દુર્યોધને કહ્યું-હે પિતામહ,દ્રોણ,તમે,શલ્ય,કૃપ,અશ્વત્થામા,કૃતવર્મા,શલ્ય,સુદક્ષિણ,ભૂરિશ્રવા,વિકર્ણ,ભગદત્ત આદિ મહારથી તરીકે પ્રસિદ્ધ છો.તમે બધા ત્રણે લોકને પણ પુરા પડી શકો તેમ છો,છતાં પાંડવોની સામે પરાક્રમ કરવામાં કેમ ટકી શકતા નથી?આ બાબતમાં મને મોટી શંકા ઉત્પન્ન થઇ છે.પાંડવોમાં એવું શું રહેલું છે?કે તેઓ ક્ષણેક્ષણે જીતી જાય છે?'
ભીષ્મે કહ્યું-'હે કૌરવરાજ,મેં તને વારંવાર કહેલું છે કે પાંડવો સાથે સલાહ કર,તે જ કલ્યાણકારક છે' પણ તેં માન્યું નથી ને તેં પાંડવોનું અપમાન કર્યું છે,તેનું આ ફળ તને પ્રાપ્ત થયું છે.આ પૃથ્વી પર તેવો કોઈ મનુષ્ય થયો નથી કે જે કૃષ્ણના તળે રહેલા પાંડવોને જીતે.શુદ્ધાત્મા મુનિઓએ મને એક યથાર્થ એવું પ્રાચીન વૃતાંત કહેલું છે તે તું સાંભળ.
પૂર્વે સર્વ દેવો અને ઋષિઓ સાથે મળીને એક દિવસે ગંધમાદન પર્વત પર બ્રહ્માની પાસે બેઠેલા હતા અને તેમની સેવા કરતા હતા.તે સમયે બ્રહ્માએ દેદીપ્યમાન કાંતિવાળું એક વિમાન આકાશમાં રહેલું જોયું.ત્યારે ધ્યાન કરીને 'આ શું છે?' તે જાણી લઈને બ્રહ્માએ,ઉભા થઈને હાથ જોડીને તે પરમ પુરુષ પરમાત્માને નમસ્કાર કર્યા.ઋષિઓ અને દેવો આશ્ચર્યને જોવા લાગ્યા.
આત્મતત્વને જાણનારાઓમાં શ્રેષ્ઠ-જગતસ્ત્રષ્ટા બ્રહ્મા,તે પરમાત્માનું વિધિપૂર્વક પૂજન કરી સ્તુતિ કરવા લાગ્યા.
'આપ વિશ્વાવસુ,વિશ્વમૂર્તિ,વિશ્વના સ્વામી,વિશ્વકસેન,વિશ્વકર્મા,વશી,વિશ્વેશ્વર,વાસુદેવ અને યોગાત્મા છો,માટે પરમ દૈવતરૂપ એવા તમને હું શરણે આવ્યો છું.હે,જગતના મોટા દેવ,લોકોના હિતમાં આસક્ત રહેનાર,યોગીઓના ઈશ્વર,વિભો,યોગના પારને પહોંચનાર,પદ્મગર્ભ,વિશાળ આંખોવાળા,લોકના ઈશ્વરના પણ ઈશ્વર,ભૂત-ભવિષ્ય-વર્તમાનના નાથ,સૌમ્ય સ્વરૂપ,આત્માથી ઉત્પન્ન થનાર,અસંખ્ય ગુણોના ધારક,સર્વના આધાર,નારાયણ,પાર પામવાને અશક્ય,હે સારંગ (सारङ्ग )ધનુષ્યધારી,
સર્વગુણસંપન્ન,વિશ્વમૂર્તિ,નિરામય,જગતના ઈશ્વર,મહાબાહુ,શેષનાગ સ્વરૂપ-પ્રભુ તમારો જય થાઓ.
હે,હૃષિકેશ,દિશાઓના સ્વામી,જગતના વાસ,અમિત,અવિકારી,વ્યક્ત સ્વરૂપ,અવ્યક્ત સ્વરૂપ,અમાપ સ્થાનવાળા,ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર,સત્ક્રિયાવાળા,અસંખ્યેય,આત્મભાવને જાણનાર-તમારો જય થાઓ.હે,અનંત,વેદોને જાણનારા,નિત્ય ભૂતોને ઉત્પન્ન કરનાર,સર્વ કાર્યના કરનારા,કૃતપ્રજ્ઞ,ધર્મને જાણનાર,વિજયને કરનાર,ગુહ્ય સ્વરૂપવાળા,યોગસ્વરૂપ,લોકતત્વના સ્વામી,
સ્વયંભૂ,મહાભાગ,સૃષ્ટિનો સંહાર કરવામાં તત્પર,ઉત્પત્તિ કરનાર,મનોભાવ-તમારો જય થાઓ.હે,ઈચ્છાઓના નાથ,પરમેશ્વર,
અમૃતથી ઉત્પન્ન થનાર,સદ્દભાવવાળા,મુક્તાત્મા,વિજય આપનાર,પ્રજાપતિઓના પણ પતિ,પદ્મનાભ-તમારો જય થાઓ.
