Sep 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-918

 

યુધિષ્ઠિર બોલ્યા-હે પિતામહ,જો આપ મારુ કલ્યાણ ઇચ્છતા હો તો,મને સલાહ આપો કે-કોઈથી પણ ન જીતી શકાય તેવા આપને હું યુદ્ધમાં કેવી રીતે જીતી શકું? યુદ્ધમાં બીજાઓ દ્વારા આપનો નાશ કરી શકાય તેવો ઉપાય મને કહો'

ભીષ્મ બોલ્યા-હે તાત,યુદ્ધમાં મને જીતી શકે તેવો કોઈ પુરુષ મને દેખાતો નથી,ને વળી,અત્યારે મારા મૃત્યુનો સમય પણ આવ્યો નથી,માટે તમે ફરીથી મારી પાસે આવજો,ત્યારે હું ઉપાય જણાવીશ'

પછી,ભીષ્મને પ્રણામ કરીને યુધિષ્ઠિર,દ્રોણ પાસે ગયા અને તેમને વંદન કરીને કહેવા લાગ્યા કે-'હે ભગવન,હું આપને યુદ્ધ માટે આમંત્રણ કરું છું ને આપની આજ્ઞા મેળવીને આપની સાથે લડવા માંગુ છું,તો હું શત્રુઓને કેવી રીતે જીતી શકું?તે બાબત આપની સલાહ માગું છું' ત્યારે દ્રોણે કહ્યું-હું તમારા પર પ્રસન્ન થયો છું તમે ખુશીથી લડો ને વિજય પામો.વળી યુદ્ધ સિવાય તમારી બીજી કોઈ ઈચ્છા હોય તો જણાવો,હું ખુશીથી તે પૂર્ણ કરીશ.કારણકે કૌરવોએ મને ધન વડે બાંધ્યો છે,માટે એક નપુંસકની જેમ હું તમને કહું છું કે-જો કે મારે કૌરવોને માટે લડવું પડશે,એટલે યુદ્ધ સિવાય બીજું કંઈ માંગો'


યુધિષ્ઠિર બોલ્યા-'હે બ્રહ્મન,આપ ખુશીથી કૌરવો માટે લડો,પણ આપ,અમારો વિજય ઈચ્છો ને મને યુદ્ધની અનુમતિ આપો' 

દ્રોણ બોલ્યા-'તમને સલાહ આપનારા શ્રીકૃષ્ણ તમારી સહાયમાં છે,માટે વિજય તમારો જ થવાનો છે.તો પણ હું તમને આશિષ આપું છું કે-યુદ્ધમાં તમે તમારા શત્રુઓનો નાશ કરશો.જ્યાં ધર્મ અને શ્રીકૃષ્ણ છે ત્યાં વિજય છે,માટે તમે ખુશીથી લડો,બોલો તમારે બીજું કંઈ પૂછવું છે? હું ખુશીથી તેનો જવાબ આપીશ'


યુધિષ્ઠિર બોલ્યા-તો મારી ઈચ્છા સાંભળો.કોઈથી જીતી ન શકાય તેવા આપને હું યુદ્ધમાં કેવી રીતે જીતી શકું?

તમારો વધ કેવી રીતે થઇ શકે?તેનો ઉપાય મને બતાવો.હું આપણે વંદન કરીને આ પ્રશ્ન પૂછું છું'

દ્રોણ બોલ્યા-'હે તાત,હું મને જીતી શકે તેવા કોઈ પુરુષને જોતો નથી.પણ,શસ્ત્રનો પરિત્યાગ કરીને,અચેતન જેવો થઇ હું સંગ્રામમાં ઉભો હોઉં તો તે સમયે યોદ્ધાઓ મારો સંહાર કરી શકે.વળી,કોઈ શ્રદ્ધા રાખી શકાય તેવો સત્યવકતા પુરુષ મને અપ્રિય કહી સંભળાવે તો તે જ સમયે હું શસ્ત્રત્યાગ કરીશ.એ હું તમને સત્ય કહું છું'


ત્યાર બાદ,યુધિષ્ઠિર કૃપાચાર્ય પાસે ગયા ને તેમની આજ્ઞા ને આશીર્વાદ માગ્યા.ત્યારે કૃપાચાર્ય બોલ્યા-ભીષ્મ અને દ્રોણની જેમ,કૌરવોએ મને અર્થથી બાંધ્યો છે એટલે મારે લડવું જ પડશે એમ મારુ માનવું છે.તેથી બાયલાની જેમ હું કહું છું કે યુદ્ધ વિના તમારી બીજી કોઈ ઈચ્છા હોય તો તમે માગો.યુદ્ધમાં મને કોઈ મારી શકે તેમ નથી,તો પણ હું તમને આશીર્વાદ પૂર્વક કહું છું કે તમો ખુશીથી લડો  અને વિજય પામો.તમારા આવવાથી હું પ્રસન્ન થયો છું અને નિરંતર તમારા જયની ઈચ્છા કરીશ'


પછી,યુધિષ્ઠિર મદ્ર દેશના મામા (માદ્રીના ભાઈ) રાજા શલ્ય પાસે ગયા ને તેમની આજ્ઞા ને આશીર્વાદ માગ્યા.

