અધ્યાય-૫૪-કલિંગરાજાનો વધ
॥ धृतराष्ट्र उवाच ॥ तथा प्रातिसमादिष्टः कालिंगोवाहिनी पतिः I कथमदभूतकर्माणं भीमसेनं महाबलं ॥१॥
શ્રુતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,મારા પુત્ર દુયોધને જયારે કલિંગરાજને ભીમસેન સામે મોકલ્યો,ત્યારે તેણે,
હાથમાં યમરાજાની જેમ ગદા લઈને ફરતા ભીમ સામે કેવી રીતે યુદ્ધ કર્યું? તે મને કહે.
સંજયે કહ્યું-સામે,કલિંગોની સેનાને અને તેમની સાથે આવતા નિષાદપતિ કેતુમાનને જોઈને,ભીમ,ચેદીઓને લઈને તેમની સામે ગયો.અને ભયંકર તુમુલ યુદ્ધ શરુ થયું.તે વેળાએ યોદ્ધાઓ પોતાના તથા પારકાઓને જાણી શકતા નહોતા.અન્યોઅન્યનો સંહાર કરતા તે યોદ્ધોએ રણભુમીને લોહીથી ખરડી નાખી હતી.કલિંગોના પ્રમાણમાં થોડા એવા ચેદીઓએ પોતાનું યથાશક્તિ પરાક્રમ બતાવીને ભીમસેનને એકલો છોડીને પાછા હટવા લાગ્યા.ભીમસેન ચારેબાજુથી કલિંગોથી ઘેરાયેલો હતો પણ તે જરા પણ ચલિત થયા વિના કલિંગોની સેનાને તીક્ષ્ણ બાણોથી આચ્છાદિત કરવા લાગ્યો.
કલિંગરાજા અને તેનો પુત્ર શક્રદેવ,ભીમસેન સામે ધસ્યા ત્યારે ભીમે,શક્રદેવ સામે ગદા ફેંકીને તેને મારી નાખ્યો.પોતાના પુત્રને હણાયેલો જોઈને કલિંગરાજાએ હજારો રથની સાથે ભીમને ચારે બાજુથી ઘેરી લીધો.પછી,ભીમે ગદાનો ત્યાગ કરીને,ભયંકર કર્મ બતાવવાની ઈચ્છાથી,પોતાનું ઘોર એવું ખડક અને ઢાલ હાથમાં લીધી.કલિંગરાજાએ,ભીમસેન પર તીક્ષ્ણ ચૌદ તોમર બાણ મૂક્યાં,કે જે તોમરોને અધવચ્ચેથી જ ભીમે તલવારથી કાપી નાખી તે ભાનુમાનની સામે દોડ્યો.ભીમસેનની ગર્જનાઓ સાંભળીને કલિંગોની સેના તેને મનુષ્ય નહિ પણ કોઈ દેવતાઈ પુરુષ માનવા લાગી.
ભાનુમાને ભીમ તરફ બ્રાણોની વૃષ્ટિ કરી ને એક શક્તિ ભીમ સામે ફેંકી,તેના ટુકડા કરીને,ભીમ પોતાના વિશાળ ખડક સાથે તેના હાથી પર ચડી ગયો ને ભાનુમાનને વચમાંથી કાપી નાખ્યો.ને તે જ ખડકથી તેણે હાથીનો પણ સંહાર કર્યો.પછી,હાથી પરથી કૂદી પડીને ભીમ રણભૂમિમાં ઘુમીને અનેક ઘોડાઓ,હાથીઓ અને રથોનો કચ્ચરઘાણ કરતો રહ્યો.શત્રુઓનો મર્દન કરનાર બળવાન ભીમસેન,આમતેમ ભમવાની ભ્રમણકુશળતા,કૂંડાળે ભમવું,બાજુમાં થઈને ઘુસી જવું,ચારે બાજુ કુદવું,આસપાસ ફેલાઈ જવું,એકદમ ધસી આવવું,અકસ્માત પ્રગટ થવું-વગેરે અનેક પ્રકારની યુદ્ધ કુશળતાને ચતુરાઈથી દેખાડી દીધી.