Oct 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-948

 

અધ્યાય-૬૭-વિશ્વોપાખ્યાન (ચાલુ)


॥ दुर्योधन उवाच ॥ वासुदेवो महद्भूतं सर्वलोकेन कथ्यते I तस्यागमं प्रतिष्ठां च ज्ञातमिच्छे पितामह ॥१॥ 

દુર્યોધને કહ્યું-હે ભીષ્મ પિતામહ,વાસુદેવ શ્રીકૃષ્ણ,સર્વલોકમાં મહાન પુરુષ કહેવાય છે 

તો હું તેમની ઉત્પત્તિ સ્થિતિને જાણવા ઈચ્છું છું.


ભીષ્મે કહ્યું-એ વાસુદેવ મહાઅદભુત પુરુષ છે.એ સર્વ દેવના પણ દેવ છે.એ પુંડરીકાક્ષ સિવાય બીજું આ જગતમાં કંઈ જ દેખાતું નથી.માર્કંડેય ઋષિ એ ગોવિંદના સંબંધમાં મહા અદભુત વર્ણન કરે છે-'સર્વ ભૂતોના આધારરૂપ મહાત્મા પુરુષોત્તમ,સર્વ ભૂતોનો આધાર છે.જળ,વાયુ અને તેજને એમણે ઉત્પન્ન કાર્ય છે તથા સર્વ લોકના ઈશ્વર એવા એ પ્રભુએ પૃથ્વીને પણ ઉત્પન્ન કરી છે.એ પુરુષોત્તમે પૂર્વે પોતાના યોગબળ વડે જળની અંદર શયન કર્યું હતું.તેમણે મુખથી અગ્નિને ઉત્પન્ન કર્યો છે,શ્વાસોશ્વાસમાંથી વાયુને ઉત્પન્ન કર્યો છે ને મનથી સરસ્વતી ને વેદોને ઉત્પન્ન કર્યા છે.

એ ભગવાને જ સૃષ્ટિના આદિમાં સર્વ દેવોને,લોકોને તથા ઋષિઓને ઉત્પન્ન કર્યા છે અને પ્રજાઓના નિધન-મૃત્યુ,ઉત્પત્તિ અને નાશને પણ તેમણે જ ઉત્પન્ન કર્યા છે.વળી,એ વાસુદેવ ધર્મસ્વરૂપ છે,ધર્મને જાણનાર છે,વરદાનોને આપનાર છે,સર્વ ઈચ્છાઓને પૂર્ણ કરનાર છે.એ જ કર્તા અને કાર્યરૂપ છે,આદિદેવ છે અને સ્વયંભૂ છે.એ જનાર્દન ભગવાને જ ભૂત-ભવિષ્ય-વર્તમાન એ ત્રણે કાળોને પૂર્વકાળથી ઉત્પન્ન કર્યા છે.તથા બે સંધ્યાઓ,દિશાઓ,આકાશ અને સર્વ નિયમોને પણ તેમણે જ સર્જેલા છે.


એ પ્રભુએ,જગતના સ્ત્રષ્ટા બ્રહ્માને ને સર્વ ભૂતોના આદિમાં થયેલા સંકર્ષણને પણ ઉત્પન્ન કર્યા છે.દેવના દેવ સનાતન નારાયણ ઉત્પન્ન થયા.એ નારાયણની નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું.સર્વ લોકના કારણભૂત એ કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા કે જે બ્રહ્માથી આ બધી પ્રજાઓ ઉત્પન્ન થયેલી છે.વિશ્વરૂપી એવા શેષનાગને પણ એ વાસુદેવે જ ઉત્પન્ન કર્યા છે,કે જે શેષનાગ સર્વ ભૂતોને તથા પર્વતો સહિત  આ પૃથ્વીને ધારણ કરી રાખે છે.એવા આ વાસુદેવને બ્રાહ્મણો ધ્યાનયોગથી જાણી શકે છે.


વળી,એ પુરુષોત્તમ ભગવાને પૂર્વના સમયમાં કાનના મેલમાંથી ઉત્પન્ન થયેલા ઉગ્ર સ્વરૂપવાળા,બ્રહ્માનો નાશ કરવા માટે તત્પર થયેલા મધુ નામના દૈત્યને બ્રહ્મા તરફથી સત્કાર મેળવવા માટે હણ્યો હતો.કે જેથી તેઓ મધુસુદન તરીકે ઓળખાય છે.

એ પ્રભુ,વરાહ સ્વરૂપે,નૃસિંહ સ્વરૂપે અને ત્રિવિક્રમ સ્વરૂપે (વામનાવતારી ભગવાન ઉપેન્દ્ર) થયા હતા.વળી,એ હરિ,સર્વ પ્રાણીઓના માતા પિતા છે.કમળ સમાન નેત્રવાળા એ ભગવાનથી ઉત્તમ એવી બીજી વસ્તુ થઇ નથી અને થશે પણ નહિ.


એ ભગવને મુખથી સર્વ બ્રાહ્મણોને,બાહુઓમાંથી સર્વ ક્ષત્રિયોને,સાથળોમાંથી વૈશ્યોને અને શુદ્રોને પાદમાંથી ઉત્પન્ન કર્યા છે.અને હે રાજન,એ દેવ તપશ્ચર્યા વડે સર્વ પ્રાણીઓને આધાર આપે છે.પરબ્રહ્મ ને યોગ સ્વરૂપ એવા એ કેશવને જે પુરુષ અમાવાસ્યા ને પૂર્ણિમાને દિવસે સેવે છે તે એમના મહાન પદને પામે છે.એ કેશવ જ્યોતિરૂપ છે સર્વ લોકના પિતામહ છે અને સર્વ ઈંદ્રિયોના નિયંતા છે એમ સર્વ મુનિઓ કહે છે.આ પ્રમાણે શ્રીકૃષ્ણને તું આચાર્ય,પિતા અને ગુરુ તરીકે જાણ,કારણકે જેના પર કૃષ્ણ પ્રસન્ન થાય છે એણે અક્ષયલોકને જીત્યા એમ જ સમજવું.જે પુરુષ સંકટના સમયમાં આ ભગવાનના ગુણગાનરૂપ સ્તોત્રને ભણતો એ કેશવને શરણે જાય છે તે પુરુષ કલ્યાણવાળો ને સુખી થાય છે.


જે મનુષ્યો કૃષ્ણને શરણે જાય છે તેઓને કદી મોહ થતો નથી અને વળી,તેઓ મોટા ભયમાં આવી પડ્યા હશે તો પણ જનાર્દન શ્રીકૃષ્ણ તેઓનું રક્ષણ કરશે.એ જગતના ઈશ્વર કેશવને યુધિષ્ઠિર સર્વ પ્રકારે જાણી ગયા છે અને તેમને શરણે ગયા છે (25)

અધ્યાય-67-સમાપ્ત