અધ્યાય-૫૦-બીજો દિવસ-યુધિષ્ઠિરનો ઉદ્વેગ ને કૌંચવ્યૂહ
॥ संजय उवाच ॥ कृतेवहारे सैन्यानां प्रथमे भरतर्षभ I भीष्मे च युध्धसंरब्धे हृष्टे दुर्योधने तथा ॥१॥
સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,એ પ્રમાણે પહેલે દિવસે,જયારે સૈન્યોને પાછાં વળ્યાં,ત્યારે ભીષ્મ ઘણા જ ક્રોધાયમાન હતા અને દુર્યોધન ઘણો જ આનંદિત થયો હતો,તેથી પોતાના પરાજયની શંકા કરીને શોકાતુર થયેલા યુધિષ્ઠિર,પોતાના ભાઈઓ અને પોતાના પક્ષના રાજાઓને સાથે,કૃષ્ણની પાસે જઈને,ભીષ્મના પરાક્રમ સંબંધી વિચાર કરી,તેમને કહેવા લાગ્યા કે-
'હે કૃષ્ણ,આ મહાધનુર્ધારી ભીષ્મ,મારા સૈન્યનો મહાસંહાર કરી રહયા છે,તેમના બાણોનો માર સહીને મારુ સૈન્ય નાસાનાસ કરી મૂકે છે.યુદ્ધમાં કદાચ ઇન્દ્ર,યમ,વરુણ કે કુબેરને જીતી શકાય પણ ભીષ્મને જીતવા અસંભવિત લાગે છે.મોટા અસ્ત્રોને જાણનાર ભીષ્મ મારા સૈન્યનો સંહાર કરી નાખશે,હે કેશવ,મારી બાકી રહેલી જિંદગીમાં હું ઘોર તપશ્ચર્યા કરીશ,પણ મારા આ યોદ્ધાઓનો આ સંગ્રામમાં હું નાશ નહિ કરાવું.અત્યંત શોકમાં ડૂબેલ એવા મને,તમે શું કરવાથી મારુ હિત થાય?તે મને કહો.
કારણકે,યુદ્ધમાં અર્જુનને હું મધ્યસ્થ રહેલો જોઉં છું,ભીમ પોતાની શક્તિ પ્રમાણે લડ્યા કરે છે.એ એકલો,શત્રુઓના સર્વ સૈન્યનો નાશ કરવામાં કદી પણ સમર્થ થઇ શકશે નહિ,એમ મારુ માનવું છે.
એક અર્જુન જ સર્વ અસ્ત્રવિદ્યાને જાણે છે,પણ આ ભીષ્મ ને દ્રોણ,અમોને અસ્ત્રો વડે બાળી નાખે છે,છતાં તે અમારી ઉપેક્ષા કરે છે.ક્રોધાયમાન ભીષ્મ,સર્વનો નાશ કરી મુકશે,તેમનું જેવું પરાક્રમ છે,તેવા પરાક્રમવાળો કોઈ મહારથી અમને બતાવો કે જે ભીષ્મને શાંત કરી શકે.હે કૃષ્ણ,તમારી કૃપાથી જ શત્રુઓનો નાશ કરી શકાશે.તમે કોઈ ઉપાય બતાવો.'
