અધ્યાય-૬૫-વિશ્વોપાખ્યાન
॥ धृतराष्ट्र उवाच ॥ भयं मे अहमहजातं तस्मयश्चैव संजय I श्रुत्वा पांडुरमाणां कर्म दैवेः सुदुष्कर ॥१॥
ધૃતરાષ્ટ્ર કહ્યું-હે સંજય,દેવોએ પણ કરવાને અશક્ય,એવું પાંડવોનું કર્મ સાંભળીને મને ઘણો જ ભય ને વિસ્મય થયું છે અને મારા પુત્રોનો પરાજય સાંભળીને 'હવે શું થશે?'તેની મને ચિંતા થયા કરે છે.અવશ્ય વિદુરનાં વાક્યો મારા હૃદયને બાળી નાખશે કારણકે દૈવયોગે બધું તેવું જ દેખાય છે.જ્યાં ભીષ્મ વગેરે શસ્ત્ર જાણનારા ઉત્તમ યોદ્ધાઓ છે,ત્યાં પણ પાંડવોના સૈન્યના યોદ્ધાઓ યુદ્ધમાં સંહાર કરી જાય છે.હે તાત,ક્યા કારણથી મહાબલિષ્ઠ પાંડવોનો નાશ થતો નથી?શું તેઓને કોઈએ વરદાન આપેલું છે?કે તેઓ કોઈ વિદ્યા જાણે છે? વારંવાર પાંડવો મારા સૈન્યને મારી નાખે છે તે મારાથી સહન થતું નથી ખરેખર,દૈવનો જ દારુણ દંડ મારા પર આવી પડ્યો છે.મારા પુત્રો માર્યા જાય છે તેનું ખરું કારણ મારી આગળ તમે કહી સંભળાવો.
મારા સર્વ પુત્રોનો ભીમ સંહાર કરી નાખશે એમાં મને લેશ પણ સંશય નથી.આ યુદ્ધમાં હું કોઈ એવો યોદ્ધો જોતો નથી કે જે મારા પુત્રોને બચાવે.હવે,મારુ સૈન્ય પાછું વળ્યું,પછી મારા પુત્રોએ શો નિશ્ચય કર્યો? તે કહી સંભળાવો.
સંજયે કહ્યું-હે રાજા,સાવધાન થઈને સાંભળો.પાંડવો કોઈ મંત્રનો ઉપયોગ કરતા નથી તેમ જ તેવી કોઈ માયાને પણ જાણતા નથી,તેઓ ઘણા શક્તિવાળા છે અને માત્ર ન્યાયમાર્ગમાં રહીને ધર્મપૂર્વક જ યુદ્ધ કર્યા કરે છે.તેઓ ધર્મયુક્ત થઈને યુદ્ધમાંથી પાછા હટતા નથી,તે કારણથી જ તેઓનો વિજય થાય છે.'જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે' હે રાજન,આ કારણથી જ પાંડવોનો યુદ્ધમાં નાશ થતો નથી.તથા તેઓ જય પામ્યા જાય છે.અને તમારા પુત્રો તો દુષ્ટ છે ને પાપકર્મમાં જ આસક્ત રહેનારા છે,ક્રૂર છે તથા હીંકર્મોને કરનારા છે,તેથી જ તેઓ યુદ્ધમાં પરાજય પામે છે.નીચ મનુષ્યોની જેમ તેમણે ઘણાં ઘાતકી કર્મો કરેલાં છે જેને પાંડવોએ લક્ષ્યમાં લીધા નથી ને હંમેશાં છુપાવી રાખ્યા છે,છતાં તમારા પુત્રો તેમને માન આપતા નથી,પણ નીચ ગણે છે.
હે રાજન,સદા કરાતાં તે પાપી કર્મોનું ભયંકર ફળ હવે તમને પ્રાપ્ત થયું છે,તે તમે ભોગવો.કારણકે પોતાના સુહૃદ જનોએ તમને વાર્યા છતાં પણ તમે સમજ્યા નહિ.વિદુરે,ભીષ્મે,દ્રોણે તથા મેં તમને વારંવાર વાર્યા છતાં તમે તે વચનોનો અનાદર કર્યો અને જરા પણ સમજ્યા નહિ.માત્ર પોતાના પુત્રોના મત પર આધાર રાખીને,તે પાંડવોને હારેલા માન્યા.પાંડવોની જીતનું ખરું કારણ હું કહું છું તે તમે સાંભળો.તમે પૂછેલો પ્રશ્ન જ દુર્યોધને ભીષ્મને પૂછ્યો હતો.