અધ્યાય-૪૫-દ્વંદ્વ યુદ્ધ
॥ संजय उवाच ॥ पुर्वाहुणे तस्य रौद्रस्य युध्धमहनो विशांपते I प्रावर्तत महाघोरं राज्ञां देहावकर्तन ॥१॥
સંજયે કહ્યું-હે રાજા,તે ભયંકર દિવસના પહેલા ભાગમાં જે મહાઘોર યુદ્ધ થયું,તેમાં ઘણા રાજાઓના શરીર કપાવા જ લાગ્યા હતા.પરસ્પરને જીતવાની ઈચ્છાવાળા રાજાઓની ગર્જનાઓના ભીષણ ધ્વનિએ આકાશમંડળને ગજાવી મૂક્યાં.
ધનુષ્યની દોરીના ટંકારો,પાળાઓના પગના શબ્દો,ઘોડાઓના હણહણાટો,હાથીઓની ચીસો અને રથના ઘડાઘડાટો વગેરેના તુમુલ અવાજોથી રૂવાં ઉભા થઇ જાય તેવું દૃશ્ય હતું.એ વેળાએ પોતાના જીવવાની આશા છોડીને સર્વ કૌરવો,પોતાના મનને ક્રૂર કરીને પાંડવોની સામે પહોંચ્યા પછી,યમ ના દંડ જેવું ભયંકર ધનુષ્ય લઈને ભીષ્મ અર્જુન સામે ધસ્યા.
ત્યારે અર્જુન પણ લોકમાં પ્રસિદ્ધ એવું પોતાનું ગાંડીવ લઈને ભીષ્મ સામે ધસ્યો.સિંહ સમાન તે બંને યોદ્ધાઓ એકબીજાનો વધ કરવાનું ઇચ્છવા લાગ્યા.ભીષ્મપિતામહે અર્જુનને વીંધ્યો પણ તેને પાછો હઠાવી શક્યા નહિ.અર્જુન પણ ભીષ્મને કંપાવી શક્યો નહિ.બીજી તરફ,સાત્યકિ,કૃતવર્મા સામે ધસ્યો ને તે બંને પરસ્પર બાણો મૂકીને એકબીજાને પીડવા લાગ્યા.
અભિમન્યુ,અયોધ્યાના રાજા બૃહદબલ સાથે લડવા લાગ્યો.બૃહદબલે અભિમન્યુના રથની ધજા કાપી નાખી ને સારથિને રણભૂમિ પર પાડી નાખ્યો,ત્યારે અભિમન્યુ એકદમ ક્રોધાયમાન થયો ને નવ બાણો વડે બૃહદબલને વીંધી નાખ્યો.
વળી,તેણે સારથિ તથા તે રાજાની પાછળ રક્ષણ કરનારાઓને મારી નાખ્યા.આમ તે અભિમન્યુ અને બૃહદબલ,બંને શુરવીરો તીક્ષ્ણ બાણો વડે પરસ્પરને વીંધવા લાગ્યા.(18)
વૈર કરનાર,ગર્વિષ્ઠ અને અભિમાની એવા તમારા પુત્ર દુર્યોધનની સામે ભીમ લડવા લાગ્યો.તે બંને વીરો પરસ્પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા.તે બંનેને જોઈ સર્વને ઘણું જ આશ્ચર્ય થયું.દુઃશાસન નકુલની સામે થયો.બીજી તરફ સહદેવની સામે દુર્મુખ ધસી આવ્યો.અને તે શુરવીરો તીક્ષ્ણ બાણો વડે એકબીજાને ત્રાસ આપવા લાગ્યા.રાજા યુધિષ્ઠિર મદ્રદેશના રાજાની સામે યુદ્ધ કરવા લાગ્યા.મદ્ર દેશના રાજાએ યુધિષ્ઠિરના ધનુષ્યના બે ટુકડા કરી દીધા ત્યારે યુધિષ્ઠિરે બીજું ધનુષ્ય લઈને તેને બાણો વડે ઢાંકી દીધો.ધૃષ્ટદ્યુમ્ન દ્રોણાચાર્યની સામે ધસી આવ્યો,એટલે દ્રોણે ક્રોધાયમાન થઈને તેના ધનુષ્યને તોડી નાખ્યું.ધૃષ્ટદ્યુમ્ને પણ નવું ધનુષ્ય લઈને ચૌદ બાણો લઈને દ્રોણને વીંધી નાખ્યા.ને તેમની વચ્ચે આમ ભયંકર યુદ્ધ ચાલ્યું.
