અધ્યાય-૫૧-કૌરવોની વ્યૂહરચના
॥ संजय उवाच ॥ क्रौञ्चं द्रष्ट्वा ततो व्युहमभेद्यं तनयस्तव I रक्ष्यमाणं महाघोरं पार्थेनामिततेजसा ॥१॥
સંજયે કહ્યું-પૂર્વોક્ત,અભેદ્ય એવા ઘોર ક્રૌંન્ચવ્યુહને જોઈને,ને તેના રક્ષક તરીકે ઉભેલા અર્જુનને જોઈને,દુર્યોધન,દ્રોણાચાર્ય પાસે જઈને,કૃપ,શલ્ય-આદિ ને સર્વ ભાઈઓ તથા યોદ્ધાઓને હર્ષ પમાડતો કહેવા લાગ્યો કે-હે વીર યોદ્ધાઓ,તમારામાંનો પ્રત્યેક,પાંડવોનો નાશ કરવા માટે સમર્થ છે તો તમે સર્વ એકત્ર થઈને તો શું ન કરી શકો? તો પણ,ભીષ્મથી રક્ષિત એવું આપણું સૈન્ય અપૂર્ણ દેખાય છે અને ભીમસેનથી રક્ષિત એવું તેઓનું સૈન્ય પૂર્ણ દેખાય છે,માટે સર્વ પોતપોતાના સૈન્યને આગળ કરીને ભીષ્મનું રક્ષણ કરો.કેમ કે તે એક સર્વને માથે ભારે છે.(સર્વનો નાશ કરવા તે અર્જુનની જેમ જ સમર્થ છે)
હે રાજન,આમ આજ્ઞા આપ્યા પછી,ભીષ્મ,દ્રોણ અને તમારા પુત્રોએ,પાંડવોની સેનાને હટાવી શકે તેવો મહાવ્યૂહ રચ્યો.
મોટા સૈન્યથી વીંટાયેલા ભીષ્મ સૈન્યના અગ્રભાગમાં ઉભા.તેમની પાછળ,દશાર્ણ,માગધ,વિદર્ભ,મેકલ-આદિ સૈન્ય સહીત દ્રોણાચાર્ય ઉભા રહ્યા.ગાંધારો,સિન્ધુઓ,સૌવીરો,શિબિઓ,વસાતિઓ-આદિ અને પોતાના સૈન્યની સાથે શકુનિ,દ્રોણનું રક્ષણ કરતા ઉભા રહ્યા.તેના પછી દુર્યોધન,પોતાના ભાઈઓ અને વિકર્ણો,કોસલો,શકો,માલવો-આદિના સૈન્યો સહીત શકુનિની સેનાનું રક્ષણ કરતો ઉભો રહ્યો.ભૂરિશ્રવા,શલ્ય,શલ,ભગદત્ત,અવંતીકુમાર-આદિ વ્યુહની ડાબી બાજુનું રક્ષણ કરવા ઉભા રહ્યા.
સૌમદત્તી,સુશર્મા,કામ્બોજ,સુદક્ષિણ,શ્રુતાયુ-આદિ વ્યુની જમણી બાજુએ ઉભા રહ્યા.અશ્વસ્થામા,કૃપાચાર્ય,કૃતવર્મા વગેરે મોટી સેનાઓ સાથે વ્યુહના પૃષ્ઠ ભાગમાં ઉભા રહ્યા અને કેતુમાન,વસુદાન અને કાશીરાજનો પુત્ર તેમની રક્ષણ કરતા ઉભા.
હે ભારત,આ પ્રમાણે ગોઠવાયેલા સર્વ ઘણા આનંદમાં આવીને ઊંચેથી સિંહનાદો કરવા લાગ્યા.તેમને જોઈને ભીષ્મે,મોટી ગર્જના કરીને પોતાનો શંખ વગાડ્યો.પછી,આખા સૈન્યમાં શંખો,ભેરીઓઆદિનો તુમુલ શબ્દ થઇ રહ્યો.સામે શ્રીકૃષ્ણે અને અર્જુને પોતપોતાના પાંચજન્ય અને દેવદત્ત નામના શંખનો નાદ કર્યો.ભીમે પૌણ્ડ્ર,યુધિષ્ઠિરે અનંતવિજય અને નકુલ-સહદેવે પોતાના સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખો વગાડ્યા.કાશીરાજા,શૈલ્ય,શિખંડી,ધૃષ્ટદ્યુમ્ન,વિરાટરાજા,સાત્યકિ,પંચાલો,અને દ્રૌપદીના પુત્રોએ પણ પતપોતાના શંખો વગાડ્યા ને સિંહનાદો કર્યા.એ પ્રમાણે તે યોદ્ધાઓએ કરેલા રણઘોષથી પૃથ્વી ને આકાશ ને ગજવ્યા.આમ કૌરવો ને પાંડવો,પુનઃ યુદ્ધ કરવા માટે સામસામા આવીને ઉભા રહ્યા.(30)
અધ્યાય-51-સમાપ્ત