Page list

Oct 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-942

 

અધ્યાય-૬૩-ભીમનું ઘોર કર્મ-સાત્યકિ ને ભૂરિશ્રવાનો સમાગમ 


॥ संजय उवाच ॥ हते तस्मिन्गजानीके पुत्रो दुर्योधनस्तव I भीमसेनं घ्नतेत्येवं सर्वसैन्यान्यचोदयत ॥१॥ 

સંજયે કહ્યું-એ પ્રમાણે પોતાના હાથી સૈન્યનો નાશ થયો ત્યારે તમારા પુત્ર દુર્યોધને 'ભીમસેનને મારો' એમ સર્વ સૈન્યને આજ્ઞા આપી.તેની આજ્ઞા થવાથી સર્વ સૈન્યે ભયંકર શબ્દની ગર્જનાથી ભીમસેન સામે ધસારો કર્યો.અપાર સૈન્યને સામું આવતું જોઈને.ભીમસેને તેને રોકી રાખ્યું.તે વખતે ભીમસેનનું અતિ અદભુત કર્મ અમારા જોવામાં આવ્યું.જરાયે ગભરાયા વિના,ભીમસેને,અશ્વો,રથો અને હાથીઓ સહીત સર્વ રાજાઓને પોતાની ગદાથી આગળ વધતા અટકાવી દીધા.ને પોતે મેરુ પર્વતની જેમ સ્થિર થઈને ત્યાં ઉભો રહ્યો.તે વખતે,તેના પુત્રોએ,ભાઈઓએ,અભિમન્યુએ,શિખંડીએ અને ધૃષ્ટદ્યુમ્ને તેને જરા પણ વેગળો કર્યો ન હોતો.માત્ર લોઢાની બનાવેલ વિશાળ ગદા વડે ભીમે સૈન્યનો કચ્ચરઘાણ વાળવા માંડ્યો.

કોપાયમાન થઈને પશુઓનો સંહાર કરતા રુદ્રના પિનાક ધનુષ્યના જેવી,કાળદંડ સમાન ઉગ્ર ને ઇન્દ્રના વજ્રસમાન શબ્દ કરતી ભીમસેનની એ પ્રાણહારક ગદાને સર્વે લોકો જોઈ રહ્યા.ચારે બાજુ ગદાને ફેરવતા ભીમસેનનું તે સમયનું મહાઘોર સ્વરૂપ,પ્રલય વખતના કાળ જેવું દેખાતું હતું.સામે આવતા ભીમસેનને જોઈને સર્વ યોદ્ધાઓ ગભરાઈ જઈ નાસભાગ કરવા લાગ્યા.

આવું ભયંકર કર્મ કરતા ભીમને જોઈને પિતામહ ભીષ્મ ત્યાં ધસી આવ્યા.ભીમસેન પણ તેમની  તરફ ધસ્યો.તે વખતે સાત્યકિ પણ ભીષ્મ સામે ધસ્યો.સાત્યકિએ સામે આવતી સર્વ સૈન્યની ટુકડીઓને બાણોથી રોકી દીધી.


સામે ધસી આવતા સાત્યકિને રાક્ષસ અલંબુશે દશ બાણોથી વીંધ્યો તો સામે સાત્યકિએ તેને ચાર બાણોથી વીંધી નાખીને તે આગળ ધસવા લાગ્યો.સાત્યકિને શત્રુઓના મધ્ય ભાગમાં આવેલો જોઈને તમારા યોદ્ધાઓ તેના પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા.પણ કોઈ તેને થોભાવી શક્યા નહિ.ભૂરિશ્રવા વિના સર્વ યોદ્ધાઓ ખિન્ન થઈને હિંમત હારી ગયા,ત્યારે પોતાના રથીઓને પાછા હટતા જોઈને ભૂરિશ્રવાએ સાત્યકિ સામે ધસારો કર્યો,(33)

અધ્યાય-63-સમાપ્ત