અધ્યાય-૬૦-ચોથો દિવસ-ભીષ્મ ને અર્જુનનું દ્વંદ્વયુદ્ધ
॥ संजय उवाच ॥ वयुष्टां निशां भारत भारतानामनिकिनांप्रमुखे महात्मा ययौ सपतान्प्रतिजातनापो वृतः समरेण बलेन भीष्मः ॥१॥
સંજયે કહ્યું-હે ભારત,તે રાત્રિ વીત્યા પછી,પ્રભાતમાં કોપાયમાન થયેલા મહાત્મા ભીષ્મ,સમગ્ર સૈન્યથી યુક્ત થઈને કૌરવોની સેનામાં મોખરામાં રહીને શત્રુઓની સામે ગયા.ત્યારે તેની પાછળ,દ્રોણાચાર્ય,દુર્યોધન,બાહલીક,દુર્મર્ષણ,ચિત્રસેન એ જયદ્રથ વગેરે રાજાઓ પોતપોતાના સૈન્યો સાથે જવા લાગ્યા.ત્યારે તેમણે સામે કપિરાજના ચિહ્નિત ધ્વજવાળા રથમાં અર્જુને,વ્યાલ નામના વ્યૂહથી રચિત સેનાને જોઈ.પછી,અર્જુન શ્વેત ઘોડાઓથી જોડાયેલા રથમાં બેસીને સૈન્યના અગ્રભાગમાં,શત્રુઓના વધનો સંકલ્પ કરીને આગળ ધસી આવ્યો.રથ પર વિરાજમાન શ્રીકૃષ્ણ અને અર્જુનને જોઈને,તમારા પુત્રો ને તેમના પક્ષના યોદ્ધાઓ ખિન્ન થયા.તેમણે અર્જુનના રક્ષણ તળે ચારે દિશામાં ચારચાર હાથીઓની ગોઠવણી વાળા પાંડવોના સૈન્યને જોયું.
યુધિષ્ઠિરે,પ્રથમ દિવસે જે વ્યૂહ રચ્યો હતો તેવો જ આજનો વ્યૂહ આજ દિવસ સુઘીમાં પૃથ્વીના કોઈ પણ મનુષ્યે જોયો કે સાંભળ્યો નથી.યુદ્ધની આજ્ઞા થતાં જ આખા સૈન્યમાં ભેરીઓ,વાજિંત્રોના શબ્દો,રથોના ઘડઘડાટો અને શુરવીરોના સિંહનાદો શરુ થયા.ને વીરપુરુષોએ બાણો સહીત ધનુષ્યોનો ટંકાર કરવા માંડ્યો.ભયંકર યુદ્ધની શરૂઆત થઇ.તે વખતે ગભરાયેલા હાથીઓ,ઘોડાઓ અને રથોની તથા ઘોડેસ્વારો અને પાળાઓનો મોટી કાપાકાપી ચાલતી હતી.
પછી,મહારથીઓથી વીંટાયેલા ભીષ્મે,મોટા અસ્ત્રો અને બાણોથી દીપી રહેલા અર્જુનની સામે ધસારો કર્યો.તેમ જ દ્રોણ,કૃપ,શલ્ય,દુર્યોધન,ભૂરિશ્રવા વગેરે પણ અર્જુન સામે દોડી ગયા.ત્યારે સર્વ પ્રકારના અસ્ત્રોને જાણનાર,શૂરવીર અર્જુનપુત્ર અભિમન્યુએ,ઘણા વેગપૂર્વક આગળ આવીને ભીષ્મ આદિ સામે ધસી આવીને ઘણા જ મહારથીઓને અસ્ત્રોનો નાશ કર્યો ને રણસંગ્રામમાં શત્રુઓના લોહીરૂપ જળવાળી નદી ચલાવી મૂકી.તે વખતે ભીષ્મે સામે આવેલા,અભિમન્યુનો ત્યાગ કરીને અર્જુન સામે જવા માંડ્યું.સામે આવેલા પિતામહને જોઈને અર્જુને જરા સ્મિત કરીને ગાંડીવમાંથી વિપાઠ નામનાં બાણો છોડીને ભીષ્મનાં શસ્ત્રોનો નાશ કરીને ભલ્લ બાણોનો વરસાદ વરસાવી મુક્યો.
ભીષ્મએ પણ સામી બાણોની વૃષ્ટિ કરીને,જેમ સૂર્ય અંધકારનો નાશ કરે તેમ,અર્જુનનાં આકાશમાં વિસ્તરેલાં મહાસ્ત્રોના સમૂહનો નાશ કર્યો.હે રાજન,ત્યારે તમારા પુત્રો ભીષ્મના તે અદભુત કર્મને જોઈ રહ્યા.એ પ્રમાણે ધનુષ્યનાં ટંકાર સાથે ઘણા શૌર્યથી યુદ્ધ કરતા ભીષ્મ અને અર્જુનના દ્વંદ્વ યુદ્ધને,કૌરવો ને સૃન્જયો સહીત સર્વે લોકો જોઈ રહ્યા.
અધ્યાય-60-સમાપ્ત