અધ્યાય-૫૯-ભીષ્મનું ભયંકર યુદ્ધ-ત્રીજો દિવસ પૂર્ણ
॥ धृतराष्ट्र उवाच ॥ प्रतिज्ञाते ततस्मिन्यद्वे भीष्मेण दारुणे I क्रोधिते मम पुत्रेण दुःखितेन विशेषतः ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,વિશેષે કરીને દુઃખી થયેલા મારા પુત્રે,ભીષ્મ પાસે દારુણ યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા લેવરાવી
પછી,તેમણે પાંડવોની સામે કેવીરીતે યુદ્ધ કર્યું?તથા પાંચાલોએ ભીષ્મની સામે કેવી રીતે યુદ્ધ કર્યું?
સંજયે કહ્યું-હે ભારત,તે દિવસનો પ્રથમ ભાગ લગભગ વીતી ગયો હતો ને સૂર્ય પશ્ચિમમાં આવી રહ્યો હતો ને જય મેળવીને પાંડવો હર્ષિત થઇ રહ્યા હતા ત્યારે ભીષ્મ,ચારે બાજુ તમારા પુત્રો વડે રક્ષિત થઈને પાંડવોની સેનામાં ધસી ગયા.અને તુમુલ યુદ્ધ શરુ થયું.સેંકડો ને હજારો તાજાં કપાયેલાં મસ્તકો અને આભૂષણોથી શોભતા બાહુઓ રણભૂમિ પર પડીને તરફડતા હતા.
માંસ અને લોહીરૂપ કાદવવાળી મોટા વેગવાળી લોહીની નદી વહેવા લાગી.
તે વખતે કૌરવો ને પાંડવો વચ્ચે જે યુદ્ધ થયું છે તેવું યુદ્ધ કોઈએ જોયું નહિ હોય તેમ જોયું પણ નહિ હોય.
યોધ્ધાઓના પડકારો ને અવાજો વચ્ચે,રથની બેસણી પર નૃત્ય કરતા હોય તેમ જણાતા ભીષ્મ અગ્નિચક્રની જેમ જ્યાંત્યાં સર્વ સ્થળે દેખાવા લાગ્યા.તે એકલા જ હતા છતાં પણ તેમની બાણો મુકવાની ચતુરાઈને લીધે,અનેક સ્વરૂપે જણાતા હતા.
રણસંગ્રામમાં અદભુત કર્મ કરી રહેલા ભીષ્મને જોઈને સર્વ મનુષ્યો હાહાકાર કરવા લાગ્યા.ભીષ્મનું છોડેલું એક પણ બાણ નિષ્ફળ જતું નહોતું,ને રાજાઓ રૂપ પતંગિયાં,મરીને ટપોટપ નીચે પડતાં હતાં.જે યોદ્ધો તેમની સામે આવતો તે તરત જ ભોંય પર પટકેલો જોવામાં આવતો હતો.
ધર્મરાજાની મોટી સેનાનો ભીષ્મે હજારો પ્રકારથી સંહાર કરી નાખ્યો,ત્યારે તે સેના સંતાપ પામીને ધ્રુજવા લાગી ને અર્જુન,કૃષ્ણ-આદિના દેખતાં જ ચારે બાજુ નાસભાગ કરવા લાગી.કે જેને પાંડવોના મહારથીઓ પણ વારી શકતા નહોતા.ભીષ્મથી સંહાર કરાતી એવી પાંડવોની સેનામાં એટલું બધું ભંગાણ પડ્યું કે,બે સૈનિકો પણ સાથે રહીને તો નાસી શકતા નહોતા,તેથી છુટાછુટા એક એક જણ પલાયન થતા હતા.હાથી,ઘોડા,રથો,પાળાઓ એ સર્વનો અત્યંત સંહાર થતો જોઈને ને નાસભાગ થતા સૈન્યને જોઈને શ્રીકૃષ્ણે પોતાનો રથ ઉભો રાખીને અર્જુનને કહ્યું કે-
'હે પાર્થ,તને જે સમય ઇષ્ટ હતો તે સમય અત્યારે આવી પહોંચ્યો છે.યુદ્ધની શરૂઆતમાં તેં કહ્યું હતું કે-'ભીષ્મ,દ્રોણ વગેરેમાંનો કોઈ પણ મારી સામે આવીને લડશે ત્યારે સૈન્ય સહીત તેઓનો હું નાશ કરીશ' તો હવે તે વાક્યને સત્ય કરી બતાવ.તું જો,કે અત્યારે સૈન્યમાં કેવું ભંગાણ પડ્યું છે.ભીષ્મને જોઈને આપણી સેનાના રાજાઓ ચારે બાજુ નાસી જાય છે'
ત્યારે અર્જુને કહ્યું કે-હે કૃષ્ણ,જ્યાં ભીષ્મ પિતામહ રહેલા છે ત્યાં રથને લઇ લો,હું ભીષ્મનો તરત જ નાશ કરીશ'