અધ્યાય-૬૮-વિશ્વોપાખ્યાન-કેશવ સ્તવન
॥ भीष्म उवाच ॥ शृणु चेदं महाराज ब्रह्मभूतं स्तवं मम I ब्रह्मर्षिमिश्च वेदैश्च यः पुराकणितो भुवि ॥१॥
ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,એ વાસુદેવની 'બ્રહ્મરૂપ સ્તુતિ' મારી પાસેથી તું સાંભળ.પૂર્વના સમયમાં બ્રહ્મર્ષિઓ અને દેવોએ પૃથ્વી પર આ પ્રમાણે સ્તુતિ કરી હતી.'હે લોકોને ઉત્પન્ન કરનાર,હે ભાવને જાણનાર,તમે સાધ્યદેવોના અને બીજા સર્વ દેવોના પણ દેવ છો અને ઈશ્વર છો'-એમ નારદે કહેલું છે.'તમે ભૂત-ભવિષ્ય અને વર્તમાન સ્વરૂપ છો'-એમ માર્કંડેયે કહેલું છે.
'તમે યજ્ઞના પણ યજ્ઞ છો,તપના પણ તપ છો દેવના પણ દેવ છો'-એમ ભૃગુઋષિ કહે છે.
'વિષ્ણુનું પુરાણ પરમસ્વરૂપ-તે પણ તમે છો,વસુઓમાં વાસુદેવરૂપે છો,ઇન્દ્રને સ્થાપનાર તથા દેવના દેવ તમે છો' એમ દ્વૈપાયન ઋષિએ કહેલું છે.'પૂર્વકાળની પ્રજાસૃષ્ટિમાં સર્વ લોકના સ્ત્રષ્ટા જે દક્ષ પ્રજાપતિ છે તે પણ તમે જ છો'એમ અંગિરાઋષિ કહે છે.'અવ્યક્ત તમારા શરીરમાંથી ઉત્પન્ન થયું છે અને વ્યક્ત તમારા મનમાં રહેલું છે.સર્વ દેવતાઓ તમારામાંથી જ ઉત્પન્ન થયા છે' એમ દેવલ ઋષિ કહે છે.અસિત ઋષિ કહે છે કે-'તમારા મસ્તકથી આકાશ વ્યાપ્ત થયું છે,તમારા બાહુઓથી પૃથ્વી વ્યાપ્ત છે અને ત્રિલોકી તે તમારા જઠર (પેટ)સ્વરૂપે છે તથા તમે સનાતન પુરુષ છો.આત્મદર્શનથી તૃપ્ત થયેલા ઋષિઓમાં તમે શ્રેષ્ઠ ઋષિ સ્વરૂપ છો,તપથી જેઓનો અંતરાત્મા શુદ્ધ થયો છે તેવા પુરુષો તમને એ પ્રમાણે જાણી શકે છે.હે મધુસુદન,યુદ્ધમાં પાછા પગ નહિ કરનારા તથા સર્વ ધાર્મિક કૃત્યોમાં પ્રધાન રહેનારા ઉદાર રાજર્ષિઓની ગતિ પણ તમે જ છો.'
આ પ્રમાણે યોગને જાણનારા સનતકુમાર આદિ મુનિઓ ભગવાન પુરુષોત્તમ હરિને સદાકાળ સ્તવે છે અને પૂજે છે.
આવી રીતે કેશવ ભગવાનનો વિસ્તાર અને સંક્ષેપ યથાર્થ સ્વરૂપે મેં તને કહી સંભળાવ્યો માટે તું કેશવનું ભજન કર.
સંજયે કહ્યું-હે મહારાજ ધૃતરાષ્ટ્ર,એ પ્રમાણે આખ્યાન સાંભળીને તમારો પુત્ર દુર્યોધન,કૃષ્ણને તથા પાંડવોને ઘણું માન આપવા લાગ્યો.તે પછી ભીષ્મ ફરી પણ દુર્યોધનને આ પ્રમાણે કહેવા લાગ્યા.'હે રાજન,તેં મને જેના સંબંધમાં પૂછ્યું હતું તે મહાત્મા નારાયણ કૃષ્ણનું અને નરસ્વરૂપ અર્જુનનું તાત્વિક માહાત્મ્ય તે સાંભળ્યું ને? તથા ઋષિ નર-નારાયણ જે કારણથી મનુષ્ય સ્વરૂપે ઉત્પન્ન થયા છે તે પણ તેં સાંભળ્યું ને? જે કારણથી અર્જુન અને શ્રીકૃષ્ણ અવધ્ય છે,અપરાજિત છે બે પાંડવો યુદ્ધમાં કોઈનાથી નાશ કરી શકાય તેવા છે,તે કારણને બરાબર સાંભળ્યું ને?શ્રીકૃષ્ણને પાંડવો પર વિશેષ પ્રીતિ છે,માટે હું તને કહું છું કે પાંડવોની સાથે સલાહ કર.અને પછી,પાંડવો સહીત તારા ભાઈઓ સાથે મનોવિકારને વશ રાખીને પૃથ્વીને ભોગવ.પણ જો તું આ નરનારાયણનું અપમાન કરીશ તો તારો નાશ થવાનો છે તે નક્કી જ છે.એમ સમજજે.(18)
આમ કહીને ભીષ્મ શાંત થયા ને દુર્યોધનને રજા આપીને શયનગૃહમાં ગયા.દુર્યોધન પણ ત્યાંથી પોતાના તંબુમાં ગયો.
અધ્યાય-68-સમાપ્ત