પૃથ્વીદેવી તમારા પગ છે,દિશાઓ તમારા બાહુ છે,આકાશ તમારું મસ્તક છે,અહંકાર તમારી મૂર્તિ છે,દેવતાઓ તમારી કાયા છે,
ચંદ્રસૂર્ય તમારાં ચક્ષુ છે,તપ-સત્ય અને ધાર્મિક કર્મ-તમારા બળસ્વરૂપ છે,અગ્નિ તમારું તેજ છે,પવન શ્વાસ છે,જળ તમારો પરસેવો છે,બે અશ્વિનીકુમાર તમારા કાન સ્વરૂપે છે,દેવી સરસ્વતી તમારી જીભ છે,વેદો તમારું જ્ઞાન છે,આ જગત તમારે આશ્રયે રહેલું છે.હે,ઈશ્વર,તમારી સંખ્યા,માપ,તેજ,પરાક્રમ,બળ અને ઉત્પત્તિને અમે જાણી શકતા નથી.
હે દેવ,તમારી ભક્તિમાં આસક્ત રહેલા અમે નિયમપૂર્વક તમારો આશ્રય કરીએ છીએ.હે વિષ્ણો,પરમ ઈશ્વર ને મહેશ્વર,એવા તમને અમે હંમેશાં પૂજીએ છીએ.હે પદ્મનાભ,વિશાલ નેત્રવાળા,કૃષ્ણ,દુઃખોનો નાશ કરનાર,ઋષિઓ,દેવો,
ગંધર્વો,યક્ષો,રાક્ષસો,સર્પો,પિશાચો,મનુષ્યો,મૃગો,પક્ષીઓ,સરીસૃપો વગેરે ભૂતવર્ગને તમારી કૃપાથી જ મેં આ પૃથ્વીમાં ઉત્પન્ન કર્યા છે.હે દેવોના ઈશ્વર,તમે સર્વ ભૂતોનું શરણ છો,તમે સર્વના નેતા છો,તમે જગતના ગુરુ છો અને તમારા પ્રસાદથી જ દેવતાઓ સુખી છે,પૃથ્વી નિર્ભય થઈને રહેલી છે,માટે હે ભગવન,તમે યદુવંશની વૃદ્ધિ પમાડનાર તરીકે અવતાર લો.હે વિભો,ધર્મને સ્થાપવા માટે,દૈત્યોના નાશ કરવા માટે તથા જગતને ધારણ કરવા માટે મારી વિનંતીને સ્વીકારો (68)
હે વાસુદેવ,તમારા પ્રસાદથી જ મેં આ ગુહ્ય સ્તવનનું યથાર્થ સ્વરૂપે ગાન કરેલું છે.તમે પોતે જ પોતાના આત્મા વડે સંકર્ષણ દેવને સરજીને કૃષ્ણ સ્વરૂપે થયા છો.પ્રદ્યુમ્નને અને પ્રદ્યુમ્નથી અનિરુદ્ધને તમે જ ઉત્પન્ન કર્યા છે,કે જેને લોકો અવિનાશી વિષ્ણુ સ્વરૂપે ઓળખે છે,અને અનિરુદ્ધે (વિષ્ણુએ) લોકને ધારણ કરનાર બ્રહ્માસ્વરૂપે મને ઉત્પન્ન કર્યો.હું પણ વાસુદેવ સ્વરૂપ જ છું,તમે જ મને ઉત્પન્ન કર્યો છે.હે વિભો,એવી રીતે જ આત્માનો વિભાગ કરીને તમે મનુષ્યપણાને પામો.ત્યાં સર્વ લોકને સુખ કરવા માટે અસુરોનો વધ કરીને ધર્મ,યશ અને તાત્વિક યોગને પામો.હે અમિત પરાક્રમી,મનુષ્યલોકમાં બ્રહ્મર્ષિઓ અને દેવો તમારાં તે તે નામોથી પરમાત્મસ્વરૂપ એવા તમારું ગાન કરશે.હે સુબાહો,વરદ એવા તમારો આશ્રય કરીને સર્વ ભૂતસંઘો તમારામાં રહેલા છે,આદિ-મધ્ય-અંત વિનાના તથા પર ઐશ્વર્યવાળા તમને બ્રાહ્મણો લોકના સેતુરૂપે કહે છે.
અધ્યાય-65-સમાપ્ત