Oct 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-940

 

અધ્યાય-૬૧-સાંયમનિના (શલના) પુત્રનો વધ 


॥ संजय उवाच ॥ द्रौणिभूरिश्रवाः शल्यचित्रसेनश्वमारिषः I पुत्रः सांयमनेश्वैव सौभद्रं पर्यवारयन ॥१॥ 

સંજયે કહ્યું-અશ્વત્થામા,ભૂરિશ્રવા,શલ્ય,ચિત્રસેન તથા સાંયમનિનો પુત્ર-વગેરે યોદ્ધાઓએ,સુભદ્રાપુત્ર અભિમન્યુને ચારે બાજુથી ઘેરી લીધો.તે પાંચ મહારથીઓની સામે એકલા લડતા અભિમન્યુને સર્વ જોઈ રહ્યા.તે પાંચે યોદ્ધાઓમાં,અભિમન્યુ સમાન,લક્ષ્યને વીંધનારો,શૌર્યવાન,પરાક્રમી,અસ્ત્ર વાપરવામાં કુશળ એવો એક પણ નહોતો.અભિમન્યુનું ધનુષ્ય,અનેક પ્રકારનાં યુદ્ધચાતુર્ય ખેલતું,સૂર્યની કાંતિસમાન દેખાતું હતું.તે અભિમન્યુએ અશ્વત્થામાને એક બાણથી,શલ્યને પાંચ બાણોથી વીંધ્યા ને શલરાજાના પુત્રની ધ્વજાને આઠ બાણોથી છેદી નાખી.

ત્યારે ભૂરિશ્રવાએ,સર્પસમાન ઝેરી મહાશક્તિને અભિમન્યુ તરફ ફેંકી,કે જેનો એક જ બાણ મારીને અભિમન્યુએ નાશ કર્યો.

વળી,તે સંગ્રામમાં મહાવેગવાળા બાણો છોડતા શલ્ય રાજાના તે બાણો છેદીને તેના ચારે ઘોડાઓને અભિમન્યુએ મારી નાખ્યા.

ભૂરિશ્રવા,શલ્ય,અશ્વત્થામા,સાંયમનિ(શલ)પુત્ર ને શલ-એ પાંચે યોદ્ધાઓ અભિમન્યુના બાહુબળને પહોંચી શક્યા નહિ.

ત્યારે તમારા પુત્ર દુર્યોધનની આજ્ઞા થતાં,ભદ્રો,ત્રિગર્તો અને કૈકેયો વગેરે પચીસ હજાર યોદ્ધાઓ અર્જુન અને અભિમન્યુ પર ચઢી આવ્યા.અર્જુન અને અભિમન્યુને ચારે તરફ ઘેરાયેલા જોઈને ધૃષ્ટદ્યુમ્ન,મોટા સૈન્ય સાથે ત્યાં દોડી આવ્યો.


ધૃષ્ટદ્યુમ્ને,અર્જુન પર ધસી આવતા શારદ્વતને ગળાની હાંસડીના ભાગમાં વીંધી નાખ્યો.અને દશે ભદ્રકોને દશ બાણો વડે મારી નાખ્યા.વળી તેણે પૌરવના સંબંધી દમનને પણ નારાચ બાણોથી મારી નાખ્યો.એટલે સાંયમનિના પુત્રે તે ધૃષ્ટદ્યુમ્નને અને તેના સારથિને વીંધી નાખ્યા.ક્રોધાતુર થયેલા ધૃષ્ટદ્યુમ્ને સામે તેના ધનુષ્યને કાપી નાખ્યું,ને તેના ઘોડા,સારથી ને રક્ષણ કરનારને પણ મારી નાખ્યા.એટલે તે સાંયમનિનો પુત્ર પગપાળો થઈને હાથમાં તલવાર લઈને ધૃષ્ટદ્યુમ્ન સામે ધસી ગયો.સાંયમનિના તે પુત્રને આવતો જોઈ,તેનું ગદા વડે માથું ભાગી નાખ્યું.એટલે તે જમીન પર ઢળી પડ્યો.


તે સમયે પોતાના પુત્રને મરણ પામેલો જોઈને ક્રોધાયમાન થયેલો સાંયમનિ (શલ) ધૃષ્ટદ્યુમ્ન સામે ધસી આવ્યો.ને ધૃષ્ટદ્યુમ્ન પર ત્રણ બાણોથી પ્રહાર કર્યો.શલ્ય રાજાએ પણ ક્રોધ કરીને ધૃષ્ટદ્યુમ્નને છાતીમાં વીંધી નાખ્યો.ને તેમની વચ્ચે યુદ્ધ શરુ થયું.

અધ્યાય-61-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE