Sep 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-924

 

અધ્યાય-૪૯-શંખયુદ્ધ અને પ્રથમ દિનની સમાપ્તિ 


॥ धृतराष्ट्र उवाच ॥ श्वेते सेनापतौ तात संग्रामेनिहते परै: I किंकुर्वन्महेष्वासाः पंचालाः पांडवैः सहा ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે તાત,શ્વેતકુમાર સેનાપતિને શત્રુઓએ જયારે યુદ્ધમાં મારી નાખ્યો,ત્યારે મોટા ધનુર્ધારી એવા પાંચાલોએ અને પાંડવોએ શું કર્યું?તે શ્વેતકુમારને માટે પ્રયત્ન કરતા તથા યુદ્ધમાં નાસી જતા પાંડવોના યોદ્ધાઓનો પરાજય અને આપણો જય બતાવનારાં વાક્યોને સાંભળીને મારુ મન પ્રસન્ન થાય છે તથા આપણા પક્ષના અત્યાચાર-અપરાધથી મને શરમ ઉપજતી નથી.

પણ,ભીષ્મ જેવા ધર્મવ્રતે,શ્વેતકુમાર જે રથરહિત હતો તેનો યુદ્ધનીતિથી વિરુદ્ધ વર્તી કેમ નાશ કર્યો? 

મારો પુત્ર અધમ,ક્ષુદ્ર અને સદબુદ્ધિથી રહિત છે-એમ મારુ પણ માનવું છે.કારણકે આ યુદ્ધ,ભીષ્મ,દ્રોણાચાર્ય,કૃપ,

ગાંધારી,શ્રીકૃષ્ણ અને પાંડવોને પણ રુચતું નહોતું.મેં,ગાંધારીએ,વિદુરે,પરશુરામે અને વ્યાસે તેને ઘણો જ વાર્યો છતાં પણ તે અમારું નહિ માનીને તે હંમેશ યુદ્ધ કરવાની જ તૈયારી કરતો રહ્યો.તેણે કર્ણ,શકુનિ અને દુઃશાસનની શીખવણીથી પાંડવો પ્રત્યે દુષ્ટ વ્યવહાર કરેલો હતો અને હવે,આ શ્વેતકુમારનો નાશ થતાં,તેના પર ઘોર સંકટ આવી પડશે,એમ હું માનું છે,કારણકે કૃષ્ણ સહીત કોપાયમાન થયેલો અર્જુન હવે શું કરી નાખશે? મને અર્જુનનો ઘણો ભય લાગે છે,કારણકે તે યુદ્ધમાં ઘણો શૂરવીર અને ઝડપવાળો છે.બળમાં ઇન્દ્ર સમાન,તે ઇન્દ્રપુત્રને,ક્રોધવાળો જોઈને તારા મનમાં શું થાય છે તે મને કહે.

વળી,ધૃષ્ટદ્યુમ્ને પણ શું કર્યું?તે મને કહે.હું તો એમ માનું છું કે,અમારા પૂર્વ અપરાધોને લીધે તથા આ સેનાપતિનો વધ થવાથી,પાંડવોના મન ક્રોધથી સળગી ઉઠેલાં હશે.દુર્યોધનને લીધે,તેઓના ક્રોધનો વિચાર કરતાં,મને રાત્રિ કે દિવસે શાંતિ થતી જ નથી માટે,પછી આ યુદ્ધમાં શું થયું તે મને કહે.(21)


સંજયે કહ્યું-હે રાજન,વાસ્તવિક રીતે આમાં તમારી જ મોટી અનીતિ છે,જેથી એ દોષને દુર્યોધન પર ઢાળી દેવો યોગ્ય નથી.તમારી બુદ્ધિ,'પાણી વહી ગયા પછી પાળ બાંધવી' તેવી છે.પણ,હવે કોઈ ઉપાય નથી,માટે સાંભળો.


વિરાટરાજનો પુત્ર,સેનાપતિ શ્વેતકુમાર માર્યો ગયો,તે વખતે,કૃતવર્માની સાથે રથમાં બેઠેલા શલ્યને જોઈને,શંખ,ક્રોધથી બળવા લાગ્યો અને તેને મારવાની ઈચ્છાથી તેણે,મોટા રથોના સમુહોથી રક્ષિત થઈને,તેની સામે ધસારો કર્યો.શલ્યની રક્ષા કરનારા, કૌરવોમાંના સાત રથીઓએ તે શંખને ચારે બાજુથી ઘેરી લીધો.ને તેના પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.તેથી ક્રોધાયમાન થયેલો તે શંખ સેનાપતિએ તીવ્ર બાણો મૂકીને તેમનાં ધનુષ્યોને છેદી નાંખ્યા ને ગર્જના કરવા લાગ્યો.


ત્યારે,ભીષ્મે,સામે મોટી ગર્જના કરીને તાડવૃક્ષના જેવડું મોટું ધનુષ્ય લઈને,તે શંખની સામે ધસારો કર્યો.ભીષ્મને આવેલા જોઈને પાંડવોની સેના ત્રાસ પામવા લાગી.શંખને ભીષ્મથી બચાવવા,અર્જુન શંખની આગળ જઈને ભીષ્મ સામે ઉભો રહ્યો,ને બંને વચ્ચે તુમુલ યુદ્ધ ચાલ્યું.'તેજની સામે તેજ મળ્યું' આમ બોલીને સર્વ આશ્ચર્ય પામ્યા.ત્યારે શલ્યે હાથમાં ગદા લઈને રથમાંથી ઉતરીને શંખના ચાર ઘોડાઓને મારી નાખ્યા.એટલે તે શંખ હાથમાં તલવાર લઇને દોડીને અર્જુનના રથમાં બેસી ગયો.

ભીષ્મના અનેક બાણો,અનેક પાંચાલો,કેકયો અને પ્રભદ્રકોનો નાશ કરતા હતા.અર્જુનને બાણોથી ઘેરી નાખીને,પછી,તેને ત્યજીને ભીષ્મ,દ્રુપદ રાજા તરફ ધસી ગયા.પોતાના પ્રિય સંબંધીની પાસે આવીને,તેમણે તેના સૈન્યનો નાશ કરી મુક્યો.


ભીષ્મના ભયથી પીડાયેલા પાંડવોના યોદ્ધાઓ,ભીષ્મ સામે જોવાને પણ શક્તિમાન થયા નહિ ને ચારે તરફ જોવા લાગ્યા.

ભીષ્મે,કેટલાક યોદ્ધાઓને હણી નાખ્યા,કેટલાકને નસાડી મુક્યા,કેટલાકને ઘાયલ કર્યા અને કેટલાકને ઉત્સાહ વિનાના કરી મુક્યા  ત્યારે પાંડવોના સૈન્યમાં મોટો હાહાકાર વર્તાઈ ગયો.ભીષ્મના આક્રમણથી સૈન્યમાં ભંગાણ પડ્યું અને ચારે બાજુ નાસાનાસ થઇ રહી.તે વખતે સૂર્યનો અસ્ત થવા લાગ્યો હતો,એટલે પાંડવોએ પોતાની સેનાને છાવણી તરફ પાછી વાળી દીધી હતી.

અધ્યાય-49-સમાપ્ત