Sep 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-936

 

ત્યારે શ્રીકૃષ્ણે રથને ભીષ્મ સામે લીધો.ભીષ્મની સામે યુદ્ધ કરવા તત્પર થયેલો જોઈને સૈન્ય પાછું ફર્યું.

પછી સિંહની જેમ ગર્જના કરતા ભીષ્મે,અર્જુનના રથને બાણો વડે ઢાંકી દીધો.શ્રીકૃષ્ણ સહીત તે રથ જરા પણ દેખાતો નહોતો છતાં પણ વાસુદેવે ગભરાયા વિના ઘોડાઓને ભીષ્મ પ્રતિ હંકાર્યા કર્યા.અર્જુને પોતાનું ગાંડીવ હાથમાં લીધું અને તેમાં ત્રણ બાણ સાંધીને ભીષ્મના ધનુષ્યના ત્રણ કકડા કરી નાખ્યા.ભીષ્મે તરત જ બીજું ધનુષ્ય હાથમાં લીધું,કે જેને પણ અર્જુને તોડી નાખ્યું.

અર્જુનની ચતુરાઈના વખાણ કરતા ભીષ્મ કહેવા લાગ્યા કે-'હે અર્જુન,ધન્ય છે તને,હું તારા પર પ્રસન્ન છું આવ,ખુશીથી મારી સાથે યુદ્ધ કર' એમ કહીને ત્રીજું ધનુષ્ય હાથમાં લઈને તેમણે અર્જુનના રથ પર બાણો છોડવા માંડ્યાં .

તે વખતે વાસુદેવે,પણ ઘોડાઓ ચલાવવાની ખરી ચતુરાઈ દેખાડી આપી અને એકદમ રથની ગતિનાં અનેક મંડળો રચીને ભીષ્મનાં બાણોને નિષ્ફળ કરી નાખ્યા.પણ,તે પછી,ભીષ્મે બાણોના પ્રહાર કરીને કૃષ્ણ અને અર્જુનને આખા શરીરમાં અત્યંત વીંધવા લાગ્યા.સામે અર્જુનના બાણોથી લોહીલુહાણ થયેલા ભીષ્મ ક્રોધાયમાન થઈને હજારો બાણોથી કૃષ્ણ ને અર્જુનની સર્વ દિશાઓને રોકી દીધી.ને પાછા રોષમાં આવી જઈને ખડખડાટ હસતા હોય તેમ મુખ મલકાવીને પાણીદાર બાણોના પ્રહાર વડે કૃષ્ણને પીડિત કરીને તેમને કંપાવી દીધા.


ત્યાર પછી જયારે,શ્રીકૃષ્ણે એ પ્રમાણેનું ભીષ્મનું પરાક્રમ જોયું ને અર્જુનની તેમની તરફની યુદ્ધ કરવાની મંદતા જોઈને એકદમ ક્રોધાતુર થયેલા શ્રીકૃષ્ણ મનમાં વિચારવા લાગ્યા કે-આ ભીષ્મ એક જ દિવસમાં સર્વ સંહાર કરી નાખે તેવા છે.યુધિષ્ઠિર અને તેના કોઈ પણ અનુનાયીઓ હવે રહે તેમ લાગતું નથી.પાંડવ સૈન્યમાં ભંગાણ પડ્યું છે ને સર્વ યોદ્ધાઓ નાસભાગ કરી રહ્યા છે ને કૌરવો ઘણા આનંદમાં આવી ગયા છે,હવે હું પોતે જ પાંડવોને માટે ભીષ્મનો નાશ કરી પાંડવોનો ભાર દૂર કરું.આ અર્જુન,ભીષ્મ તરફના માનને લીધે રણસંગ્રામમાં પોતાનું કર્તવ્ય સમજતો નથી' શ્રીકૃષ્ણ આમ વિચારતા હતા ત્યારે ભીષ્મે ક્રોધાયમાન થઈને અર્જુનના રથ તરફ બાણો મુકવા માંડ્યાં,તે વખતે સાત્યકિ અર્જુન અને કૃષ્ણની વહારે આવી ચડ્યો.