Sep 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-922

 

અધ્યાય-૪૭-ભીષ્મ અને શ્વેતકુમારનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ गतपुर्वाह्न तस्मिन्न निपारुणे I वर्तमाने तथा रौद्रे महावीर वरक्षये ॥१॥ 

સંજયે કહ્યું-તે મહાભયંકર દિવસનો લગભગ પ્રથમ ભાગ વીતી ગયો,ત્યાં સુધી તો પૂર્વોક્ત રીતે,ભયાનક એવો મહાન વીરોનો નાશ કરનાર ઘોર રણસંગ્રામ ચાલુ જ હતો.ત્યારે,તમારા પુત્ર દુર્યોધનની આજ્ઞાથી,દુર્મુખ,કૃતવર્મા,કૃપાચાર્ય,શલ્ય અને વિવિંશતિ નામના પાંચ અતિરથીઓ ભીષ્મની પાસે જઈને તેમનું રક્ષણ કરવા લાગ્યા.ભીષ્મના બાણોથી વીંધાયેલાઓની ભયકંર ચીસો,રણસંગ્રામમાં સંભળાતી હતી.ત્યારે ક્રોધાયમાન થયેલો અભિમન્યુ,તેમની સામે ધસી આવ્યો.અને તેણે ભીષ્મના ધ્વજને તોડીને,તેમને નવ બાણો વડે ઢાંકી દીધા,અને તેમની પાછળ તેમનું રક્ષણ કરનાર પાંચ અતિરથીઓ સાથે પણ લડવા લાગ્યો.

જેમ,નૃત્ય કરતો હોય તેમ ઘણી ચતુરાઈથી લડતા અભિમન્યુની કુશળતા જોઈને,સર્વ તેને સાક્ષાત અર્જુન જ માનવા લાગ્યા.

ભીષ્મ અને પાંચ અતિરથીઓ સામે અભિમન્યુનું ભયંકર યુદ્ધ થયું.પણ તેઓ અભિમન્યુને જરા પણ પાછો હટાવી શક્યા નહિ.

જયારે અભિમન્યુએ ભીષ્મનો તાલકેતુ ધ્વજ,કાપીને જમીન પર પાડી નાખ્યો,તે જોઈને ભીષ્મે મોટી ગર્જના કરીને તેને શાબાશી આપી.ને પછી,તેમણે હજારો બાણો મૂકીને અભિમન્યુને ઢાંકી દીધો.ત્યારે પોતાના પુત્રસહિત વિરાટરાજા,ધૃષ્ટદ્યુમ્ન,પાર્ષત,ભીમ,

કેકય રાજાના પુત્રો અને સાત્યકિ-એ દશ જણા તેની મદદે ધસી આવ્યા.


ત્યારે ભીષ્મે તે સર્વની સામે બાણોની વર્ષા કરીને તેમને વીંધ્યા.ને ભીમના સિંહધ્વજને કાપીને જમીન પર પાડી નાખ્યો.

બીજી તરફ વિરાટરાજાના પુત્ર ઉત્તરે પણ હાથી પર બેસીને ધસી આવી મદ્રરાજાની સામે ધસારો કર્યો.તે હાથીએ શલ્યના રથની ધૂંસરી પર પગ મૂકીને તેના ચાર ઘોડાઓને મારી નાખ્યા.ત્યારે ક્રોધાયમાન થયેલા શલ્ય રાજાએ સર્પ સમાન ઝેરી લોહશક્તિને છોડી,કે જે વાગવાથી ઉત્તરનું કવચ તૂટી ગયું અને તે મૃત્યુવશ થઈને હાથી પરથી નીચે પડી ગયો.ને પછી,તે શલ્ય તલવાર લઈને હાથી સામે ધસ્યો અને તેની મોટી સૂંઢ કાપી નાખી.કે જેથી હાથી પણ જમીન પર પડ્યો.પછી રથવિહીન થયેલો તે શલ્ય,કૃતવર્માનાં રથ પર ચડી ગયો.


પોતાના ભાઈ ઉત્તરને હણાયેલો જોઈને વિરાટરાજાના બીજા પુત્ર શ્વેતકુમાર,અત્યંત ક્રોધથી શલ્ય પર ધસી ગયો.તેની પાછળ ઘણા યોદ્ધાઓ રથ લઈને શલ્ય તરફ દોડ્યા.શલ્યને મૃત્યુની દાઢમાં આવેલો જોઈને,બૃહદબલ,જયત્સેન,શલ્યનો પુત્ર રુક્મરથ,વિંદ-અને અનુવિંદ,સુદક્ષિણ અને જયદ્રથ એ સાતે યોદ્ધાઓ પોતાના ધનુષ્યનો ટંકાર કરીને આવી ચડ્યા અને તે સર્વે સાથે મળીને શ્વેતકુમાર પર તૂટી પડ્યા.સામે શ્વેતકુમારે સર્વની સામે બાણોની વર્ષા કરીને તેઓના ઘોડાઓને અને સારથિઓને મારી નાખ્યા.અને ઉતાવળથી તે શલ્યના રથ પ્રતિ ધસ્યો.ત્યારે દુર્યોધન ભીષ્મને આગળ કરીને સર્વ સૈન્યની સાથે શ્વેતકુમારના રથ સામે ગયો.ને શલ્યને છોડાવવા મથ્યો.તેમનું રુંવેરુંવાં ઊભાં થાય તેવું તુમુલ યુદ્ધ થયું.હે રાજન,તમારા અને પાંડવોના રથો તથા હાથીઓ એકબીજા સાથે મળી ગયા.તે સમયે ભીષ્મ,પાંડવોના મહાન યોદ્ધાઓ અભિમન્યુ,ભીમ,સાત્યકિ,

કૈકેય,વિરાટરાજા,દ્રુપદ,ચેદિરાજા,અને મત્સ્યરાજ વગેરેના પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા.(67)

અધ્યાય-47-સમાપ્ત