અધ્યાય-૨૮-યજ્ઞવિભાગ યોગ (ગીતા-૪-જ્ઞાન-કર્મ-સન્યાસયોગ)
श्रीभगवान उवाच-इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब् ॥૧॥
एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।स कालेनेह महता योगो नष्टः परन्तप ॥२॥
स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३॥
શ્રીભગવાન કહે છે-મેં આ અવિનાશી યોગ સૌપ્રથમ સૂર્યને કહ્યો હતો.સૂર્યે એના પુત્ર મનુને કહ્યો અને મનુએ એના
પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો.હે અર્જુન,આ રીતે પરંપરાથી ચાલ્યો આવતો આ યોગ ઋષિઓએ જાણ્યો.પરંતુ કાળક્રમે
એ યોગ નષ્ટ પામ્યો છે.તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે એથી આજે આ જ્ઞાનને મેં તારી આગળ પ્રકટ કર્યું.(૩)
अर्जुन उवाच-अपरं भवतो जन्म परं जन्म विवस्वतः ।कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ॥४॥
અર્જુન કહે છે-હે કેશવ,તમારો જન્મ તો હમણાં થયો જ્યારે સૂર્ય તો બહુ પહેલેથી વિદ્યમાન છે.
તો મને સંશય થાય છે કે તમે સૂર્યને આ યોગ સૃષ્ટિના આરંભમાં કેવી રીતે કહ્યો ? (૪)
श्रीभगवान उवाच-बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥५॥
अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ॥६॥
શ્રીભગવાન કહે છે-હે અર્જુન,તારા અને મારા અનેક જન્મ થઈ ચુક્યા છે.
પરંતુ ફરક એટલો છે કે મને એ બધા યાદ છે અને તને એ યાદ નથી રહ્યા.
હું અજન્મા અને અવિનાશી છું.સર્વ ભૂતોનો ઈશ્વર છું.છતાં પ્રકૃતિનો આધાર લઈને પ્રકટ થાઉં છું.(૬)
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥८॥
હે ભારત,જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય છે અને અધર્મનો વ્યાપ વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું.
સાધુપુરુષોનું રક્ષણ,દુષ્કર્મીઓનો વિનાશ તથા ધર્મની સંસ્થાપનાના હેતુ માટે યુગે યુગે હું પ્રકટ થાઉં છું.(૭-૮)
जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः ।त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥९॥
वीतराग भयक्रोधा मन्मया मामुपाश्रिताः।बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥१०॥
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥११॥
મારા જન્મ અને કર્મ દિવ્ય તથા અલૌકિક છે.જે મનુષ્ય એનો પાર પામી જાય છે એ મૃત્યુ પછી મને પામે છે.
એ જન્મ-મરણના ચક્રમાં નથી ફસાતો.જેના રાગ,દ્વેષ,ભય તથા ક્રોધનો નાશ થયો છે અને જે અનન્યભાવથી
મારું ચિંતન કરે છે તે જીવાત્મા તપ અને જ્ઞાનથી પવિત્ર થઈને મારી પાસે પહોંચે છે.હે અર્જુન,જે ભક્ત મારું જે
પ્રમાણે ચિંતન કરે છે તેને હું તેવી રીતે મળું છું.શ્રેયના જુદા જુદા માર્ગોથી મનુષ્ય મારી પાસે જ આવે છે.(૧૧)
काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः ।क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥१२॥
चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः ।तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ॥१३॥
આ લોકમાં કર્મફળની કામના રાખનાર દેવોનું પૂજન કરે છે કારણ કે એમ કરવાથી કર્મફળની સિદ્ધિ શીઘ્ર
થાય છે.વર્ણોની રચના (બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય,શુદ્ર-એ ચાર) કર્મ તથા ગુણના આધાર પર મેં જ કરેલી છે.
એ કર્મોનો હું જ કર્તા છું છતાં મને તું અકર્તા જાણ. (૧૩)
न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा ।इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ॥१४॥
एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः ।कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् ॥१५॥
કારણ કે એ કર્મો મને બાધ્ય કરતા નથી.કેમ કે મને કર્મફળની કોઈ ઈચ્છા નથી.જે મારા રહસ્યને આ પ્રકારે
જાણી લે છે તે કર્મના બંધનોથી મુક્ત થઈ જાય છે.પહેલાંના સમયમાં મુમુક્ષુઓ આ પ્રમાણે કર્મ કરતા હતા.
એથી હે અર્જુન,તું પણ એમની માફક કર્મનું અનુષ્ઠાન કર.(૧૫)