અધ્યાય-૪૩-ગુરુઓ તથા વડીલોનું પૂજન
॥ वैशंपायन उवाच ॥ गीता सुगीता कर्तव्या किमन्यै शास्त्रविस्तरेः I या स्वयं पद्मनाभस्य मुखपद्मानिद्विनिर्गता ॥१॥
વૈશંપાયને કહ્યું-જે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળી છે,તે ગીતાશાસ્ત્રનું જ સારીરીતે પઠન કરવું,બીજા શાસ્ત્રોનાં લાંબા લાંબા પઠન કરવાથી શું ફળ છે? જેમ,શ્રી ગંગાજી સર્વ તીર્થમય છે,ભગવાન વિષ્ણુ સર્વ દેવમય છે અને મનુ ભગવાન સર્વ વેદોમય છે તેમ,ગીતા સર્વ શાસ્ત્રમય છે.ગીતા,ગોવિંદ,ગાયત્રી અને ગોવિંદ-આ ચાર 'ગ'કાર યુક્ત નામો જો નિરંતર હૃદયમાં રહે,તો તેને ફરીથી જન્મમરણ પ્રાપ્ત થતાં નથી.આ ગીતામાં શ્રીકૃષ્ણે 620 શ્લોક,અર્જુને 57 શ્લોક,સંજયે 67 શ્લોક અને ધૃતરાષ્ટ્રે 1-શ્લોક કહેલો છે.આ બધા શ્લોકો મળીને એકંદરે ગીતાના 745 શ્લોકો થાય છે.(મહા)ભારતરૂપી અમૃતના સર્વસ્વરૂપ ગીતાનું મંથન કરીને,તેમાંથી સાર (તત્વ)કાઢીને શ્રીકૃષ્ણે,અર્જુનના મુખમાં તેનો હોમ કર્યો છે (5)
સંજયે કહ્યું-ત્યાર પછી,ગાંડીવધારી અર્જુનને યુદ્ધ કરવા માટે તૈયાર થયેલો જોઈને સર્વ મહારથીઓ ફરીથી મોટો કોલાહલ કરી મુક્યો.પાંડવો,સોમક રાજાઓ અને બીજા તેમના ઘણા અનુનાયીઓ ઘણા હર્ષિત થઈને શંખો વગાડવા લાગ્યા.વળી,ભેરી,પેશી અને ક્રકચ નામનાં વાજિંત્રો અને ગાયના શીંગડાના બનાવેલાં તતુંડાં વાગવા લાગ્યાં,જેથી મહાન શબ્દ થઇ રહ્યો.તે યુદ્ધ જોવા માટે દેવો,પિતૃઓ,ગંધર્વો,સિદ્ધો,ચારણો-વગેરેનાં ટોળેટોળાં આવવા લાગ્યાં.પછી,બંને સેનાને યુદ્ધ કરવા સજ્જ થયેલી જોઈને,યુધિષ્ઠિર પોતાના કવચને ઉતારીને,ધનુષ્યને એકબાજુ મૂકી દઈને,રથ પરથી ઉતરીને,મૌન ધારણ કરીને અને હાથ જોડીને,પૂર્વ તરફ જ્યાં શત્રુની સેના હતી ત્યાં ભીષ્મ પિતામહની સામે જોઈને તેમની તરફ પગે ચાલવા લાગ્યા.(13)
તેમની પાછળ,અર્જુન અને કૃષ્ણ પણ ચાલ્યા.અર્જુને યુધિષ્ઠિરને પૂછ્યું-'હે રાજન,તમે શું ધાર્યું છે?અમને અહીં મૂકીને તમે શત્રુની સેના તરફ શા માટે જાઓ છો?' વળી યુધિષ્ઠિરની પાછળ આવતા તેમના ભાઈઓએ પણ તે જ પ્રશ્ન તેમને પૂછ્યો.
પોતાના ભાઈઓના પૂછવા છતાં યુધિષ્ઠિરે કોઈ જ ઉત્તર આપ્યો નહિ ને મૌન ધારણ કરીને આગળ જવા લાગ્યા ત્યારે,
શ્રીકૃષ્ણે હસતાં હસતાં કહ્યું કે-'મેં એમનો અભિપ્રાય જાણી લીધો છે.તેઓ ભીષ્મ,દ્રોણ,કૃપ અને શલ્ય વગેરે વડીલોને વંદન કરીને તેમની આજ્ઞા મેળવીને પછી જ શત્રુ સાથે યુદ્ધ કરવા ધારે છે,કારણ કે પ્રાચીન શાસ્ત્રમાં જણાવેલું છે કે-જે પુરુષ,પોતાના વડીલ અને ગુરુઓને વંદન અને તેમની આજ્ઞા લીધા વિના યુદ્ધ કરે છે,તે પુરુષને મહાન પુરુષો નિંદે છે.
વળી,જો તે આમ કરે છે તો તેનો અવશ્ય જય થાય છે,એમ હું માનું છું'
શ્રીકૃષ્ણ આમ કહેતા હતા ત્યારે કૌરવોની સેનામાં હાહાકાર થઇ ગયો.યુધિષ્ઠિરને આમ શસ્ત્ર વિનાના આવતા જોઈને દુર્યોધનના સૈનિકો અંદરોઅંદર કહેવા લાગ્યા કે-આ યુધિષ્ઠિર કુળમાં કલંક લગાડનારો છે કારણકે તે ભય પામ્યો છે અને પોતાના ભાઈઓની સાથે શરણની યાચના લઈને ભીષ્મની પાસે આવતો લાગે છે' બંને સૈન્યમાં યુધિષ્ઠિરની બાબતે સંશય થવા લાગ્યા ને 'યુધિષ્ઠિર ભીષ્મને શું કહેશે? ને ભીષ્મ શું ઉત્તર આપશે?'તે વિષે ચર્ચા થવા લાગી.તે સમયે,યુધિષ્ઠિર ભીષ્મની પાસે પહોંચી ગયા ને તેમના પગને પોતાના બે હાથ વડે સ્પર્શ કરીને બોલ્યા કે-'હે શત્રુઓથી પરાભવ ન કરી શકાય તેવા પિતામહ,હું આપને યુદ્ધ માટે આમંત્રણ કરું છું,અને અમે આપની સામે લડીશું,તો અમને યુદ્ધ કરવાની આજ્ઞા અને આશીર્વાદ આપો'
ભીષ્મે કહ્યું-'હે રાજા,તમે અત્યારે મારી પાસે ન આવ્યા હોત,તો મેં તમને 'યુદ્ધમાં તમારો પરાભવ થાઓ'એવો શાપ આપ્યો હોત,પણ હવે હું તમારા પર પ્રસન્ન થયો છું,હું આજ્ઞા આપું છું કે તમે ખુશીથી લડો અને વિજય મેળવો.તમારે મારી પાસેથી કોઈ વરદાન માંગવું હોય તો તે માગો કે જેથી તમારો પરાજય થશે નહિ.હે રાજા,એ સત્ય છે કે-'પૈસાનો દાસ પુરુષ છે પણ પૈસો કોઈનો દાસ નથી' કારણકે મને કૌરવોએ પૈસાથી બાંધી લીધો છે,તેમણે અર્થ વડે મારુ પોષણ કર્યું છે એટલે મારે યુદ્ધ કરવું જ પડશે,માટે યુદ્ધ વિના બીજું કંઈ જ માંગવું હોય તે માંગો'