અધ્યાય-૪૬-ભયંકર રણસંગ્રામ
॥ संजय उवाच ॥ राजन शतसहस्त्राणि तत्र तत्र पदातिनां I निर्मर्याद प्रयुद्वानि तत्तेवक्ष्यामि भारत ॥१॥
સંજયે કહ્યું-હે રાજન,તે યુદ્ધમાં જ્યાં જુઓ ત્યાં લાખો પાળાઓ પોતાની મર્યાદાનો ત્યાગ કરીને,જેમ આવે તેમ લડતા હતા.તે યુદ્ધમાં પુત્ર પોતાના પિતાને,પિતા પોતાના પુત્રને,ભાઈ પોતાના સાગા ભાઈને,મામા પોતાના ભાણેજને,ભાણેજ પોતાના મામાને,અને મિત્ર પોતાના મિત્રને ગણતો નહોતો.જાણે ભૂતનો આવેશ થયો હોય તેમ પરસ્પર ભાન રાખ્યા વિના પાંડવો અને કૌરવો લડતા હતા.હે રાજા,કેટલાએક શૂરવીરો,રથોને લઈને રથોના સૈન્યમાં ધસી જતા હતા,ત્યારે એકેકની ધુંસરીઓ અથડાવાથી તે ભાંગી જતી હતી અને રથો આડેધડ સામસામે ટકરાવાથી ભાંગી પડતા હતા.
વળી,કેટલાએક માતંગો બીજા માતંગો સાથે અથડાઈને પડી જતા હતા.તો કેટલાક હાથીઓ બીજા હાથીઓના દંતશૂળ ભરાવાને લીધે ક્રોધાયમાન થઈને પરસ્પર એકબીજાને ચીરી નાખતા હતા.અને તે ચીસો પાડીને ભાગંભાગ કરતા હતા.
હાથીઓનું રક્ષણ કરનાર પાળાઓ,પોતાના ભાલા,તલવારો,દંડોને ક્રોધપૂર્વક એકબીજા પર પ્રહાર કરતા હતા.
રણભૂમિમાં ગદાઓ,મુશળો-આદિથી ઘાયલ થયેલા,તીક્ષ્ણ તલવારોથી કપાઈ ગયેલા,હાથીઓએ કચરી નાખેલા
આમતેમ પડેલા હજારો મનુષ્યોની બૂમો તથા ભયંકર ચીસો,પ્રેતોની માફક દારુણ સંભળાતી હતી.
યુદ્ધમાં ઘોડેસ્વારોએ સામસામા છોડેલાં ભલ્લ નામનાં બાણો,સાપની જેમ આમતેમ ઉડતાં હતાં.કેટલાક ઘોડેસ્વારો પોતાના ઘોડાને રથો પર કુદાવીને રથમાં બેઠેલા પુરુષોના મસ્તક કાપી નાખતા હતા.તો કેટલાક રથમાં બેઠેલા યોદ્ધાઓ,પોતાની નજીક આવી પડતા ઘોડેસ્વારોને ભાલાઓ મારીને મારી પાડતા હતા.મદોન્મત હાથીઓ ઘોડાઓને પાડી નાખી તેમને પગ નીચે કચડી નાખતા હતા.વળી,જયારે તુમુલ યુદ્ધ થવા માંડ્યું ત્યારે,એકબીજાની વચ્ચે સંકડામણ થવાથી,કેટલાક મોટા હાથીઓ,ઘોડાઓને પોતાના દાંતના અગ્રભાગ વડે ઉછાળી નાખીને ફેંકી દેતા હતા,ને રથોને ભાંગી નાખતા હતા.
તે રણસંગ્રામમાં વીરપુરુષોએ મુકેલી અંગારા જેવી ચકચકિત શક્તિઓ યોધ્ધાઓના ને ઘોડાઓના કવચોને ભાંગી નાખતી હતી ને તે ઉછળીને આમતેમ પડતી હતી.શંકુ,ફરસી,કુહાડી-આદિથી કકડા થઇ ગયેલા અનેક યોદ્ધાઓ,ત્યાં પોતાના બાંધવોને,પોતાના પુત્રોને,ભાઈઓને,મામાઓને,ભાણેજોને બૂમો પાડીને બોલાવતા હતા.જ્યાં જુઓ ત્યાં નીકળી પડેલાં આંતરડાંવાળા,ભાગી ગયેલી સાથળોવાળા,કોઈ હાથ કપાયેલા તો પડખાં ચિરાઈ ગયેલા,તરસ્યા થયેલા ને જીવવાની ઈચ્છાથી બૂમો પાડતા યોદ્ધાઓ દેખાતા હતા.લોહીના કીચડમાં પડેલા કેટલાક અધમૂઆઓ,ઘણું દુઃખ પામતા પોતાના આત્માની અને તમારા પુત્રની નિંદા કરતા હતા.
કેટલાક ક્ષત્રિયો,પરસ્પર વેરનો બદલો લીધા પછી,હથિયારોનો ત્યાગ કે બુમાબુમ કરતા નહોતા.ત્યારે કેટલાક હર્ષિત જણાતા હતા.કેટલાક ક્રોધથી દાંતો પીસીને પરસ્પર ગર્જના કરતા હતા.કેટલાક ઘવાયેલા બળવાન યોદ્ધાઓ જરા પણ બૂમ માર્યા વિના જ પડી રહેલા જણાતા હતા.કેટલાક રથ પરથી પડી ગયેલા બીજા પાસે રથની માગણી કરતા હતા.વીર પુરુષોનો નાશ થતો હતો ત્યારે સૈન્યોમાં ભયંકર શબ્દો થતા હતા.તે રણસંગ્રામમાં કોઈ કોઈનો સંબંધ ભૂલી ગયા હોય તેમ એકબીજાને કાપી નાખતા હતા.આવું ભયંકર યુદ્ધ ચાલતું હતું ત્યારે ભીષ્મની સામે ઉભેલી પાંડવોની સેના કંપવા લાગી.ને ત્યારે પંચતારકના ચિહનવાળા,રૂપાના મહારથ પર બેઠેલા ભીષ્મપિતામહ,ચંદ્રમાની જેમ શોભતા હતા. (50)
અધ્યાય-46-સમાપ્ત