Sep 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-937

 

સાત્યકિએ ભાગતા યોદ્ધાઓને વાર્યા.ત્યારે શ્રીકૃષ્ણ તેને કહેવા લાગ્યા કે-'હે સાત્યકિ,જે યોદ્ધાઓ નાસી જતા હોય તેમને સુખેથી નાસી જવા દે.જે ઉભેલા છે તેમને પણ જવું હોય તો જવા દે.આજે હું પોતે જ ભીષ્મ,દ્રોણનો-સૈન્ય સહીત નાશ કરીશ.કૌરવોમાં કોઈ પણ એવો યોદ્ધો નથી કે જે મારી પાસથી છૂટી શકે.માટે હું પોતે જ સુદર્શન ચક્ર લઈને ભીષ્મના પ્રાણ લઈશ.તેમના મુખ્ય રાજાઓનો પણ હું નાશ કરીશ અને યુધિષ્ઠિરને રાજ્ય આપાવીશ.'આમ કહીને શ્રીકૃષ્ણે ઘોડાઓની લગામ હાથમાંથી છોડી દીધી અને એક હાથે,સુંદર આરાઓ વાળું,સૂર્યસમા કાંતિવાળું,વજ્ર સમાન પ્રભાવવાળું ને તીવ્ર ધારવાળું સુદર્શન ચક્ર હાથમાં લીધું અને ઘણા વેગથી ભીષ્મની સામે દોડ્યા.

અત્યંત ક્રોધાયમાન થયેલા હાથમાં સુદર્શન ધારણ કરેલા શ્રીકૃષ્ણ,તે વખતે આકાશમાં રહેલા વીજળીના મેઘ સમાન શોભતા હતા.હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરેલા ને મોટી ગર્જના કરતા શ્રીકૃષ્ણને જોઈને સર્વ પ્રાણીઓ હાહાકાર કરવા લાગ્યા કે-'હવે કૌરવોનો તો નાશ થયો' ને પોતાની સામે દોડી આવતા શ્રીકૃષ્ણને જોઈને ભીષ્મ જરા પણ ગભરાયા વિના ગોવિંદને કહેવા લાગ્યા કે-'હે દેવના દેવ,આવો આવો.મને આ રથમાંથી બળાત્કારે પટકી નાખો.આજે તમારે હાથે જો મારુ મરણ થશે તો આ લોકમાં ને પરલોકમાં મારુ કલ્યાણ થઇ જશે.તમે મારી સામે આવ્યા,તેથી હું ત્રણે લોકમાં માનપાત્ર થયો છું' (98)


આ તરફથી અર્જુન,રથમાંથી કૂદી પડ્યો અને શ્રીકૃષ્ણની પાછળ દોડી જઈને તેમના હાથને પોતાના હાથમાં પકડી લીધા.છતાં શ્રીકૃષ્ણ તો વેગથી આગળ દોડતા જ હતા.ને અર્જુન તેમની પાછળ ઘસડાતો હતો.દશમા પગલે ઘણા જોરથી તેમના બે પગોને પકડી રાખીને અર્જુને તેમને અટકાવ્યા ને તેમને પ્રણામ કરીને કહ્યું કે-'હે કેશવ,આપ કોપનો ત્યાગ કરો.પાંડવોના આધાર તમે જ છો.હું મારા પુત્રો ને ભાઈઓના સોગન ખાઈને કહું છું કે-મારા પ્રતિજ્ઞા કરેલા કર્મનો ત્યાગ નહિ કરું.ને આપની ઈચ્છા મુજબ,મારુ કર્તવ્ય સમજીને હું કૌરવોનો નાશ કરવાને જરૂર મથીશ ને તેમનો નાશ કરીશ' ત્યારે અર્જુનની પ્રતિજ્ઞા ને સોંગનને સાંભળીને શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા ને તત્પર થઈને ચક્રસહિત પાછા રથમાં ચઢી ગયા.(104)