અધ્યાય-૫૩-દ્રોણાચાર્ય અને ધૃષ્ટદ્યુમ્નનું યુદ્ધ
॥ धृतराष्ट्र उवाच ॥ कथं द्रोणो महेष्वासः पान्चाल्यश्वापिपार्षतः I उभौ समीयतुर्यतौ तन्ममाचक्ष्व संजय ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-'હે સંજય,મહાધનુર્ધારી દ્રોણાચાર્ય અને દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્નનો કેવી રીતે સંગ્રામ થયો? રણમાં ભીષ્મ,અર્જુનને જીતી શક્યા નહિ તેમાં,પરાક્રમ કરતાં ભાવિને હું પ્રબળ માનું છું.ભીષ્મ જો કોપ કરીને લડે તો ચર-અચર લોકનો નાશ કરી શકે,ત્યારે તે પોતાના બળથી પાંડવોને યુદ્ધમાં કેમ જીતી શક્યા નહિ? તે મને કહે'
સંજયે કહ્યું-હે રાજન,ઇન્દ્ર સહીત દેવો આવે તો પણ પાંડવોને જીતવા અશક્ય છે.દ્રોણાચાર્યે તીક્ષ્ણ બાણો મારીને ધૃષ્ટદ્યુમ્ન અને તેના સારથિને વીંધી નાખ્યો.ત્યારે ધૃષ્ટદ્યુમ્ને સામે નેવું બાણો મારીને દ્રોણાચાર્યને વીંધ્યા.એટલે ધૃષ્ટદ્યુમ્નનો વધ કરવાની ઈચ્છાથી દ્રોણે,ઇન્દ્રના વજ્ર સમાન બીજું બાણ હાથમાં લઈને સાંધ્યું ત્યારે સૈન્યમાં હાહાકાર થઇ રહ્યો.પણ પર્વતની જેમ સ્થિર ઉભેલા ધૃષ્ટદ્યુમ્ને તે બાણને વચમાંથી જ કાપી નાખ્યું અને તેણે દ્રોણનો વધ કરવાની ઈચ્છાથી એક મહાવેગવાળી શક્તિને ફેંકી.તો દ્રોણે તેને હસતાં હસતાં ત્રણ કકડા કરી નાખી.ક્રોધમાં આવેલા ધૃષ્ટદ્યુમ્ને દ્રોણ પર બાણોનો વરસાદ કર્યો,એટલે દ્રોણાચાર્યે તે બાણોને અટકાવીને તેના ધનુષ્યને વચમાંથી જ કાપી નાખ્યું.
તે પછી,ધૃષ્ટદ્યુમ્ને બળવાન એવી ગદાને,દ્રોણ પ્રતિ છોડી ત્યારે દ્રોણે તે ગદાને ઘણી ચતુરાઈથી ચૂકાવીને સામે બાણોથી તેના કવચને તોડી નાખ્યું.ધૃષ્ટદ્યુમ્ને બીજું ધનુષ્ય હાથમાં લઈને પાંચ બાણોથી દ્રોણને વીંધ્યા.ક્રોધાયમાન થયેલા દ્રોણે બાણોની વૃષ્ટિ કરીને ધૃષ્ટદ્યુમ્નનાં ચાર ઘોડાઓને,તેના સારથિને હણી નાખીને,તેને પણ રથ પરથી પાડી નાખ્યો ને તેના ધનુષ્યને તોડી નાખ્યું.
ત્યારે હાથમાં ગદા લઈને તે રથમાંથી નીચે ઉતરવા લાગ્યો તેટલામાં તો દ્રોણે બાણો મૂકીને તેની ગદાને હાથમાંથી પાડી નાખી.એટલે ધૃષ્ટદ્યુમ્ને હાથમાં મોટી ઢાલ ને મોટું દિવ્ય ખડગ લઈને એકદમ દ્રોણ પ્રતિ દોડ્યો.તે વખતે દ્રોણે બાણોની વૃષ્ટિ કરીને તેને રોકી દીધો,ને તે જરા પણ આગળ વધી શક્યો નહિ.ધૃષ્ટદ્યુમ્ને બાણોને પોતાની ઢાલથી રોકી રાખ્યા.
પછી,ભીમ,ધૃષ્ટદ્યુમ્નની સહાયતા કરવા આવી પહોંચ્યો ને સાત બાણો મારીને તેણે દ્રોણાચાર્યને વીંધ્યા અને ધૃષ્ટદ્યુમ્નને પોતાના રથ પર બેસાડી દીધો.એ તરફથી દ્રોણનું રક્ષણ કરવા દુર્યોધનની આજ્ઞાથી,કલિંગોની મોટી સેના ભીમ સામે ધસી આવી.
દ્રોણાચાર્યે,પણ ધૃષ્ટદ્યુમ્નનો ત્યાગ કરીને વિરાટરાજા અને દ્રુપદરાજાને વાર્યા.ધૃષ્ટદ્યુમ્ન પણ જ્યાં ધર્મરાજા હતા ત્યાં ગયો. એ પછી તો સાંભળતાં પણ રોમાંચ થાય તેવું ભયંકર તુમુલ યુદ્ધ ભીમ અને કલિંગો વચ્ચે શરુ થયું (41)
અધ્યાય-53-સમાપ્ત