Oct 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-943

 

અધ્યાય-૬૪-ચોથા દિવસની સમાપ્તિ-ભીમનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ ततो भूरिश्रवा राजन सात्यकी नवभि शरैः I प्राविध्यद्भृश संकृद्वस्तोत्रैरिवमहाद्विपः ॥१॥ 

સંજયે કહ્યું-પછી,અતિક્રોધાયમાન થયેલા ભૂરિશ્રવાએ,સાત્યકિને નવ બાણોનો પ્રહાર કરીને વીંધ્યો.ત્યારે સામે સાત્યકિએ પણ,ભૂરિશ્રવાને સર્વ લોકના દેખતાં,બાણોનો પ્રહાર કરીને તેને નિવાર્યો.પછી,દુર્યોધન પોતાના ભાઈઓને લઈને ભૂરિશ્રવાનું રક્ષણ કરવા આવી પહોંચ્યો,તો સામે પાંડવો પણ સાત્યકિનું રક્ષણ કરવા આવી પહોંચ્યા ને તેને વીંટળાઈને ઉભા રહ્યા.એ વેળા,ભીમસેન પણ પોતાની ગદા લઈને આવી પહોંચ્યો ને તમારા સર્વ પુત્રોને ઘેરી વળ્યો.તમારો પુત્ર નંદક,હજારો રથો લઈને આવ્યો અને તેણે ભીમસેનની છાતી પર નવ બાણોથી પ્રહાર કર્યો.એટલે ભીમસેન પોતાના શ્રેષ્ઠ રથ પર ચડી ગયો અને વિશોક નામના પોતાના સારથિને કહેવા લાગ્યો કે-

આ કૌરવો શૂરા થઈને યુદ્ધમાં આવી પહોંચ્યા છે ને મને મારી નાખવા તૈયાર થયા છે.ઘણા વર્ષનો ચિંતવેલો મારો મનોરથ આજે સફળ થયો છે કારણકે આજે સર્વ ભાઈઓને મારી સામે જોવા પામ્યો છું.આજે તે સર્વને હું હણી નાખીશ માટે તું પણ રથને તે તરફ સાવધ થઈને હાંક.એમ કહીને ભીમે નંદકની છાતી પર સામો બાણોથી પ્રહાર કર્યો.ત્યારે દુર્યોધને,ભીમસેન પર પ્રહાર કરીને તેના ધનુષ્યને છેદી નાખ્યું.સામે ભીમે પણ બીજું ધનુષ્ય લઈને દુર્યોધનના ધનુષ્યને તોડી પાડ્યું.કોપાયમાન થયેલા દુર્યોધને,બીજું ધનુષ્ય લઈને કાળસમાન ધનુષ્ય લઈને ભીમના છાતી પર પ્રહાર કર્યો,કે જેથી વ્યથા પામીને ભીમ,રથની બેસણી પર બેસી ગયો ને મૂર્છાવશ થયો.ભીમને મૂર્છા વશ થયેલો જોઈને અભિમન્યુ-વગેરે દોડી આવીને દુર્યોધન પર બાણોની વૃષ્ટિ કરી.


થોડી  વારમાં જ ભીમસેન સાવધ થયો ને દુર્યોધનને ફરી બાણોથી ભીંસવા લાગ્યો.વળી,ભીમસેને શલ્યને પચીસ બાણોથી વીંધ્યો.વીંધાયેલો શલ્ય રણસંગ્રામમાંથી દૂર ખસી ગયો.પછી,સેનાપતિ સુષેણ,જળસંઘ,સુલોચન આદિ તમારા ચૌદ પુત્રો,

ભીમસેન સામે ધસી આવ્યા.ને ભીમસેનને વીંધવા લાગ્યા.ભીમ,આ સામે આવેલા સર્વ પર તૂટી પડ્યો ને સેનાપતિનું મસ્તક ઉડાવી દીધું.વળી,જળસંઘ,સુષેણ,ઉગ્ર,વીરબાહુ-આદિને પરલોક પહોંચાડી દીધા.વળી,હે રાજન,દુર્મદ એવા ભીમ,ભીમરથ અને સુલોચન નામના તમારા પુત્રોને પણ હણી નાખ્યા.બાકી રહેલા તમારા પુત્રો ભીમસેનનો માર ખાતા ત્યાંથી પલાયન થઇ ગયા.