Sep 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-931

 

અધ્યાય-૫૫-અભિમન્યુ સામે લક્ષ્મણ-બીજો દિવસ પૂર્ણ 


॥ संजय उवाच ॥ गतगर्वाह्नभूयिष्ठे तस्मिन्नहनि भारत I रथनगाश्चपत्तीनां सानिनांच महाक्षये ॥१॥ 

સંજયે કહ્યું-તે દિવસનો પૂર્વભાગ લગભગ ચાલ્યો ગયો અને રથો,હાથીઓ,ઘોડાઓ,પાળાઓ અને ઘોડેસ્વારોનો મોટો સંહાર થઇ ગયો.પછી,અશ્વત્થામા,શલ્ય અને કૃપાચાર્ય સામે ધૃષ્ટદ્યુમ્ન યુદ્ધ કરવા માટે તૈયાર થયો.ધૃષ્ટદ્યુમ્ને દશ બાણો મારીને અશ્વત્થામાના રથના ઘોડાઓનો નાશ કર્યો એટલે તે એકદમ શલ્યના રથ પર બેસી ગયો.અને ધૃષ્ટદ્યુમ્ન પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યો.તેટલામાં તો તીક્ષ્ણ બાણો છોડતો અભિમન્યુ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પચીસ પણોથી શલ્યને,નવ બાણોથી કૃપાચાર્યને અને અઠાવીશ બાણોથી અશ્વત્થામાને વીંધી નાખ્યા.તે સામે તેમણે પણ અભિમન્યુને વીંધ્યો.

તે વખતે તમારો પૌત્ર લક્ષ્મણ,અભિમન્યુને લડતો જોઈને તેની સામે ધસી આવ્યો અને તે બંનેનું યુદ્ધ ચાલ્યું.બંનેએ એકબીજા સામે બાણો મારી એકબીજાને વીંધ્યા.પછી,લક્ષ્મણે એક બાણ મારીને અભિમન્યુનું ધનુષ્ય કાપી નાખ્યું,ત્યારે તમારા પક્ષના યોદ્ધાઓએ હર્ષનાદ કરી મુક્યો.અભિમન્યુએ બીજું દૃઢ ધનુષ્ય ધારણ કરીને વળતો લક્ષ્મણને વીંધવા માંડ્યો.પોતાના પુત્રને અભિમન્યુથી વીંધાતો જોઈને,દુર્યોધન ત્યાં આવી પહોંચ્યો.તેની પાછળ બીજા રાજાઓ પણ ત્યાં આવી પહોંચ્યા ને અભિમન્યુને ઘેરી વળ્યા.પણ,શૂરવીર અભિમન્યુ જરા પણ વ્યથા પામ્યા વિના તેઓની સામે લડતો રહ્યો.


પુત્ર અભિમન્યુને ચારે બાજુથી ઘેરાયેલો જોઈને અર્જુન,તેની વહારે ધસી આવ્યો.અર્જુનને આવેલો જોઈને ભીષ્મ,દ્રોણ વગેરેને આગળ કરીને તમારા પક્ષના સર્વ રાજાઓ ત્યાં પોતાના રથ,હાથી,ઘોડાઓ અને પાળાઓ લઈને આવી પહોંચ્યા.તેમની સામે અર્જુનનું ભયંકર યુદ્ધ થયું.અર્જુનના બાણોના સમૂહથી આકાશ,દિશાઓ,પૃથ્વી કે સૂર્ય પણ દેખાતા નહોતા.અસંખ્ય યોદ્ધાઓનો નાશ થયો.અર્જુનના ભયથી ઘોડેસ્વારો પોતાના ઘોડા છોડી દઈને,હાથીસ્વારો પોતાના હાથી છોડી દઈને આમતેમ નાસભાગ કરતા હતા.અર્જુને ભયંકર સ્વરૂપ ધારણ કરીને લાશોનો,તૂટેલા શસ્ત્રોનો,કવચનો,રથોનો,ઘોડાઓનો,હાથીઓનો-આદિનો જાણે ઢગ કરી મુક્યો હોય તેમ દેખાતું હતું.તે વખતે તમારા સૈન્યમાં એવો કોઈ યોદ્ધો નહોતો કે જે અર્જુન સામે ઉભો રહી શકે.


અનેક યોદ્ધાઓને પલાયન કરીને અર્જુને અને શ્રીકૃષ્ણે પોતાના શંખ વગાડ્યા.નાસભાગ કરતા તમારા સૈન્યને જોઈને ભીષ્મ,દ્રોણાચાર્યને કહેવા લાગ્યા કે-'હે વીર,કૃષ્ણ સહીત એવો આ અર્જુન,અગ્નિની જેમ સૈન્યોનો સંહાર કરી રહ્યો છે.એનું સ્વરૂપ અત્યારે પ્રલયકાળના યમ ના જેવું દેખાય છે તેથી મને લાગે છે આને કોઈ રીતે જીતી શકાશે નહિ.જુઓ તેના મુખ સામે જોઈને સેના કેવી નાસભાગ કરે છે.જો કે હવે સૂર્ય અસ્ત થવા લાગ્યો છે એટલે આપણી સેનાને પાછો વાળવાનો સમય થઇ ગયો છે,એમ હું માનું છું.વળી,ભયભીત થયેલા અને થાકેલા આ યોદ્ધાઓ હવે કોઈ પણ રીતે લડશે નહિ'

આ પ્રમાણે કહીને ભીષ્મે,સૂર્યાસ્ત થવાથી સૈન્યોને છાવણી તરફ પાછાં વાળ્યાં.(43)

અધ્યાય-55-સમાપ્ત