Sep 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-933

 

અધ્યાય-૫૭-ત્રીજો દિવસ-પ્રાતઃકાળનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ ततो व्युढेष्वनिकेषु तावकेषु परेषु च I धनन्जयो रथानिकमवधीत्तवभारत ॥१॥ 

સંજયે કહ્યું-હે ભારત,ઉપર પ્રમાણે જયારે બંને પક્ષોના સૈન્યની રચના થઇ ગઈ,ને યુદ્ધ શરુ  થયું ત્યારે અર્જુને તમારા રથીઓનાં સૈન્યને હણવા માંડ્યું.કૌરવો પણ 'મરણ થાય તો પણ પાછા હટવું નહિ'એવો દૃઢ નિશ્ચય કરીને પાંડવો સામે લડવા લાગ્યા ને એકચિત્ત થઈને તેમણે પાંડવોની સેના સામે ધસારો કર્યો ને તેમની સેનામાં ભંગાણ પાડ્યું.પૃથ્વીની રજ એટલી ઊડતી હતી કે તે સૂર્યને પણ ઢાંકી દેતી હતી,દિશાઓ પણ ઓળખાતી નહોતી યોદ્ધાઓ માત્ર ધ્વજ વગેરેના ચિહનથી ને સંકેત ઉપરથી લડી રહ્યા હતા.તેમ છતાં દ્રોણાચાર્યથી રક્ષાયેલો કૌરવોનો વ્યુહ અને ભીમથી રક્ષાયેલો પાંડવોનો વ્યૂહ તૂટી શક્યો નહિ.

તે વખતે બંને સેનાના હાથીઓ અને રથો સેળભેળ થઇ ગયા હતા,ઘોડેસ્વારો સામસામા આવીને તલવારો ને ભાલાથી એકબીજાને હણતા હતા.કોઈ કોઈ યોદ્ધો એકદમ કૂદીને શત્રુના હાથી પર ચડી જઈને તેનો શિરચ્છેદ કરતો હતો.

હાથીના દંતશૂળોથી અનેક યોદ્ધાઓના હૃદયો ચિરાઈ જતા હતા અને લોહી ઓકતા હતા.પાળાઓ પાળાઓ સામે અતિ ઝનૂનથી યુદ્ધ કરતા લાશોનો ઢગ કરતા હતા.કોઈ પાળાઓ રથીના પર પ્રહાર કરીને તેને મારતા હતા,કોઈ રથીઓ ઘોડેસ્વારોને તો કોઈ ઘોડેસ્વારો હાથીસ્વારો પર પ્રહાર કરીને તેમને પટકી નાખતા હતા.


જ્યાંત્યાં તૂટી ગયેલી ધ્વજાઓ,તૂટેલાં ધનુષ્યો-તોમારો-ગદાઓ-કણપ નામનાં યંત્રો-આદિથી પૃથ્વી પથરાઈ ગયેલી દેખાતી હતી.

મૃત પામેલા મનુષ્યો,હાથીઓ,ઘોડાઓ આદિના માંસ ને લોહીથી ભૂમિ કીચડવાળી થઇ હતી.ને બિહામણી લાગતી હતી.

આવું મહાભયંકર અને દારુણ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે મહારથીઓ આમતેમ ચારે બાજુ દોડતા જોવામાં આવતા હતા.


ત્યાર પછી,ભીષ્મ,દ્રોણ,જયદ્રથ,પુરુમિત્ર,જય,ભોજ,શલ્ય અને શકુની વગેરે સાથે મળી પાંડવોના સૈન્યમાં ભંગાણ પાડવા લાગ્યા.ત્યારે ભીમ,ઘટોત્કચ,સાત્યકિ,ચેકિતાન અને દ્રૌપદીના પાંચ પુત્રો,કૌરવોની સેનાના યોદ્ધાઓને નસાડી મુકતા હતા.

તે વખતે,દુર્યોધન,એક હજાર રથો લઈને ભીમ અને ઘટોત્કચ સામે યુદ્ધ કરવા આવ્યો.અને સર્વે પાંડવો,મોટી સેના લઈને ભીષ્મ અને દ્રોણ સામે એકદમ ધસી ગયા.અર્જુને પણ સર્વ રાજાઓ ઉપર ચારે બાજુથી ઘેરો ઘાલ્યો.અભિમન્યુ અને સાત્યકિ શકુનિના સૈન્ય તરફ ગયા.ને પછી,હે રાજન,રણસંગ્રામમાં વિજયની ઈચ્છાવાળા તમારા પુત્રો અને પાંડવોની વચ્ચે રોમેરોમ ખડાં થઇ જાય તેવું ભયંકર યુદ્ધ ચાલુ થયું.(40)

અધ્યાય-57-સમાપ્ત