Sep 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-932

 

અધ્યાય-૫૬-ત્રીજો દિવસ-ગરુડ વ્યૂહ અને અર્ધચંદ્રવ્યૂહ 


॥ संजय उवाच ॥ प्रभातायां च शर्वर्या भीष्मः शान्तनवस्तदा I अनीकान्यनुसंयाने व्यादिदेशाय भारत ॥१॥ 

સંજયે કહ્યું-હે ભારત,જયારે રાત્રી વીતી ગઈ ને સવાર થયું,ત્યારે શાન્તનુકુમાર ભીષ્મે,સર્વ સૈન્યને યુદ્ધને માટે તૈયાર થવાની આજ્ઞા આપી.ભીષ્મે તમારા પુત્રોનો જય થાય તેવું ઇચ્છીને તે દિવસે ગરુડ નામના મોટા વ્યુહની રચના કરી.જેના મુખના સ્થાનમાં તે પોતે જ રહ્યા અને ચક્ષુના સ્થાનમાં દ્રોણાચાર્ય ને કૃતવર્મા રહ્યા.ત્રિગર્ત દેશના,કૈકેય દેશના અને વાટઘાનના યોદ્ધાઓની સાથે અશ્વત્થામા અને કૃપાચાર્ય તેના શિરસ્થાનમાં રહ્યા.ભૂરિશ્રવા,શલ,શલ્ય,ભગદત્ત અને જયદ્રથ એ બધા રાજાઓ એ વ્યુહની ગ્રીવાના સ્થાનમાં રહ્યા.

દુર્યોધન પોતાના અનુનાયી ભાઈઓ સાથે પીઠના ભાગ પર રહ્યો.અવંતિના કુમાર વિંદ અને અનુવિંદ તથા કામ્બોજ ને શકદેશના યોદ્ધાઓને તે વ્યુહના પુચ્છ ભાગમાં રાખ્યા.શૂરસેનો,માગધો,કલિંગો વગેરે પોતાના અનુચરો સહીત જમણા પડખાનો આશરો કરીને ઉભા રહ્યા.કારુષો,વિકુંજો,મુંડો,કુંડીવૃષો વગેરે બૃહદબલની સાથે ડાબા પડખાનું રક્ષણ કરતા ઉભા રહ્યા.

ભીષ્મની આવી વ્યૂહરચના સામે તેનાથી વિરુદ્ધ એવા અર્જુને ધૃષ્ટદ્યુમ્નની સાથે રહીને દારુણ એવા અર્ધચંદ્ર વ્યુહની રચના કરી.


તે વ્યુહના જમણા શિખર પર,જુદાજુદા રાજાઓ સહીત ભીમ વિરાજમાન થયો.ને તેની પાછળ વિરાટરાજા ને દ્રુપદરાજા ઉભા રહ્યા.ત્યાર પછી,નીલરાજા અને ચેદી,કાશી,કરુષ અને પૌરવ યોદ્ધા સહીત ધૃષ્ટકેતુ ઉભો રહ્યો.ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,પંચાલો,

પ્રભદ્રકો વગેરે યોદ્ધાઓ મોટી સેનાઓ સાથે મધ્યભાગમાં ઉભા રહ્યા.યુધિષ્ઠિર તેજસ્થાનમાં ઉભા રહ્યા.તેના પછી,સાત્યકિ,દ્રૌપદીના પાંચ પુત્રો,અભિમન્યુ,ઈરાવાન વગેરે ઉભા રહ્યા.તેની પાસે ઘટોત્કચ તથા કેકય યોદ્ધાઓ ઉભા રહ્યા.

તે વ્યુહના ડાબા શિખર પર,શ્રીકૃષ્ણની સાથે અર્જુન ઉભો રહ્યો.


હે રાજન,એ પ્રમાણે તમારા પુત્રોનો અને તેના પક્ષમાં રહેલા બીજાઓનો વધ કરવા માટે પાંડવોએ મહાવ્યૂની રચના કરી.તે પછી યુદ્ધનો આરંભ થયો અને તેમાં એકબીજાના રાઠો અને હાથીઓ સેળભેળ થઇ ગયા.કૌરવો અને પાંડવોએ પરસ્પર મારો ચલાવ્યો,તેમાં પ્રહાર કરતા તે વીરોનાં ઘોડાઓ અને રથો ટપોટપ પડવા લાગ્યા.આમતેમ દોડાદોડ કરતા રથોનો તથા એકબીજાના પર પ્રહાર કરતા યોદ્ધાઓનો દુંદુભિનાદથી મિશ્ર એવો આકાશને સ્પર્શ કરનારો તુમુલ શબ્દ થઇ રહ્યો.(22)

અધ્યાય-56-સમાપ્ત