અધ્યાય-૫૮-ભીષ્મ અને દુર્યોધનનો સંવાદ
॥ संजय उवाच ॥ ततस्ते पार्थिवाः कृद्वाः फ़ाल्गुनं वीक्ष्य संयुगे I रथैरनेकसाहस्त्रैः समंतात्पर्यवारयन् ॥१॥
સંજયે કહ્યું-બધા રાજાઓ સામે અર્જુનને રણસંગ્રામમાં આવેલો જોઈને તે રાજાઓ એકદમ કોપાયમાન થઈને હજારો બાણો છોડીને અર્જુનને આગળ વધતો અટકાવવા લાગ્યા.તે રાજાઓએ અર્જુનના રથ પર દેદીપ્યમાન શક્તિઓ,ગદાઓ,ભાલાઓ,
ફરસીઓ,મુદ્દગરો-આદિ અનેક પ્રકારનાં અસ્ત્રો ફેંકવા માંડ્યાં ત્યારે અર્જુને તે સર્વને પોતાના બાણોથી અટકાવી દીધા.
અર્જુનની ચતુરાઈ જોઈને ત્યાં રહેલા દેવો,દાનવો,ગંધર્વો-આદિ સર્વેએ ધન્યવાદના પોકાર કરીને તેના વખાણ કર્યા.
એ વખતે અભિમન્યુ ને સાત્યકિ,મોટી સેના સાથે શકુનિ સાથે રહેલા ગાંધાર યોદ્ધાઓ સાથે યુદ્ધ કરી રહ્યા હતા.શકુનિના યોદ્ધાઓએ ક્રોધાતુર થઈને સાત્યકિના ઉત્તમ રથના,અનેક પ્રકારનાં શસ્ત્રો વડે ટુકડે ટુકડા કરી નાખ્યા.એટલે સાત્યકિ અભિમન્યુના રથ પર ચડી ગયો.એક રથમાં બેઠેલા તે યોદ્ધાઓ,શકુનિની સેનાનો સંહાર કરવા લાગ્યા.
બીજી બાજુ ભીષ્મ અને દ્રોણ,ધર્મરાજાની સેનાનો નાશ કરવા લાગ્યા,ત્યારે યુધિષ્ઠિર,નકુલ અને સહદેવ
દ્રોણાચાર્યના સૈન્ય સામે ધસી ગયા અને તેમની વચ્ચે રુંવાટાં ઊભાં કરી દે તેવું તુમુલ યુદ્ધ શરુ થયું.
જયારે,ભીમ અને ઘટોત્કચને રોકવા દુર્યોધન સામે આવી પહોંચ્યો ત્યારે ઘટોત્કચનું પરાક્રમ ઘણું જ અદભુત લાગે તેવું હતું.તે પોતાના પિતાથી પણ અધિક શૌર્યથી લડતો હતો.પછી,ભીમે એકદમ ક્રોધાયમાન થઈને દુર્યોધનને એક જ બાણ મારીને છાતીમાં વીંધ્યો.જોરથી વાગેલા તે બાણથી દુર્યોધન મૂર્છા આવવાથી,એકદમ રથની બેસણી પર બેસી ગયો.તે જોઈને સારથી તેને ઉતાવળથી રણસંગ્રામમાંથી દૂર લઇ ગયો.તેથી સેનામાં એકદમ ભંગાણ પડ્યું.અને કૌરવોની સેના ચારે બાજુ નાસવા લાગી.ભીમ તેમની પુંઠે પડ્યો ને તીક્ષ્ણ બાણોથી તેમનો સંહાર કરવા લાગ્યો.
બીજી બાજુ,દ્રોણાચાર્યના સૈન્ય સામે લડતા,યુધિષ્ઠિર સાથે ધૃષ્ટદ્યુમ્ન ભળ્યો અને એમના દેખતાં જ સૈન્યનો સંહાર કરવા માંડ્યો.એટલે તે સૈન્ય પણ નાસભાગ કરવા માંડ્યું.નાસભાગ કરતા તે સૈન્યને ભીષ્મ કે દ્રોણ રોકી શક્યા નહિ.
એક રથમાં બેસેલા સાત્યકિ ને અભિમન્યુ,શકુનિના સૈન્યનો નાશ કરી રહ્યા હતા તે વખતે અર્જુન,કૌરવોના સૈન્ય પાર બાણોનો વરસાદ વરસાવી રહ્યો હતો.તેના બાણોથી નાશ પામતું કૌરવોનું સૈન્ય,ભયથી કંપતું ચારે બાજુ પલાયન થવા લાગ્યું.
ત્યારે દુર્યોધનનું હિત ઇચ્છતા ભીષ્મ ને દ્રોણ,તે સૈનિકોને વારવા લાગ્યા.તે વખતે દુર્યોધન પણ શાંત થઈને ત્યાં પાછો આવ્યો અને પોતાના સૈન્યને વારવા લાગ્યો.પાછા વળેલા સૈન્યને જોઈને દુર્યોધન એકદમ ભીષ્મ પાસે ગયો ને તેમને કહેવા લાગ્યો કે-
'હે પિતામહ,તમારા,દ્રોણના અને કૃપના જીવતા છતાં મારી સેના નાસભાગ કરે તે આપણને જરા પણ માનપ્રદ નથી.તમારા ત્રણેના જેવા,કોઈ પાંડવો બળવાન નથી કે તમે તેમની સામે લડવા અશક્ત હો,તો પછી આ ઉપરથી તો એમ જ લાગે છે કે તમે પાંડવો પર અનુગ્રહ કરો છો.જો તેમ નહોય તો મારી સેનાને મરાતી તમે કેમ સહન કરી શકો? જો આમ હતું તો તમારે મને પહેલેથી જ કહેવું હતું કે તમે ધૃષ્ટદ્યુમ્ન,સાત્યકિ-આદિ સામે લડશો નહિ.તો તે વખતે જ હું તમારાં વચન સાંભળીને કર્ણની સાથે યોગ્ય વિચાર કરી શકત.તમારે જો મને આ યુદ્ધમાં તજવો જ ન હોય તો યોગ્ય,પરાક્રમ બતાવીને લડો'
હે રાજન,દુર્યોધનનું આવું વચન સાંભળીને ભીષ્મે ક્રોધથી આંખો ફાડીને તેને કહ્યું કે-'હે દુર્યોધન,મેં તને ઘણી વખત કહ્યું હતું કે-પાંડવોને યુદ્ધમાં ઇન્દ્ર સહીત દેવો પણ જીતી શકે તેમ નથી,ને તે પ્રમાણે તને મેં ખરાં ને હિતકારક વચનો પણ કહ્યાં હતાં,છતાં પણ આજે મારા વૃદ્ધનાથી જે બનશે તે હું યથાશક્તિ કરી બતાવીશ.આજે હું એકલો જ સૈન્ય સહીત પાંડવોને રોકી રાખીશ'
ભીષ્મે આમ કહ્યું ત્યારે તમારા પુત્રો આનંદમાં આવી જઈને શંખો ને ભેરીઓ વગાડવા લાગ્યા.
અધ્યાય-58-સમાપ્ત