અધ્યાય-૫૨-ભીષ્મ અને અર્જુનનું યુદ્ધ
॥ धृतराष्ट्र उवाच ॥ एवं व्युढेष्वनीकेषु मामकेष्वितरेषुच I कथं प्रहरतां श्रेष्ठाः संप्रहारं प्रचक्रिरे ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-એ પ્રમાણે મારાં તથા શત્રુઓનાં સૈન્યો ગોઠવાઈ ગયા પછી યોદ્ધાઓ અન્યોન્યને કેવી રીતે પ્રહાર કરવા લાગ્યા?
સંજયે કહ્યું-આવી રીતે વ્યૂહરચનાવાળું સૈન્ય જોઈને દુર્યોધન બધા સૈનિકોને આજ્ઞા કરવા લાગ્યો કે-'હે સૈનિકો,મનમાં દંશ રાખીને યુદ્ધનો પ્રારંભ કરો' તેની આજ્ઞાથી સર્વ યોદ્ધાઓ,પોતાના મનને ક્રૂર કરીને પાંડવોની સામે ધસ્યા.અને રોમાંચજનક તુમુલ યુદ્ધ શરુ થયું.હે રાજન,તમારા અને પાંડવોના રથો અને હાથીઓ પણ સેળભેળ થઇ ગયા.રથીઓએ છોડેલાં તીક્ષ્ણ બાણો એકબીજાને ઘાયલ કરવા ને મારવા લાગ્યા,અનેક લાશો પડવા લાગી.
ભીષ્મે,દંશપૂર્વક ધનુષ્યને ખેંચીને એકદમ ધસારો કર્યો,ને અભિમન્યુ,ભીમ,સાત્યકિ,કૈકેય,વિરાટ,ધૃષ્ટદ્યુમ્ન વગેરે યોદ્ધાઓ પર બાણોનો વરસાદ વરસાવી મુક્યો.પાંડવોની વ્યૂહરચના તૂટી અને પરસ્પર સૈન્યો મિશ્રિત થઇ ગયાં.પાંડવોના રથના ઘોડાઓ,રથો,ઘોડેસ્વારો આદિ નાશ પામતા તેઓ નાસભાગ કરી રહ્યા ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-હે કૃષ્ણ,જ્યાં ભીષ્મ છે ત્યાં આપણો રથ લઇ ચાલો,કેમ કે ક્રોધાતુર ભીષ્મ અવશ્ય આપણી સેનાનો નાશ કરી નાખશે.દ્રોણ,કૃપ,શલ્ય,વિકર્ણ અને દુર્યોધન આદિથી રક્ષાયેલા તે ભીષ્મથી આપણા સૈન્યના રક્ષણ માટે હું ભીષ્મનો વધ અવશ્ય કરીશ (15)
ત્યારે,શ્રીકૃષ્ણે રથને ભીષ્મના રથ તરફ પહોંચાડ્યો.અર્જુનની સામે ભીષ્મ,દ્રોણ કે કર્ણ વિના બીજો કયો રથી ઉભો રહી શકે?
એટલે સર્વથી રક્ષણ કરાતા ભીષ્મ તેની સામે ધસી આવ્યા.ભીષ્મે સીતોતેર,દ્રોણે પચીસ,કૃપે પચાસ,દુર્યોધને ચોસઠ,શલ્યે તથા સીંધુરાજે નવ,શકુનિએ પાંચ અને વિકર્ણે દશ-બાણો મારીને અર્જુનને વિંધી નાખ્યો.પણ અર્જુન તેથી ક્ષોભ પામ્યો નહિ અને સામે,ભીષ્મને પચીસ,દ્રોણને આઠ,કૃપને નવ,વિકર્ણને તથા શલ્યને ત્રણ,દુર્યોધનને પાંચ-એ પ્રમાણે બાણો મારીને વિંધી નાખ્યા.