મહાવીર એવો શંખ,સોમદત્તના પુત્ર ભૂરિશ્રવાની સામે યુદ્ધ માટે આવ્યો.શિશુપાલનો પુત્ર મહારથી ધૃષ્ટકેતુ,બાહલીકની સામે ધસ્યો.બાહલીકે ધૃષ્ટકેતુને બાણો વડે ઢાંકી દીધો એટલે ચેદીરાજા અતિશય ખિજાઈ ગયો ને તેણે નવ બાણો મૂકીને બાહલીકને વીંધી નાખ્યો.ક્રૂર કર્મોવાળો,રાક્ષસ સમાન ભયંકર કર્મ કરનાર ઘટોત્કચનું,અલંબુષની સામે ભયંકર યુદ્ધ ચાલ્યું.
બળવાન શિખંડી,દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાની સામે ધસી આવ્યો અને બંને વચ્ચે બાણોનું ધમાસાણ યુદ્ધ થયું.
વિરાટ રાજા,ભગદત્તની સામે યુદ્ધ કરવા લાગ્યા.કૃપાચાર્ય અને કેકય દેશના રાજા બૃહત્ક્ષત્ર વચ્ચે ઘોર યુદ્ધ થયું.
દ્રુપદરાજા અને જયદ્રથ સામસામે આવી લડવા લાગ્યા.વિકર્ણ અને ભીમસેનના પુત્ર વચ્ચે યુદ્ધ થયું પણ તે એકબીજાને કંપાવી શકતા નહોતા.ચેકિતાન રાજા પાંડવોનો પક્ષ કરીને સુશર્મા પર ચડી આવ્યો.શકુનિ,યુધિષ્ઠિરના પુત્ર પ્રતિવિન્દ્ય સામે લડવા લાગ્યો.કામ્બોજ દેશના રાજા સુદક્ષિણની સામે સહદેવનો પુત્ર શ્રુતકર્મા લડતો હતો.અર્જુનનો પુત્ર ઈરાવાન,શ્રુતાયુષની સામે યુદ્ધ કરતો હતો.અવંતિના રાજપુત્રો વિંદ અને અનુવિંદ મહારથી કુંતીભોજ સામે સ્થિરતાથી લડતા હતા.તેમની વચ્ચે ઘણું અદ્દભૂત યુદ્ધ થયું.કેકયરાજાના પાંચ પુત્રો,ગાંધારરાજાના પાંચ પુત્રો સામે લડવા લાગ્યા.
હે રાજન,તમારો પુત્ર વીરબાહુ,વિરાટરાજાના પુત્ર ઉત્તર સામે યુદ્ધ કરવા લાગ્યો ને બંને એકબીજાને વીંધવા લાગ્યા.
એટલામાં ચેદિરાજાએ ઉલુક નામના રાજાની સામે ધસારો કર્યો.તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું પણ તે બંનેમાંથી કોઈનો પરાજય થયો નહિ.હે રાજન,એ પ્રમાણે કૌરવ-પાંડવના યુદ્ધમાં તેમના રથો,હાથીઓ,ઘોડા અને પાયદળોનાં હજારો દ્વંદ્વયુદ્ધો થવા લાગ્યાં.એક મુહૂર્તકાળ સુધી તો તે યુદ્ધ જોવામાં રસ પડે તેવું થયું પણ પછી તો જાણે સર્વ ઉન્મત્ત થયા હોય તેમ,
સામસામે ભાન વિનાના થઈને લડતા હતા.તે સમયે,ત્યાં ખાસ જોવાને માટે આવેલા,દેવર્ષિઓ,સિદ્ધો અને ચારણો,પૃથ્વી પરના આ દેવ-અસુરોના યુદ્ધને જોતા હતા.તે પછી તો હજારો હાથીઓ,ઘોડાઓ ને સેંકડો પુરુષો વિપરીત ભાવને પામ્યા હતા,અર્થાંત પોતપોતાનાં ભાન ભૂલી જઈને હાથીવાળો,રથવાળાની સાથે,રથવાળો હાથીવાળાની સાથે,ઘોડાવાળો હાથીવાળાની સાથે એમ વિપરીત ક્રમથી યુદ્ધ કરતા હતા.યુદ્ધમાં જ્યાં જુઓ ત્યાં સર્વ યોદ્ધાઓ યુદ્ધમાં જ મચી પડેલા દેખાતા હતા (87)
અધ્યાય-45-સમાપ્ત