આમ કહી,તે યુધિષ્ઠિર,શોકથી બેભાન જેવા થઈને,વિચાર કરતા બેસી રહ્યા,ત્યારે શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા કે-
'હે યુધિષ્ઠિર,તમે શોક ન કરો,તમારે શોક કરવો યોગ્ય જ નથી કારણકે સર્વ લોકમાં પ્રસિદ્ધ એવા તમારા ભાઈઓ ઘણા જ શૂરવીર છે અને હું તથા સાત્યકિ પણ તમારું પ્રિય કરનારા છીએ.વળી,દ્રુપદ,ધૃષ્ટદ્યુમ્ન વગેરે રાજાઓ ઘણા જ બળવાન છે ને તમારું હિત જ ઈચ્છે છે.તમારું પ્રિય કરવામાં તત્પર એવો ધૃષ્ટદ્યુમ્ન,સેનાપતિ થયો છે અને આ શિખંડી ભીષ્મનો નાશ કરશે,તો હવે ચિંતા જેવું શું છે?' શ્રીકૃષ્ણનાં આ વચન સાંભળીને યુધિષ્ઠિર,તેમના સાંભળતાં જ ધૃષ્ટદ્યુમ્નને કહેવા લાગ્યા કે-
'હે ધૃષ્ટદ્યુમ્ન,હું શ્રીકૃષ્ણની સંમતિથી તમને સેનાપતિ તરીકે નીમું છું.તમે તમારા પરાક્રમને બતાવી અને કૌરવોનો નાશ કરો.અમે સર્વ પાંડવો અને સર્વ રાજાઓ તમારી પાછળ રહીશું'
ત્યારે ધૃષ્ટદ્યુમ્ન,બધાને હર્ષ પમાડતો કહેવા લાગ્યો કે-'હે યુધિષ્ઠિર રાજા,પૂર્વે ભગવાન શંકરે મને દ્રોણના કાળ તરીકે નિર્માણ કરેલો છે માટે,હું ભીષ્મ,દ્રોણ,કૃપ,શલ્ય,જયદ્રથ વગેરે સામે લડીશ' ધૃષ્ટદ્યુમ્નના આમ કહેવાથી સર્વના મનમાં અત્યંત ઉત્સાહ આવ્યો.પછી યુધિષ્ઠિરે ધૃષ્ટદ્યુમ્નને કહ્યું કે-'પૂર્વે,દેવો અને અસુરોના યુદ્ધ પ્રસંગે,બૃહસ્પતિએ,ઇન્દ્રને સર્વ શત્રુઓનો નાશ કરે તેવો 'ક્રૌંચાઋણ'નામનો વ્યૂહ કહેલો છે.પૂર્વે કોઈએ નહિ જોયેલા એવા તે વ્યુહને રચીને તમે શત્રુઓને દેખાડી દો'
યુધિષ્ઠિરના આમ કહેવાથી,ધૃષ્ટદ્યુમ્ને સવારમાં સર્વ સૈન્યના મોખરામાં અર્જુનને રાખ્યો.મોટી સેનાસહિત દ્રુપદરાજા,તે વ્યુહના શિરોભાગમાં આવી ઉભા રહ્યા,કુંતીભોજ અને ચેદિરાજા તેના ચક્ષુ તરીકે ઉભા રહ્યા.યાદવો,પ્રભદ્રો,અનુપકો,કિરાતો આદિ તે વ્યુહની ગ્રીવા (ડોક) તરીકે ઉભા રહ્યા.પૌણ્ડ્રરો,પૌરાવો અને નિષાડો સહીત યુધિષ્ઠિર પીઠ તરીકે ઉભા રહ્યા.ભીમને ધૃષ્ટદ્યુમ્ન બે પાંખો તરીકે ઉભા રહ્યા.દ્રૌપદીના પુત્રો,અભિમન્યુ,સાત્યકિ અને અનેક બીજા દેશના રાજાઓ જમણી તરફના પક્ષનો આશ્રય કરી રહ્યા અને નકુલ,સહદેવ તથા બીજા અસંખ્ય રાજાઓ ડાબા પક્ષનો આશ્રય કરીને ઉભા રહ્યા.
વિરાટરાજા,કાશીરાજા અને શૈબ્ય એ ત્રણે જણા કેકયોની સાથે રહીને ત્રીસ હજાર રથો લઈને તે વ્યૂહના ઘનભાગનું પાલન કરતા હતા.આ પ્રમાણે 'ક્રૌંન્ચ વ્યૂહ'ની રચના થઇ.ને સર્વ સૂર્યોદયની રાહ જોઈ રહ્યા (58)
અધ્યાય-50-સમાપ્ત