શ્રીકૃષ્ણે પોતાના હાથમાં ઘોડાની લગામ લીધી અને પાંચજન્ય નામનો શંખ વગાડીને તેના નાદથી સર્વ દિશાઓને ગજવી મૂકી.સર્વ સેનામાં સિંહનાદો થવા લાગ્યા.ને ત્યારે અર્જુને ગાંડીવનો ટંકાર કરીને સર્વ દિશામાં તીવ્ર બાણો છોડવા માંડ્યાં.
તે વખતે દુર્યોધન,હાથમાં ધનુષ્ય લઈને,ઘણા વેગપૂર્વક ભીષ્મ અને ભૂરિશ્રવા સાથે અર્જુનની સામે ધસી આવ્યો.
દુર્યોધને ઉગ્ર વેગવાળાં તોમરથી,શલ્યરાજાએ ગદાથી અને ભીષ્મે શક્તિથી અર્જુન પર પ્રહાર કર્યો.કે જેને અર્જુને અધવચ્ચે જ તોડી નાખ્યા ને ગાંડીવથી અનેક બાણો છોડીને દિશાઓને ઢાંકી દીધી.ગાંડીવના ટંકાર માત્રથી દુશ્મન સૈન્યના સૈનિકોના ગાત્રો શિથિલ થઇ જતા હતા.અને કોઈ પણ યોદ્ધો અર્જુન સામે આગળ ધસી શકતો નહોતો.અર્જુને અસંખ્ય-અગણિત યોદ્ધાઓનો સંહાર કરી નાખ્યો ત્યારે તે અને શ્રીકૃષ્ણ આનંદમાં આવી જઈને સિંહનાદો કરવા લાગ્યા.
ત્યાર પછી,કિરણોને સમેટી લેતા સૂર્યને જોઈને,હવે રાત્રિ થવા આવી છે એમ માનીને શસ્ત્રોના પ્રહારથી અત્યંત ઘાયલ થયેલા શરીરવાળા ભીષ્મ,દ્રોણ ને દુર્યોધન આદિએ પોતાની સેનાને છાવણી તરફ પછી વળી.અર્જુન પણ પોતાના શત્રુઓનો પરાજય કરીને,કીર્તિ ને યશ મેળવીને,યુદ્ધ કર્મ સમાપ્ત કરીને,રાત્રિનો સમય થતાં પોતાની છાવણી તરફ પાછો ફર્યો.તે રાત્રિના આરંભમાં કૌરવોની છાવણીમાં તુમુલ કોલાહલ થઇ રહ્યો કે-'આજે તો રણસંગ્રામમાં અર્જુને દશ હજાર રથીઓ,સાતસો હાથીઓ અને અગણિત યોદ્ધાઓને મારીને ઘણું મોટું પરાક્રમ કરી બતાવ્યું છે.કે જે કરવાને બીજો કોઈ યોગ્ય નથી.આજના યુદ્ધમાં તો અર્જુને દ્રોણ,ભીષ્મ,જયદ્રથ,ભૂરિશ્રવા,શલ્ય આદિ અનેક યોદ્ધાઓને જીત્યા છે' આ પ્રમાણે વાતો કરતા કરતા ને અર્જુને ત્રાસ પમાડેલા કૌરવ સેનાના યોદ્ધાઓએ હજારો મશાલોથી પ્રકાશિત પોતપોતાની છાવણીમાં પ્રવેશ કર્યો.(139)
અધ્યાય-59-સમાપ્ત