શલ્ય બોલ્યા-'તમારા આવવાથી હું પ્રસન્ન થયો છું,હું તમને યુદ્ધની આજ્ઞા આપું છું અને આશીર્વાદ આપું છું કે તમારું ઇષ્ટ થાઓ ને વિજય મેળવો.ભીષ્મ-આદિની જેમ કૌરવોએ અર્થ વડે જ મને બાંધી લીધો છે,મારે યુદ્ધ કરવું જ પડશે,ને માટે જ હું નપુંસકની જેમ આમ બોલું છું કે-યુદ્ધ સિવાય તમારી બીજી કોઈ ઈચ્છા હોય તે મને કહો,હું તે અવશ્ય પૂર્ણ કરીશ'


યુધિષ્ઠિર બોલ્યા-'હે મામા,તમે શત્રુઓને માટે ખુશી લડો પણ હંમેશાં મારુ ઉત્તમ હિત ઈચ્છો-એ જ વરદાન હું માગું છું.

વળી,તમે (ઉદ્યોગ પર્વના સમયમાં)મને જે વરદાન આપવાનો સ્વીકાર કર્યો હતો કે 'યુદ્ધમાં કર્ણના તેજનો નાશ કરવો' તે જ વરદાન હું અત્યારે ફરીથી તમને યાદ કરાવું છું.મારુ વચન તમે સ્વીકારજો.'

શલ્ય બોલ્યા-'હે યુધિષ્ઠિર,તમારી તે ઈચ્છા પૂર્ણ થશે,તમારું વચન હું સ્વીકારું છું.ને તેના સંબંધમાં વિશ્વાસ રાખજો'


આમ મામા શલ્યનું વચન સ્વીકારીને,તેમને પ્રણામ કરીને યુધિષ્ઠિર,પોતાના ભાઈઓ સાથે તે મહાસૈન્યમાંથી નીકળી ગયા.

એ સમયે,શ્રીકૃષ્ણ,તે યુદ્ધભૂમિમાં જ્યાં કર્ણ હતો ત્યાં ગયા,ને તેને કહેવા લાગ્યા કે-હે કર્ણ,મેં સાંભળ્યું છે કે,ભીષ્મ પરના દ્વેષને લીધે તું હાલ યુદ્ધ કરવાનો નથી,તો ભીષ્મનો નાશ થયો નથી ત્યાં સુધી તો અમારા પક્ષમાં આવીને લડ.ભીષ્મના મરણ પછી,તું સુખેથી દુર્યોધનની સહાયતા માટે તેના પક્ષમાં રહીને લડજે'

કર્ણ બોલ્યો-'હે કેશવ,હું દુર્યોધનનું અપ્રિય કદી પણ નહિ કરું.મારા પ્રાણ જશે ત્યાં સુધી હું તેનું જ હિત ઈચ્છીશ,એમ સમજો'

કર્ણનું વચન સાંભળીને શ્રીકૃષ્ણ ત્યાંથી પાછા ફર્યા અને યુધિષ્ઠિર-આદિને જઈને મળ્યા.


ત્યાર બાદ,યુધિષ્ઠિરે સૈન્યના મધ્યમાં આવીને મોટો ઘાંટો પાડીને કહ્યું કે-હજુ,જેઓ અમોને સહાય કરવા માટે સ્વીકારશે તેઓને અમે પણ સહાયતા માટે સ્વીકારીશું' એટલે તે વખતે યુધિષ્ઠિરનાં વચન સાંભળીને પ્રસન્ન થયેલો (કૌરવોનો ભાઈ) યુયુત્સુ 

ત્યાં આવીને બોલ્યો-'હે મહારાજ,જો તમે મને સહાયતા માટે સવકારો તો યુ યુદ્ધમાં તમારી સાથે રહીને કૌરવોની સામે લડીશ'

યુધિષ્ઠિર બોલ્યા-'હે યુયુત્સુ,હું તને સ્વીકારું છું,તું મારે માટે લડ.મને એમ લાગે છે કે-તારે વડે જ ધૃતરાષ્ટ્રનો વંશ રહેશે અને તેમને પિંડદાન મળશે કારણકે તારા ભાઈઓનો તો નાશ થવાનો જ છે.અમે તને ચાહીએ છીએ,માટે તું પણ અમને ચાહ.

અમારા પર ઈર્ષા કરતો દુર્યોધન હવે રહેવાનો નથી.અર્થાંત તે તો મરણ જ પામવાનો છે'


સંજયે કહ્યું-'હે મહારાજ,તમારા સર્વ પુત્રોનો ત્યાગ કરીને યુયુત્સુ.પાંડવોની સેનામાં ચાલ્યો ગયો.ત્યારે પાંડવો અત્યંત ખુશ થયા અને તે સર્વ પોતાના કવચો ને આયુધો સજીને રથ પર આરૂઢ થયા.ફરીથી નગારાં અને રણશીંગાઓ વાગવા લાગ્યા અને સર્વે અનેક પ્રકારના સિંહનાદો કરવા લાગ્યા.ને પોતપોતાના શંખો ફૂંકવા લાગ્યા.(109)

અધ્યાય-43-સમાપ્ત