પછી,કલિંગસેનાના મોખરા પર રહેલા શ્રુતાયુષને જોઈ ભીમ તેની સામે ધસ્યો ત્યારે,કલિંગરાજાએ તેના પર બાણો વડે પ્રહાર કર્યો.ક્રોધાયમાન ભીમ 'ઉભો રહે' કહી તેની સામે ધસ્યો.એ વેળાએ ભીમનો સારથી રથ લઈને આવી પહોંચ્યો ને તેને રથમાં બેસાડ્યો.ત્યારે ભીમસેને,સાત બાણોનો પ્રહાર કરીને કલિંગરાજને હણી નાખ્યો ને બે ક્ષુર નામનાં બાણો મારીને કલિંગરાજના રક્ષણ કરનારા સત્યદેવ અને સત્યને મારી નાખ્યા.વળી,નારાચ નામના ત્રણ તીક્ષ્ણ બાણ છોડીને કેતુમાનને પણ યમપુરીમાં વળાવી દીધો.કલિંગના ક્ષત્રિયોએ ભીમની સામે ધસારો કર્યો ત્યારે તેમના શસ્ત્રોનું વારણ કરીને ભીમે ગદા હાથમાં લીધી ને એકદમ આગળ ધસી જઈને બે હજાર યોદ્ધાઓને ને ઘણા કલિંગસૈન્યને મૃત્યુલોકમાં વિદાય કરી દીધા.આ ઘણું નવાઈ જેવું બન્યું.આખું સૈન્ય ભીમસેનના ભયથી ખળભળી ઉઠ્યું.
તે સમયે,ભીમસેનનું રક્ષણ ને મદદ કરવા,શિખંડી,યુધિષ્ઠિર,ધૃષ્ટદ્યુમ્ન,સાત્યકિ-આદિ તેની પાસે આવી પહોંચ્યા.તેમના આવવાથી ભીમે અતિ ઉત્સાહથી કલિંગોની સામે લડવા માંડ્યું.ને કલિંગોને મારીને તેમના માંસ અને લોહીના કાદવવાળી લોહીની મોટી નદી ચલાવી મૂકી.કૌરવો ને પાંડવો વચ્ચે રહેલી તે દુસ્તર નદીને પાર કરીને ભીમ ભયંકર સંહાર કરતો રહ્યો.ભયંકર સ્વરૂપવાળા ભીમને જોઈને કૌરવોના તમામ યોદ્ધાઓએ બુમાબુમ કરી મૂકી.'આ તો સાક્ષાત કાળ જ ભીમનું સ્વરૂપ ધારણ કરીને કલિંગોની સામે લડે છે' એવી કૌરવોની બૂમ સાંભળીને ભીષ્મ પોતાની સેના લઈને ભીમસેન તરફ આવી પહોંચ્યા.
ભીષ્મના રથને આવતો જોઈને સાત્યકિ,ભીમસેન અને ધૃષ્ટદ્યુમ્ને ભીષ્મને ઘેરી લીધા ને તેમને બાણોથી ઢાંકી દીધા.ભીષ્મે તે બાણોને નિવાર્યા ને હજાર બાણો મૂકીને તે યોદ્ધાઓને આગળ વધતા અટકાવ્યા.જયારે ભીષ્મે,ભીમના ઘોડાઓને મારી નાખ્યા ત્યારે ભીમે,ભીષ્મના રથ સામે શક્તિને ફેંકી.ભીષ્મે તે શક્તિના વચમાંથી જ ત્રણ ટુકડા કરી નાખ્યા.પછી,ભીમ હાથમાં ગદા લઈને રથમાંથી કૂદી પડ્યો.એ વખતે સાત્યકિએ ભીમનું પ્રિય કરવાની ઈચ્છાથી ભીષ્મના સારથિને બાણોથી મારી નાખ્યો.
સારથી જયારે માર્યો ગયો,ત્યારે વાયુની જેમ આમતેમ દોડતા ઘોડાઓ ભીષ્મને રણસંગ્રામમાંથી દૂર લઇ ગયા.
આમ,ભીષ્મ,રણસંગ્રામમાંથી દૂર થયા એટલે ભીમસેન,અગ્નિની જેમ દીપવા લાગ્યો અને તેણે સર્વ કલિંગોને હણી નાખ્યા અને પોતે સેનાની વચ્ચે ઉભો રહ્યો.ત્યારે તેની સામે જવા માટે કોઈ ઉત્સાહ કરી શક્યો નહિ.પછી,ધૃષ્ટદ્યુમ્ન ભીમને રણમાંથી દૂર લઇ ગયો.સાત્યકિએ ભીમને આનંદ પમાડતાં કહ્યું કે-'કલિંગરાજ,રાજપુત્ર કેતુમાન,શક્રદેવ તથા બીજા કલિંગ યોદ્ધાઓ સંગ્રામમાં માર્યા ગયા તે બહુ સારું થયું.શાબાશ છે ભીમસેન,આજે તમે એકલાએ જ પોતાના બાહુબળના પરાક્રમથી હાથી,ઘોડા,રથો વગેરેથી વ્યાપ્ત કલિંગોની મોટી સેનાનો કચ્ચરઘાણ વળી નાખ્યો' આમ કહી સાત્યકિ ભીમને ભેટી પડ્યો.
ત્યાર પછી,ફરી પણ પોતાના રથમાં બેસીને કોપાયમાન થઈને ભીમસેન કૌરવપક્ષના યોદ્ધાઓનો સંહાર કરવા લાગ્યો.
અધ્યાય-54-સમાપ્ત