Oct 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-941

 

અધ્યાય-૬૨-ભીમનું યુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ दैवमेय परं मन्ये पौरुषादपि संजय I यत्सैन्यं मम पुत्रस्य पांडुसैन्येन बाध्यते ॥१॥ 

ધૃતરાષ્ટ્ર કહ્યું-હે સંજય,પુરુષાર્થ કરતાં દૈવ જ બળવાન છે,એમ મારે કહેવું પડે છે.કારણકે મારા પુત્રના સૈન્યને પાંડવોનું સૈન્ય જીતી જાય છે.તું પણ,'મારા પુત્રો જ હંમેશાં માર ખાય છે અને પાંડવો હર્ષિત થાય છે'તેમ કહ્યા કરે છે.યથાશક્તિ લડતા અને જય મેળવવા માટે મથતા મારા પુત્રોનો,તું હંમેશા પરાજય જ કહે છે ને પાંડવોના જયનું વર્ણન કરે છે.મને એવો એકપણ ઉપાય દેખાતો નથી કે જેથી પાંડવોનો પરાજય થાય અને મારા પુત્રોનો વિજય થાય.

સંજયે કહ્યું-હે રાજા,આ રણસંગ્રામમાં જે મોટો સંહાર થાય છે તેમાં તમારી અનીતિ જ મુખ્ય કારણ છે.હવે આગળ સાંભળો.

શલ્યે જયારે ધૃષ્ટદ્યુમ્નને પીડા કરી ત્યારે તેણે પણ પોલાદનાં બાણોથી શલ્યને વીંધી નાખ્યો.સામે શલ્યે તીક્ષણ ભલ્લ બાણોથી ધૃષ્ટદ્યુમ્નના ધનુષ્યને કાપી નાખ્યું ને બાણોનો વરસાદ કર્યો.પીડિત ધૃષ્ટદ્યુમ્નને જોઈને,અભિમન્યુ એકદમ શલ્ય રાજા સામો આવી પહોંચ્યો ને તીક્ષ્ણ બાણોથી તેને વીંધવા લાગ્યો.ત્યારે અભિમન્યુને પહોંચી વળવાની ઈચ્છાથી,દૂર્યોધન,વિકર્ણ,

દુઃશાસન,ચિત્રસેન,દુર્મુખ,સત્યવ્રત પુરુમિત્ર વગેરે યોદ્ધાઓ શલ્યરાજાનું રક્ષણ કરવા આવીને ઉભા.


ત્તેમની સામે,ભીમસેન,દ્રૌપદીના પાંચ પુત્રો,નકુલ,સહદેવ આદિ દોડી આવ્યા ને એકબીજાનો વધ કરવાની ઈચ્છાથી,અતિ ઉગ્રતાથી લડવા લાગ્યા.બંને તરફ દશ દશ મહારથીઓ ક્રોધાતુર થઈને સામસામે જે ભયંકર યુદ્ધ કરતા હતા,તેને બીજા સર્વ રથીઓ પ્રેક્ષક બનીને જોતા રહ્યા.દુર્યોધન અને તેના ભાઈઓએ અનેક બાણોથી ધૃષ્ટદ્યુમ્નને વીંધી નાખ્યો ત્યારે ધૃષ્ટદ્યુમ્ને પણ પોતાના હાથની ચતુરાઈ બતાવીને તે દરેકના પર પચીસ પચીસ બાણોથી પ્રહાર કર્યો.અભિમન્યુએ પણ દશ દશ બાણો વડે સત્યવ્રતને અને પુરુમિત્રને વીંધી નાખ્યા.માદ્રી પુત્રોએ પોતાના મામા શલ્યને તીક્ષ્ણ બાણો વડે વીંધ્યા.તેમનું આ પરાક્રમ અદભુત હતું.શલ્યે પણ પોતાના ભાણેજોના ઘણા બાણોને સામા બાણોથી ઢાંકી દીધા.


