Sep 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-923

 

અધ્યાય-૪૮-શ્વેતકુમારનો વધ 


॥ धृतराष्ट्र उवाच ॥ एवं श्वेते महेष्वासे प्राप्ते शल्य रथं प्रति I कुरवः पांडवेयाश्व किमकुर्वत संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,એ પ્રમાણે જયારે મોટા ધનુષ્યને ધારણ કરનાર એવો શ્વેતકુમાર 

શલ્યના રથની સામે આવી પહોંચ્યો,ત્યારે કૌરવો,પાંડવો અને ભીષ્મે શું કર્યું?તે મને કહે.

સંજયે કહ્યું-ત્યાર પછી,હજારો ક્ષત્રિયો અને હજારો મહારથી યોદ્ધાઓ શૂરવીર એવા સેનાપતિ શ્વેતકુમારને આગળ કરીને દુર્યોધનને પોતાનું બળ દેખાડવા લાગ્યા.વળી,તે શ્વેતકુમારનું રક્ષણ કરવા શિખંડીને આગળ કરીને,પાંડવોની સેનાનો નાશ કરતા ભીષ્મની સામે યોદ્ધાઓએ ધસારો કર્યો.તુમુલ યુદ્ધ ચાલ્યું.ભીષ્મે ઘણું અદભુત કર્મ કર્યું ને રથોને બાણો વડે ઢાંકી દીધા.અને સૂર્યને પણ બાણો વડે ઢાંકી દીધો.તેમણે સેંકડો બાણો છોડીને ક્ષત્રિયોનો સંહાર કરવા માંડ્યો.

રથ વિનાના થયેલા સર્વ યોદ્ધાઓ આમતેમ ચારે બાજુ દોડતા દેખાતા હતા.કોઈનો હાથી માર્યો ગયો હતો,તો કોઈનું મસ્તક કપાઈ ગયું હતું,કોઈનો ઘોડો માર્યો ગયો હતો તો કોઈના અસ્ત્ર ખૂટી ગયા હતા.સર્વાંશે કોઈ અક્ષત રહ્યો હોય તેવો યોદ્ધો ત્યાં હતો જ નહિ.આ બાજુ શ્વેતકુમારે પણ ભીષ્મની જેમ જ સેંકડો રથો,હાથીઓ ને યોદ્ધાઓને હણી નાખ્યા.તેના ભયથી લોકોએ ભાગંભાગ કરી મૂકી.અને દૂર જઈને ભીષ્મનો સંગ્રામ જોવા લાગ્યા.કે જે કૌરવોની સેના પર તૂટી પડેલા શ્વેતકુમારની સામે ત્વરાથી ગયા.અને તે બંને ખીજાયેલા વાઘની જેમ,પરસ્પર પ્રહાર કરવા લાગ્યા.


તે વખતે જો,શ્વેતકુમાર પાંડવોની સેનાનું રક્ષણ કરવા ન હોત,તો અવશ્ય એક જ દિવસમાં પાંડવોની સર્વ સેનાનો ભીષ્મ નાશ કરી શકત.શ્વેતકુમારનું બળ જોઈને દુર્યોધન,દુર્મુખ,કૃતવર્મા અને શલ્ય,ભીષ્મની પાસે આવીને તેમનું રક્ષણ કરતા,પાંડવોની સેનાનો નાશ કરવા લાગ્યા.ત્યારે શ્વેતકુમારે આ જોઈને ભીષ્મનો ત્યાગ કરીને દુર્યોધનની સામે ધસારો કરીને તે સર્વનો સંહાર કરવા લાગ્યો.કે જેથી દુર્યોધન આદિ રાજાઓની સેના આમતેમ નાસવા લાગી.એમ,તે સેનાને નસાડીને,શ્વેતકુમાર ફરીથી ભીષ્મ સામે લડવા જઇ પહોંચ્યો.બંને વચ્ચે ભયંકર યુદ્ધ સર્જાયું.