એ વેળાએ,સાત્યકિ,વિરાટ,ધૃષ્ટદ્યુમ્ન,દ્રૌપદીના પુત્રો અને અભિમન્યુ,એ સર્વ અર્જુનને વીંટાઈ વળ્યા.સોમકો સહીત પંચાલે દ્રોણની સામે ધસારો કર્યો.હે રાજન,ભીષ્મે તો અર્જુનને જ એંસી બાણો મૂકી વીંધવા માંડ્યો.એ વખતે તમારા પુત્રોએ હર્ષનાદ કરી મુક્યો,તે સાંભળીને અર્જુન પણ જાણે આનંદમાં આવી ગયૉ હોય તેમ સર્વ મહારથીઓની મધ્યમાં દાખલ થયો અને ભીષ્મની વચ્ચે આવતા મહારથીઓને તાકીતાકીને મારવા માંડ્યા.પોતાના સૈન્યને પીડા કરતા અર્જુનને જોઈને દુર્યોધને ભીષ્મને કહ્યું કે-'હે તાત,તમે અને દ્રોણ જીવતા છતાં,આ અર્જુન આપણા સૈન્યનો મૂળસહીત ઉચ્છેદ કરે છે તે શું કહેવાય? તમારા લીધે જ કર્ણે શસ્ત્રોનો ત્યાગ કર્યો છે,હે પિતામહ એવું કરો કે અર્જુનનો નાશ થાય' હે રાજન,દુર્યોધને આમ કહ્યું ત્યારે ભીષ્મે 'આ ક્ષત્રિયધર્મને ધિક્કાર હો' એમ કહીને તેઓ અર્જુનના રથ તરફ વળ્યા.
તે પછી,ભીષ્મ અને અર્જુન વચ્ચે ઘોર યુદ્ધ થયું.ભીષ્મે અર્જુનને નવ બાણો માર્યા તો સામે અર્જુને દશ બાણો મારીને ભીષ્મને વિંધી નાખ્યા.ને પછી એક હજાર બાણોને મૂકીને તેણે ભીષ્મની સર્વ દિશાઓ ઢાંકી દીધી.ભીષ્મએ સામે તેટલાં જ બાણો મૂકીને તે બાણોને તોડી નાખ્યાં.મહાબળવાન એ બંનેએ એકબીજાના ઘોડાઓને,ધ્વજાઓને,રથને વિંધી નાખતા ક્રીડા કરતા હોય તેમ જણાતું હતું.ત્યારે ભીષ્મે કોપાયમાન થઈને ત્રણ બાણો મારીને શ્રીકૃષ્ણને છાતીમાં વિંધી નાખ્યા.તે જોઈ અર્જુન પણ ઘણો જ કોપાયમાન થઈને ભીષ્મના સારથિને વિંધી નાખ્યો.પણ એ બંનેમાંથી એકને પણ સામાને હણવાનો લાગ મળતો નહોતો.
યુદ્ધમાં અજિત એવા તે બંને,સમાન જ જણાતા હતા.માત્ર ધ્વજની નિશાની પરથી જ કૌરવો ભીષ્મને અને પાંડવો અર્જુનને જાણી શકાતા હતા.બંને પુરુષોના ઉત્તમ પરાક્રમને જોઈને દરેક જણ વિસ્મય પામી ગયા.બંનેમાં જરા પણ ખામી જોવામાં આવતી નહોતી.બાણોના સમૂહથી ઢંકાયેલા તેઓ ક્ષણમાં અદશ્ય તો ક્ષણમાં દ્રષ્ટિગોચર થતા હતા.ત્યાં મળેલા,દેવો,ગંધર્વો,
ચારણો અને ઋષિઓ માંહેમાંહે વાતો કરવું લાગ્યા કે-'યુદ્ધમાં ક્રોધ પામેલા આ બંનેને,દેવો-કે કોઈ પણ જીતી શકે તેમ નથી.આ યુદ્ધ ઘણું જ આશ્ચર્યજનક અને અદભુત છે,આવું યુદ્ધ કદી પણ થશે નહિ. બંનેમાંથી કોઈ પણ એકબીજાને જીતી શકવાને શક્તિમાન નથી,આ લોકનો અંત આવતાં સુધી પણ આ યુદ્ધનો પર આવે તેમ લાગતું નથી'
આ બંને આવું પરાક્રમ કરતા હતા,ત્યારે સામસામા પક્ષના યોદ્ધાઓ પરસ્પર કાપાકાપી કરી રહ્યા હતા.
તે વેળાએ દ્રોણાચાર્ય અને ધૃષ્ટદ્યુમ્નનો પરસ્પર મહાન સમાગમ થયો (72)
અધ્યાય-52-સમાપ્ત