Oct 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-956

 

અધ્યાય-૭૫-છઠ્ઠો દિવસ-મકર વ્યૂહ ને ક્રૌંન્ચ વ્યૂહ 


॥ संजय उवाच ॥ ते विश्रग्नततो राजन सहिताः कुरुपांडवा I ततोतायं तु सर्वर्या पुनर्युद्वाय् निर्ययुः ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજા,આખી રાત વિશ્રાંતિ લઈને,કૌરવોએ તથા પાંડવોએ તે રાત ગાળી.પછી,સવાર થતાં ફરી યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા.તે વખતે,તમારાં તથા પાંડવોનાં સૈન્યોમાં સજ્જ કરતા રથોનો,તૈયાર કરાતા હાથીઓનો,કવચો ધારણ કરતા પાળાઓનો,તથા તૈયાર કરતા ઘોડાઓનો મહાન શબ્દ થઇ રહ્યો.ત્યારે યુધિષ્ઠિરના કહેવાથી,ધૃષ્ટદ્યુમ્ને મકરવ્યૂહ રચ્યો.

તે વ્યૂહના શિરોભાગમાં દ્રુપદરાજા અને અર્જુન,મુખસ્થાનમાં ભીમ ઉભો રહ્યો.અભિમન્યુ,દ્રૌપદીના પુત્રો,ઘટોત્કચ,સાત્યકિ ને યુધિષ્ઠિર ગ્રીવાસ્થાનમાં,વિરાટરાજા ને ધૃષ્ટદ્યુમ્ન પીઠના ભાગમાં,કેકેયદેશના પાંચ ભાઈઓ ડાબા પડખામાં,ધૃષ્ટકેતુ અને ચેકિતાન જમણા પડખામાં તથા કુંતીભોજ અને શતાનીક રાજા પગના સ્થાનમાં,શિખંડી અને ઈરાવાન પુચ્છ ભાગમાં ઉભા રહ્યા.

આ પ્રમાણે મકરવ્યૂહની રચના કરીને સર્વ પાંડવો સૂર્યોદય થતાં યુદ્ધ કરવા માટે સજ્જ થઇ,હાથી ઘોડા,રથ ને હથિયારો સજીને વેગથી કૌરવો સામા જવા લાગ્યા.સામે ભીષ્મપિતામહે ક્રૌંન્ચ વ્યૂહની રચના કરી.કે જેના મુખ સ્થાનમાં દ્રોણાચાર્ય,અશ્વત્થામા ને કૃપાચાર્ય ચક્ષુ સ્થાનમાં,કૃતવર્મા ને કાંમ્બોજ યોદ્ધાઓ શિરોભાગમાં,શૂરસેન અને દુર્યોધન ગ્રીવાના સ્થાનમાં,સૌવીર-ભદ્ર યોદ્ધાઓથી વીંટાયેલો પ્રાગ્જ્યોતિષ રાજા છાતીના ભાગમાં,સુશર્મા ડાબી પાંખમાં,તુષારો-યવનો-શકો-આદિ જમણી પાંખમાં,તથા શ્રુતાયુષ,શતાયુષ અને ભૂરિશ્રવા જાંઘનું રક્ષણ કરતા ગોઠવાઈ ગયા ને આ સર્વે યુદ્ધ કરવા જવા લાગ્યા.


તે મહારણમાં,ઘોડેસ્વારો ઘોડેસ્વાર સામા,રથીઓ હાથીસ્વારો સામા,હાથીસ્વારો રથીઓ સામા,ઘોડેસ્વારો રથીઓ સામા,રથીઓ પાળાઓ સામા,ઘોડેસ્વારો પાળાઓ સામા ક્રોધાવેશમાં થઈને ધસી જતા હતા.પાંડવો અને બીજા મહારથીઓથી રક્ષાયેલી પાંડવોની સેનાએ નક્ષત્રો સહીત રાત્રીના સરખી શોભી રહી હતી,તેમ જ ભીષ્મ,દ્રોણ આદિથી વીંટાયેલી કૌરવોની સેના પણ ગ્રહોથી વીંટાયેલા આકાશ સમાન શોભતી હતી.ભીમસેન,દ્રોણાચાર્યની સેના સામે ધસ્યો,ત્યારે દ્રોણે નવ બાણો મૂકી ભીમસેનને વીંધ્યો.ઘાયલ થયેલા ભીમે,દ્રોણના સારથિને મારી નાખ્યો એટલે દ્રોણે પોતે લગામ હાથમાં લઈને પાંડવોની સેનાનો નાશ કરવા મંડ્યો.એ પ્રમાણે દ્રોણ અને ભીષ્મથી વધ કરાતા સૃજયો અને કેકયો નાસભાગ કરવા લાગ્યા.


હે રાજન,તે જ રીતે ભીમ અને અર્જુન વડે વધ કરાતી તમારી સેનામાં પણ ભાગદોડ મચી રહી હતી.અનેક યોદ્ધાઓનો સંહાર થતા,બંને તરફની વ્યૂહરચના તૂટી ગઈ ને સેળભેળ થઇ ગઈ.તે વખતે તમારા અને શત્રુઓના યોદ્ધાઓ એકત્રિત થઈને જે યુદ્ધ કરતા હતા તે જોઈને અમોને ઘણું આશ્ચર્ય લાગતું હતું.એકબીજાના અસ્ત્રોનું નિવારણ કરીને,મહાબળવાન એવા કૌરવો અને પાંડવો સામસામા જીવ પર આવી જઈને યુદ્ધ કરતા હતા (37)

અધ્યાય-75-સમાપ્ત