ભીષ્મના બાણો સામે અડગ ઉભેલો શ્વેતકુમાર જરાયે કંપ્યા વિના વળતો પ્રહાર કરતો હતો.તેણે ભીષ્મનો તાલધ્વજ જમીન પર પાડી નાખ્યો,ત્યારે સર્વેએ એમ જ માન્યું કે ભીષ્મ માર્યા ગયા.અને ખુશ થઈને શંખો વગાડવા લાગ્યા.ત્યારે દુર્યોધને કોપાયમાન થઈને સર્વ યોદ્ધાઓને ભીષ્મની આસપાસ જઈને તેમનું રક્ષણ કરવા કહ્યું.એટલે સર્વ શલ્ય-આદિ રાજાઓ ભીષ્મની આજુબાજુ થઇ ગયા અને શ્વેતકુમાર પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.ત્યારે શ્વેતકુમાર પોતાની ચતુરાઈ બતાવીને સર્વના બાણોને રોકતો હતો.અને તેણે ભીષ્મનું ધનુષ્ય તોડી નાખ્યું.એટલે ભીષ્મે નવું ધનુષ્ય લઈને તીક્ષ્ણ બાણો વડે શ્વેતકુમારને વીંધી નાખ્યો.અતિ ક્રોધમાં આવેલા શ્વેતકુમારે સામે લોઢાનાં બાણો છોડીને ભીષ્મને વીંધી નાખ્યા.


ભીષ્મને વીંધાયેલા જોઈને દુર્યોધન ઘણો જ ગભરાઈ ગયો ને કૌરવોના સૈન્યમાં ત્રાસ વર્તાઈ રહ્યો.ત્યારે પોતાના ધ્વજનો નાશ થયેલો જોઈને અને સેનાને પછી હટતી જોઈને,અત્યંત કોપાયમાન થયેલા ભીષ્મે,દ્રઢ અને મોટું ધનુષ્ય હાથમાં લઈને,તે શ્વેતકુમારના ઘોડાઓને અને સારથિને મારી નાખ્યા.ત્યારે શ્વેતકુમાર રથથી નીચે કૂદી પડ્યો અને ભીષ્મનું અનિષ્ટ કરવાની ઈચ્છાથી સર્પસમાન ઝેરી શક્તિને છોડી.પણ ભીષ્મે પોતાના બાણોથી તેના ટુકડા કરી નાખ્યા.પછી,શ્વેતકુમારે ભીષ્મના રથ ગદાનો પ્રહાર કરીને રથ,ઘોડાઓ ને સારથિનો સંહાર કરી નાખ્યો.ભીષ્મની સહાય માટે શલ્ય-આદિ રાજાઓ દોડી આવ્યા અને તેમને બીજા રથ પર બેસાડ્યા.


આ બાજુ શ્વેતકુમારને પણ રથ વિનાનો થયેલો જોઈને તેનું રક્ષણ કરવાની ઈચ્છાથી,ભીમ,સાત્યકિઆદિ સર્વ યોદ્ધાઓ એકદમ તેની પાસે આવવા લાગ્યા.તે વખતે તેમને આવતા જોઈને ભીષ્મે તેમને આગળ વધતા અટકાવ્યા.પણ,શ્વેતકુમારે જયારે તલવારથી તેમનું ધનુષ્ય છેડી નાખ્યું,એટલે ભીષ્મએ ઇંદ્રધનુષ્ય સમાન બીજું ધનુષ્ય હાથમાં લીધું અને પીંછાંવાળા બાણ પર બ્રહ્માસ્ત્ર મંત્રનો પ્રયોગ કર્યો.કે જે બાણે શ્વેતકુમારના કવચને અને હૃદયને ભેદી નાખ્યા,ને બળતા વજ્રની જેમ તે બાણ જમીનમાં પેસી ગયું.એ પ્રમાણે એ નરવ્યાઘ્ર શ્વેતકુમારને ભીષ્મે યુદ્ધમાં મારી નાખ્યો ત્યારે પાંડવોમાં અતિ શોક વ્યાપી ગયો.

તો દુઃશાસન આદિ ઘોર વાજિંત્રોના શબ્દો સાથે નાચવા લાગ્યો.ત્યારે પછી,બંને સૈન્યો ધીમે ધીમે પાછાં વળ્યાં,બંને સૈન્યમાં કોલાહલ મચી રહ્યો હતો.પાંડવો ઘણા દિલગીર થઈને પાછા વળતા હતા અને આ ભયંકર યુદ્ધમાં થયેલા શ્વેતકુમારના અદ્વિતીય યુદ્ધનો વિચાર કરતા હતા. (121)

અધ્યાય--48-સમાપ્ત