પછી,ભીષ્મે સર્વ મહારથીઓને કહ્યું કે-'આ ભીમ,કૌરવોને અને મુખ્ય આગેવાનોને મારી નાખે છે માટે તેને પકડો'
ભીષ્મનાં વચનથી દુર્યોધનના સર્વ સૈનિકોએ ભીમ સામે ધસારો કર્યો.ભગદત્ત રાજા,પોતાના પ્રાગજ્યોતિષ નામના હાથી પર બેસી ધસી આવીને ભીમને બાણોથી આચ્છાદિત કરીને,તેને છાતી પર વીંધ્યો,કે જેથી ભીમ ફરીથી મૂર્છાવશ થયો.
પિતા ભીમને એવી દશામાં જોઈને,પુત્ર ઘટોત્કચ ત્યાં આવી પહોંચ્યો ને તેને દારુણ એવી માયા રચી.નિમેષકાળમાં તો તે ઐરાવણ હાથી પર દેખાયો અને તેની પાછળ દિગ્ગજ રાક્ષસો પણ હાથી પર દેખાયા.હાથીઓ ચારે દિશામાં સજ્જ થઈને ધસી આવ્યા અને ભગદત્તના હાથીને દંતશૂળોથી પીડવા લાગ્યા.ભગદત્તનો હાથી મોટી ચીસો પાડવા લાગ્યો.
ભગદત્તના હાથીની ચીસો સાંભળી ભીષ્મે,દ્રોણ અને દુર્યોધનને કહ્યું કે-'આ ભગદત્ત,ઘટોત્કચ જોડે લડે છે,પણ તે સંકટમાં આવી પડ્યો છે.આ રાક્ષસ પ્રચંડ શરીરવાળો છે અને ભગદત્ત પણ ક્રોધી છે.બંનેનો મેળાપ મૃત્યુ સમાન છે.માટે આપણે ત્યાં જવું તે જ કલ્યાણકારક છે.ઉતાવળ કરીને ત્યાં ચાલો,ભગદત્તનું આપણે અવશ્ય રક્ષણ કરવું જોઈએ' આમ કહીને ભીષ્મ,દ્રોણ સાથે ભગદત્ત તરફ ગયા.તેમને ત્યાં જતા જોઈને યુધિષ્ઠિર આદિ યોદ્ધાઓ તેમની પુંઠે પડ્યા.સૈન્યને સામે આવતું જોઈને ઘટોત્કચે વજ્રની ગર્જના સમાન મહાન નાદ કર્યો.તેનો નાદ સાંભળીને અને હાથીઓને લડતા જોઈને,ભીષ્મ દ્રોણાચાર્યને ફરી કહેવા લાગ્યા કે- 'દુરાત્મા ઘટોત્કચની સાથે હાલમાં સંગ્રામ કરવો મને ગમતો નથી,કારણકે તે બળ ને વીર્યમાં પુરા જોશમાં છે અને સહાયવાળો છે,એટલે તે હાલ,ઈન્દ્રથી પણ જીતી શકાય તેમ નથી.તે પ્રહાર કરવામાં અને નિશાનો વીંધવામાં કુશળ છે ને આપણાં વાહનો અત્યારે થાકી ગયાં છે ને આપણે પણ આખો દિવસ પાંડવો ને પાંચાલો સામે લડીને ઘાયલ થયા છીએ,માટે અત્યારે જય પર આવેલા પાંડવો સાથે યુદ્ધ કરવું મને ઠીક લાગતું નથી,તેથી આપણી સેનાને પાછી વાળી લો,આવતી કાલે ફરી લડીશું.'
ભીષ્મનું વચન સાંભળીને ભયથી કાયર થયેલા કૌરવોએ કોઈ પણ બહાનું કાઢીને સેનાને પછી વાળી.આમ કૌરવો પાછા વળ્યા એટલે વિજયી બનેલા પાંડવો મોટા અવાજથી સિંહનાદો કરવા લાગ્યા ને શંખો વગાડવા લાગ્યા.હે રાજન,આવી રીતે પાંડવો ને કૌરવોનું તે દિવસનું યુદ્ધ થયું હતું.રાત્રિ થતાં,તે દિવસે પાંડવોથી હારેલા કૌરવો,શરમાતા શરમાતા પોતાની છાવણી તરફ ગયા.
બાણોથી ઘાયલ થયેલા પાંડવો પણ ઘણા આનંદિત થઈને ભીમ ને ઘટોત્કચને આગેવાન કરીને વાજિંત્રોને વગાડીને શબ્દો કર્યા.
મોટા હર્ષનાદો,શંખોના અવાજો તમારા પુત્ર દુર્યોધનનાં મર્મસ્થાનોને સ્પર્શ કરતા હતા.દુર્યોધન પોતાના ભાઈઓના મરણથી દીન થઇ ગયો હતો અને શોક ને અશ્રુઓથી પૂર્ણ થઈને વિચારમાં જ પડી ગયો હતો.
અધ્યાય-64-સમાપ્ત