પછી,ભીમસેને,સામે દુર્યોધનને જોઈને લડાઈનો અંત લાવવાની ઈચ્છાથી ગદાને ગ્રહણ કરી.ઊંચા શિખરવાળા કૈલાસની જેવી ઊંચી કરેલી ગદાને જોઈને તમારા પુત્રો,ભયથી,ત્યાંથી પલાયન થઇ ગયા.ત્યારે દુર્યોધને દશ હજાર હાથીના સૈન્ય વાળા મગધરાજાને આગળ ધસવાની આજ્ઞા કરી એટલે તે ભીમની સામે પોતાના સૈન્ય સાથે ધસ્યો.સામે હાથી સૈન્યને આવતું જોઈને ભીમસેન હાથમાં ગદા સાથે રથ પરથી ઉતરી પડ્યો અને પર્વતના જેવા વજનવાળી ગદાને લઈને સામે દોડ્યો.વજ્રધારી ઇન્દ્રની જેમ ગદાથી હાથીઓનો સંહાર કરતો બળવાન ભીમસેન યુદ્ધમાં ઘુમવા લાગ્યો.ભીમની ગર્જના સાંભળીને હાથીઓનાં ટોળાં આકુળવ્યાકુળ થઇ ગયાં.દ્રૌપદીના પાંચ પુત્રો,અભિમન્યુ,સહદેવ,નકુલ અને ધૃષ્ટદ્યુમ્ન ભીમની પાછળ દોડી જઈને તેની રક્ષા કરતા,શત્રુઓના બાણોને અટકાવીને તેમના પર બાણોની વર્ષા કરવા લાગ્યા.


તે પાંડવ યોદ્ધાઓ,ક્ષુર બાણો (અસ્ત્રા જેવા આકાર વાળા)થી,ક્ષુરપ્રો (ગાયની ખરી જેવા મોઢાવાળા)થી,આંજલીક (શીંગડા જેવા મુખવાળા) બાણોથી હાથીસ્વારોના મસ્તકો,ને અંકુશ ધારણ કરેલા હાથોને કાપી નાખવા લાગ્યા.ત્યારે મગધરાજાએ પોતાના હાથીને અભિમન્યુના રથ સામે લીધો.સામે આવતા મગધરાજને જોઈને અભિમન્યુએ એક બાણથી હાથીને માર્યો ને પછી બીજા બાણથી હાથી વિનાના મગધરાજનું માથું ઉડાવી દીધું.તે વખતે ભીમસેને પોતાની ગદાથી હજારો હાથીઓનો સંહાર કરી દીધો.હાથીઓના લોહીથી ખરડાઈ ગયેલા દેહવાળો ભીમસેન યમ સરખો દેખાતો હતો.


ભીમસેનની ગદાનો માર ખાતા હાથીઓ દુઃખી થઈને દોડાદોડ કરતા હતા ને તમારી સેનાને ચગદી નાખતા હતા.ગદા લઈને ઘૂમતો  ભીમસેન,પ્રલયકાળે નૃત્ય કરતા શંકરના જેવો દેખાતો હતો.યુદ્ધમાં કચ્ચરઘાણ વાળતી ભીમસેનની ગદા સાક્ષાત કાલદંડ જેવી ને ઇન્દ્રના વજ્રસમાન શબ્દ કરતી ભયંકર સ્વરૂપે દેખાતી હતી.તે ગદા હાથીઓના કેશ અને મજ્જાથી મિશ્રિત થઇ હતી ને લોહીથી ખરડાયેલી હતી.જેમ,કોઈ ગોવાળિયો પોતાની લાકડીથી પશુઓને હાંકી કાઢે,તેમ,ભીમસેન પોતાની ગદાથી હાથીઓના સૈન્યને હાંકી કાઢતો હતો.આમ,ભીમસેને સર્વ હાથીઓને વિખેરી નાખીને,જેમ મહાદેવ હાથમાં ત્રિશુલ લઈને સ્મશાનમાં ઉભા રહે તેમ,તે એકલો હાથીઓના તે તુમુલ રણસંગ્રામમાં ઉભો રહ્યો હતો.

અધ્યાય-62-સમાપ્ત