Oct 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-947

 

અધ્યાય-૬૬-વિશ્વોપાખ્યાન(ચાલુ)


॥ भीष्म उवाच ॥ ततः स भगवान देवो लोकानामीश्वरेश्वर: I ब्रह्माणं प्रत्युवाचेदं स्निग्धगम्भीरया गिरा ॥१॥ 

ભીષ્મએ કહ્યું-હે દુર્યોધન,ત્યાર પછી,લોકોના ઈશ્વરના પણ ઈશ્વરે તે ભગવાને સ્નિગ્ધ અને ગંભીર વાણીથી બ્રહ્માને કહ્યું-

'હે તાત,તારા મનનું ઈચ્છીત મેં યોગબળથી જાણી લીધું હતું.તે તારું વાંછિત પૂર્ણ થશે' આમ કહી ભગવાન ત્યાં જ અંતર્ધાન થયા.પછી,ત્યાં રહેલા દેવો અનેરૂષિઓ ઘણા આતુર થઈને બ્રહ્માને પૂછવા લાગ્યા કે-'આપે કોને વિનયપૂર્વક પ્રણામ કર્યા?ને વરિષ્ઠ વાણીથી કોની સ્તુતિ કરી?તે અમે સાંભળવા ઇચ્છીએ છીએ'ત્યારે પિતામહ બ્રહ્મા તે સર્વને કહેવા લાગ્યા કે-

'જે ઉત્કૃષ્ટ એવા 'તત' પદરૂપે છે,જે ભૂત-ભવિષ્ય-વર્તમાન રૂપે છે,જે સર્વ ભૂતોના આત્મારૂપે છે અને જે પરમ પદરૂપ પરબ્રહ્મ છે,તે એ પરમાત્મા હતા.પ્રસન્ન એવા તે પરમાત્માની સ્તુતિ કરીને,જગતના કલ્યાણ માટે મેં એ જગતપતિ પાસે યાચના કરી કે-

'વાસુદેવ' એવું નામ ધારણ કરીને તમે મનુષ્યલોકમાં અવતાર ધારણ કરો અને અસુરોનો સંહાર કરો.પૂર્વે જેઓ સંગ્રામમાં મરેલા મહાબળવાન દૈત્યો,દાનવો અને રાક્ષસો હતા તેઓ જ હાલમાં ઘોર સ્વરૂપ ધારણ કરીને મનુષ્યલોકમાં ઉત્પન્ન થયા છે,તેઓનો સંહાર કરવા માટે 'વશી'એવા ભગવાન,મનુષ્યદેહનો આશ્રય કરીને નરની સાથે પૃથ્વી પર વિચરશે.જેઓ પુરાણઋષિ,નરનારાયણ કહેવાય છે તે બંને મનુષ્યલોકમાં ઉત્પન્ન થયા છે.યુદ્ધમાં સર્વ દેવો એકઠા થાય તો પણ સાવધાન એવા બંનેને જીતી શકાય નહિ.


અજ્ઞાનથી મૂઢ થયેલા મનુષ્યો એ નરનારાયણને જાણી શકતા નથી.સર્વ જગતનો પ્રભુ,હું,તેનો જ્યેષ્ઠ પુત્ર છું.માટે હે દેવો,સર્વ લોકના મહેશ્વર તે વાસુદેવને તમારે પૂજવા જોઈએ.શંખ,ચક્ર,ગદાને ધારણ કરનાર એ વાસુદેવનું 'આ સાધારણ મનુષ્ય છે'એમ માનીને કદી પણ અપમાન કરવું નહિ.એ પરમ ગુહ્ય છે,એ પરમ પદ છે,એ પરબ્રહ્મ છે,એ પરમ યશ છે,એ અક્ષરસ્વરૂપ છે,એ અવ્યક્ત સ્વરૂપ છે,એ શાશ્વત તેજરૂપ છે,એ જ પરમ પુરુષ છે જેનો સાક્ષાત્કાર કરાય છે,એ પરમ જ્યોતિરૂપ ને સુખ સ્વરૂપ છે અને વિશ્વકર્માએ એમને જ પરમ સત્યરૂપે કહેલા છે.માટે ઇન્દ્રસહીત સર્વ દેવોએ તથા સર્વ લોકોએ,તે વાસુદેવ પ્રભુનું,મનુષ્ય ધરીને અપમાન કરવું નહિ.જે મંદ બુદ્ધિવાળો પુરુષ એ વાસુદેવને માત્ર મનુષ્ય તરીકે કહે છે ને તેમની અવજ્ઞા કરે છે તેને લોકો તામસ કહે છે.જે પુરુષ,ચરાચર જગતના આત્મારૂપ તથા શ્રીવત્સના લાંછનવાળા એવા પરમ તેજસ્વી પદ્મનાભ દેવને જાણતો નથી તેને વિદ્વાનો તામસ કહે છે,કિરીટ અને કૌસ્તુભને ધારણ કરવાવાળા તથા મિત્રોને અભય આપનારા મહાત્મા વાસુદેવનું જે અપમાન કરે છે તે ઘોર નરકમાં પડે છે.આ લોકના ઈશ્વરના ઈશ્વર એ વાસુદેવને સર્વ લોકોએ નમસ્કાર કરવા જોઈએ.'


