वचनं वचनक्षम: II १ II

વાસુદેવે કહ્યું-ભીષ્મના એ પ્રમાણે કહ્યા પછી,રાજાઓ વચ્ચે બોલવામાં સમર્થ દ્રોણે દુર્યોધનને કહ્યું કે-'હે તાત,પ્રતીપના પુત્ર શાંતનુ,અને દેવવ્રત ભીષ્મ,જે પ્રમાણે કુળના ભલા માટે તત્પર રહ્યા હતા,તે પ્રમાણે પાંડુ પણ વર્ત્યા હતા.ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી રાજ્યના અનધિકારી હતા,છતાં કુરુવંશની વૃદ્ધિ કરનારા પાંડુએ તેમને રાજ્ય આપ્યું હતું.ને પોતાની બે રાણીઓ સાથે વનમાં ચાલ્યા ગયા હતા.વિદુર સર્વ રાજ્ય વ્યવસ્થા ને ભીષ્મ સંરક્ષણની વ્યવસ્થા કરતા હતા,ધૃતરાષ્ટ્ર તો સિંહાસન પર બેસી રહેતા હતા.આ કુળમાં ઉત્પન્ન થયેલો તું,કુરુમાં ભેદ પડાવવાનો આગ્રહ કેમ રાખે છે?તું ભાઈઓ સાથે મળીને વૈભવો ભોગવ.

હું તને જે કહું છું તે યુદ્ધના ભયથી કે કોઈ રીતે ધનના હેતુથી પણ કહેતો નથી.હું ભીષ્મે આપેલું જ લેવાની ઈચ્છા રાખું છું,તારી પાસેથી નહિ.તું એમ જાણ કે જ્યાં ભીષ્મ છે ત્યાં દ્રોણ છે,માટે તું જે ભીષ્મ કહે છે તેમ કર.મારુ આચાર્યપણું સદા તમારા ને પાંડવો પ્રત્યે સમાન છે.બહુ બોલવાથી શું ફળ?પણ,જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે.'


ત્યાર બાદ,વિદુર,ભીષ્મ પ્રતિ મુખ કરીને કહેવા લાગ્યા કે-'હે ભીષ્મ,આ કૌરવોનો વંશ નાશ પામ્યો હતો તેનો તમે પુનઃ ઉદ્ધાર કર્યો છે.પણ કુળને કલંક લગાડનાર ને લોભથી ઘેરાયેલા દુષ્ટ દુર્યોધનની બુદ્ધિને તમે કેમ અનુસર્યા કરો છો? જે પિતાના અને તમારા ઉપદેશને પણ ઉલ્લંઘે છે,તે દુર્યોધનના કાર્યથી આ કૌરવોનો વિનાશ થવા બેઠો છે.તમે મને અને ધૃતરાષ્ટ્રને,પૂતળા જેવા કરીને બેસાડી દીધા છે એટલે અમે શું કરીએ? કુળનો વિનાશકાળ આવી પહોંચવાથી તમારી બુદ્ધિ શું નાશ પામી છે?

જો તેમ હોય તો તમે મારી સાથે વનમાં ચાલો અથવા જો બુદ્ધિ ઠેકાણે હોય તો આ દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધનને કેદ કરીને,

આજથી જ આપ આ રાજ્યને સ્વાધીનમાં લો.કારણકે મને મહાવિનાશ થાય એવું દેખાઈ રહ્યું છે.'


ત્યાર બાદ,સુબલપુત્રી ગાંધારીએ આવીને કહ્યું કે-'હે પાપી દુર્યોધન,કુરુવંશીઓનું રાજ્ય,અનુક્રમે પુત્રપરંપરાથી છે,આ રાજ્ય પર હાલ ધૃતરાષ્ટ્ર અને વિદુર બેઠેલા છે છતાં તે બંનેનું ઉલ્લંઘન કરીને મોહને લીધે રાજા થઇ બેસવાની ઈચ્છા કેમ કરે છે?

ભીષ્મ હયાત છે ત્યાં સુધી,આ ધૃતરાષ્ટ્ર ને વિદુર પણ પરતંત્ર છે (કારણકે રાજ્ય પર મૂળ હક્ક એમનો છે).

સત્યમાં આ રાજ્ય પાંડુનું છે અને તેથી પાંડુપુત્રો સિવાય તેના પર બીજા કોઈનો હક્ક નથી.પિતામહ ભીષ્મ જેમ કહે તે સર્વ આપણે પૂરું કરવું જોઈએ ને તેમ કરવાથી જ રાજ્યનું ને સ્વધર્મનું રક્ષણ કર્યું ગણાશે.(36)

અધ્યાય-148-સમાપ્ત