અધ્યાય-૪૪-યુદ્ધ પ્રારંભ
॥ धृतराष्ट्र उवाच ॥ एवं व्युढेष्वनकेषु मामकेष्वितरेन च I के पूर्व प्राहरस्तत्र कुरवः पाण्डवां किम् ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-આ પ્રમાણે મારા અને શત્રુઓના સૈન્યની વ્યૂહરચના થઇ રહ્યા પછી,કૌરવ-પાંડવમાંથી કોણે પ્રથમ પ્રહાર કર્યો?
સંજયે કહ્યું-હે રાજન,તે વખતે પ્રથમ જ પોતાના ભાઈઓ સહીત દુઃશાસન,ભીષ્મને આગળ કરીને સેનાની સાથે આવ્યો.
તે જ પ્રમાણે સર્વે પાંડવો પણ ભીમને અગ્રેસર કરીને ત્યાં આવ્યા.ને પછી બંને સૈન્યનોએ એકબીજા તરફ ધસારો ચાલુ કર્યો.
ને બંને સૈન્ય વચ્ચે ઘોર રણસંગ્રામ શરૂ થયો ને પરસ્પર પ્રહારનો આરંભ થયો.તે વખતે બંને સેનાઓમાં વાયુથી ખળભળી ઉઠેલા સમુદ્રની ગર્જના જેવો તુમુલ કોલાહલ થયો.ભીમસેનની સાંઢ(આખલા)ની જેવી ગર્જનાઓએ,સિંહનાદોને,હાથીઓની ચીસોને ને હજારો ઘોડાઓના હણહણાટને પણ મંદ પાડી દીધા.
ઇન્દ્રના વજ્રની જેમ અને મેઘની ગર્જના જેવા ભીમના તે શબ્દો સાંભળીને તમારા સૈન્યના સૈનિકો ત્રાસ પામી ગયા.
જેમ,સિંહના શબ્દને સાંભળીને સર્વે મૃગોનાં મળમૂત્ર છૂટી જાય છે,તેમ,તે ભીમસેનના સિંહનાદથી ત્રાસ પામીને હાથી ઘોડા મળમૂત્ર કરવા લાગ્યા.આ રીતે સર્વને ત્રાસ પમાડતો તે ભીમસેન,આગળ ધસ્યો ત્યારે તમારા બધા પુત્રોએ તેને ઘેરી લીધો ને બાણોના સમૂહથી તેને ઢાંકી દીધો.સામી બાજુથી દ્રૌપદીના પુત્રો,અભિમન્યુ,નકુલ,સહદેવ અને ધૃષ્ટદ્યુમ્ન વગેરે તીક્ષ્ણ બાણોથી તમારા પુત્રોને વીંધી નાખતા આગળ આવ્યા ને પ્રહાર કરવા લાગ્યા.
આવી રીતે ભયંકર ધનુષ્યોની દોરીના શબ્દોવાળો ઘોર રણસંગ્રામ થયો ત્યારે તમારામાંથી અથવા પાંડવોમાંથી કોઈ પણ વિમુખ થયો નહિ (પાછો હઠયો નહિ).હે રાજન,લક્ષ્યને વીંધી નાખતા તથા અત્યંત બાણો છોડતા,તે દ્રોણના શિષ્યોની બાણ મુકવાની ચતુરાઈને બીજા રાજાઓ જોઈ જ રહ્યા હતા.ટંકાર કરતા ધનુષ્યોનો શબ્દ ત્યાં શાંત જ થતો ન હતો.અને જેમ આકાશમાંથી તારાઓ ખરે,તેમ,પ્રદીપ્ત બાણો જ ખરતાં દેખાતાં હતાં.બીજા રાજાઓ ને મહારથીઓ પણ ક્રોધે ભરાઈને સામસામા યુદ્ધમાં પ્રેરાયા.તે વખતે હાથી,ઘોડા અને રથથી વ્યાપ્ત થયેલી તે બંને સેનાઓ જાણે,કોઈ પટ પર ચીતરેલી હોય તેમ શોભતી હતી.
પછી,તમારા પુત્રની આજ્ઞા થવાથી સર્વ રાજાઓ હાથમાં ધનુષ્ય ગ્રહણ કરીને પોતાની સેના સહીત આગળ ધસી આવ્યા.
અને પેલી તરફથી પણ યુધિષ્ઠિરની આજ્ઞા થવાથી હજારો રાજાઓ ગર્જના કરતા તમારી સેના તરફ આવી પહોંચ્યા.
તે બંને સૈન્યનો એવો તીવ્ર સમાગમ થયો કે તેનાથી ઉડેલી રજવડે ઢંકાઈ ગયેલો સૂર્ય પણ અદૃશ્ય થઇ ગયો.
એ યુદ્ધમાં કેટલાક યોદ્ધાઓ,લડતા,કેટલાક ભાગી જતા,કેટલાક ફરી પાછા આવતા હતા એટલે બંને સૈન્યોમાં પોતાનો કોણ અથવા પારકો કોણ?એ પણ ઓળખાતું નહોતું.આ મહાભયંકર અને તુમુલ યુદ્ધની શરૂઆતમાં,તે સર્વ યોદ્ધાઓથી અલગ દેખાતા ભીષ્મપિતામહ,શૌર્યના તેજથી દેદીપ્યમાન બનીને શોભતા હતા.
અધ્યાય-44-સમાપ્ત