હે દુર્યોધન,ઋષિઓને અને દેવોને એ પ્રમાણે કહીને બ્રહ્મા પોતાના સ્થાનકે ગયા.આ પુરાણ ઇતિહાસને,વાસુદેવની કથા કરતા શુદ્ધાત્મા ઋષિઓની સભામાં મેં સાંભળેલો છે.પરશુરામ,માર્કંડેય,વ્યાસ અને નારદ પાસેથી પણ મેં એ પ્રમાણે જ સાંભળેલું છે.આ સાંભળીને સર્વ જગતના પિતા બ્રહ્મા જેના પુત્ર છે એવા લોકોના ઈશ્વરેશ્વર અવિનાશી એવા વાસુદેવને કેમ ન પૂજવા?

હે તાત,મુનિઓએ અને મેં તને ઘણી વખત વાર્યો છે કે એ વાસુદેવ સામે તું યુદ્ધ કરવા ન જા.છતાં તું સમજ્યો નહિ તેથી હું તને રાક્ષસ જ માનું છું ને અજ્ઞાનથી વીંટાયેલો ક્રૂર માનું છું.કારણકે નરનારાયણ એવા કૃષ્ણ અને અર્જુનનો તું દ્વેષ કરે છે.


હું તને કહું છું કે-એ કૃષ્ણ,અવિનાશી,શાશ્વત,સર્વલોકમય,નિત્ય,સર્વના શાસન કરનાર,પૃથ્વીને ધારણ કરનારા પરમાત્મા છે.

એ શ્રીકૃષ્ણ સર્વમય છે,રાગદ્વેષ રહિત છે,જ્યાં કૃષ્ણ હોય છે ત્યાં ધર્મ પણ હોય છે અને જ્યાં ધર્મ છે ત્યાં જય જ છે.

એ કૃષ્ણના માહાત્મ્યથી તથા તેમના યોગબળથી પાંડવોનું રક્ષણ થાય છે,ને જય પણ તેમનો જ થશે.

જેના સંબંધમાં તું મને પૂછે છે તે આ શ્રીકૃષ્ણ શાશ્વત,દેવ,સર્વ ગુહ્યમય,શિવ એવા વાસુદેવ જ છે-તેમ તારે જાણવું.


પોતપોતાના ગુણથી પ્રખ્યાત થયેલા બ્રાહ્મણો,વૈશ્યો,ક્ષત્રિયો અને શુદ્રો-નિત્ય યુક્ત થઈને પોતપોતાનાં કર્મો વડે એ શ્રીકૃષ્ણને જ સેવે છે ને પૂજે છે.દ્વાપરયુગના અંતમાં તથા કળિયુગના આરંભમાં નારદપાંચરાત્રાગમ પદ્ધતિને અનુસરીને સંકર્ષણ ભગવાને પોતે જ આ વાસુદેવની સ્તુતિ કરી હતી.તે જ આ વાસુદેવ શ્રીકૃષ્ણ,પ્રત્યેક યુગમાં દેવો અને મનુષ્યોને ઉત્પન્ન કરે છે.(41)

અધ્યાય-66-સમાપ્ત