અધ્યાય-૭૭-છઠ્ઠો દિવસ-સંકુલ યુદ્ધ-દ્રોણ પરાક્રમ
॥ संजय उवाच ॥ आत्मदोषात्वया राजन प्राप्तं व्यसनमिदशः I नहि दुर्योधनस्तानि पश्यते भरतर्षंम ॥१॥
સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ રાજા,તમે તમારા દોષથી જ આવું સંકટ પ્રાપ્ત કરેલું છે.અધર્મ કરવાથી જે દોષો પ્રાપ્ત થાય છે તે તમે જાણતા હતા,દુર્યોધન જાણતો ન હતો.તમારા દોષથી જ જુગાર રમાયો અને તમારા દોષથી જ પાંડવો સામે યુદ્ધનો પ્રારંભ થયો છે,તમે પોતે દોષ કર્યો છે તો હવે તેનું ફળ પણ તમે જ ભોગવો.કારણકે પોતે કરેલાં કર્મો પોતાને જ આ લોકમાં તથા મરણ પછી પરલોકમાં ભોગવવાં પડે છે.માટે તમને આ યોગ્ય જ ફળ મળેલું છે.ને મોટું સંકટ આવી પડ્યું છે.તો પણ હવે સ્થિર થાઓ અને મારી પાસેથી યુદ્ધ શી રીતે ચાલ્યું તેનું વૃતાંત સાંભળો.
સંગ્રામમાં ભીમસેન,તમારી સેનાને તીક્ષ્ણ બાણોથી વીંધી નાખીને જ્યાં દુર્યોધનના નાના ભાઈઓ ઉભા હતા ત્યાં આવી પહોંચ્યો.
દુઃશાસન,દુર્વિષહ,દુઃસહ,દુર્મદ,જય,જયત્સેન,વિકર્ણ,ચિત્રસેન,સુદર્શન,ચાહ્યુમિત્ર,સુવર્મા,દુષ્કર્ણ,કર્ણ-આદિ દુર્યોધનના ભાઈઓ તથા બીજા મહારથીઓ ક્રોધાતુર થઈને ઉભેલા હતા.ભીષ્મથી કૌરવોની સેના રક્ષિત છે એમ જાણવા છતાં પણ ભીમ,તમારી સેનામાં દાખલ થયો.તેને જોઈને બધા કૌરવો કહેવા લાગ્યા કે-'હે રાજાઓ,આપણે આજે ભીમને જીવતો જ પકડીએ'
આવો નિશ્ચય કરીને તે સર્વ ભાઈઓ અને બીજા યોદ્ધાઓએ ભીમને ચારે બાજુથી ઘેરી લીધો.
ત્યારે ભીમે,રથમાંથી ગદા લઈને ઉતરીને,કૌરવોના યોદ્ધાઓની જરા પણ દરકાર કર્યા વિના,તે સર્વને મારવા જ માંડ્યા.આ પ્રમાણે ભીમ સેનામાં પેઠો હતો ત્યારે ધૃષ્ટધુમ્ન પણ દ્રોણાચાર્યને છોડીને વેગપૂર્વક જ્યાં શકુનિ હતો ત્યાં ગયો ને ત્યાં રહેલી મોટી સેનાને હટાવી દીધી પછી,તે ભીમસેનના ખાલી રથ પાસે આવી પહોંચ્યો.રથમાં ભીમને ત્યાં ન જોયો એટલે ધૃષ્ટદ્યુમ્ન ઘણો જ વિહ્વળ થયો ને સારથી વિશોકને ભીમ વિષે પૂછવા લાગ્યો.સારથિએ કહ્યું કે ભીમ તો ગદા લઈને ચાલતો જ સેનાનો સંહાર કરી રહ્યો છે એટલે ધૃષ્ટદ્યુમ્ન તરત જ ભીમ પાસે કૌરવોની મધ્ય સેનામાં દોડી ગયો.
તે વેળા,ભીમની ગદાના પ્રહારથી કૌરવોના યોદ્ધાઓ ત્રાસ પામી રહ્યા હતા,છતાં તે સર્વે ભીમે ઘેરી લઈને તેના પર શસ્ત્રોની વૃષ્ટિ કરી રહ્યા હતા.ભીમને જોઈને ધૃષ્ટદ્યુમ્ન તેને ભેટી પડ્યો ને તેના શરીરમાંથી બાણો ખેંચી લઈને તેને તેના રથમાં બેસાડી દીધો.
અને બંનેએ ભેગા થઈને પાછું મહાયુદ્ધ શરુ કર્યું.ધૃષ્ટદ્યુમ્નને આવેલો જોઈને દુર્યોધનની આજ્ઞાથી બીજું અધિક સૈન્ય તેમની સામે આવી પહોંચ્યું.ને તેના સામે બાણોનો વરસાદ કરવા લાગ્યું.પણ ધૃષ્ટદ્યુમ્ને જરા પણ ગભરાયા વિના તેમની સામે યુદ્ધ ચાલુ રાખ્યું ને છેવટે તે સર્વેનો નાશ કરવાની ઈચ્છાથી 'પ્રમોહન'નામનું અસ્ત્ર તેણે યોજ્યું.જેના પ્રયોગથી કૌરવોના સૈનિકો મોહવશ થઇ ગયા ને કાળથી ઘેરાયેલા હોય તેવા બેભાન થયેલા તમારા પુત્રોને જોઈને દ્રોણાચાર્યે ત્રણ બાણ મૂકીને દ્રુપદ રાજાને વીંધી નાખ્યો.
