Page list

Dec 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-998

અધ્યાય-૧૧૪-દશમો દિવસ (ચાલુ)ભીમ અને અર્જુનનું પરાક્રમ 


॥ संजय उवाच ॥ अर्जुनस्तु रणे शल्यं यतमानं महारथम् I छादयामस समरे शरैः सन्नतप र्वभि: ॥१॥

સંજયે કહ્યું-એ સંગ્રામમાં પોતાને આગળ વધતો અટકાવવાને પ્રયત્ન કરતા શલ્યને,અર્જુને બાણો મૂકીને છાઈ દીધો.વળી,તેણે સુશર્મા,કૃપાચાર્ય,ભગદત્ત,જયદ્રથ,ચિત્રસેન,વિકર્ણ,કૃતવર્મા,દુર્મુર્ષણ અને અવંતીકુમારોને પણ બાણોથી વીંધી નાખ્યા.ત્યારે ચિત્રસેનના રથમાં બેઠેલા જયદ્રથે,સામે અર્જુન અને ભીમને વીંધ્યા.તે જ રીતે બીજા કૌરવ મહારથીઓએ પણ અર્જુન અને ભીમ સામે પ્રહાર કર્યો.એ ભયંકર યુદ્ધમાં થયેલો માનવ સંહાર અકલ્પનીય હતો.ને એ સંગ્રામમાં અર્જુન અને ભીમનું પરાક્રમ અદભુત હતું.અર્જુન એકલો જ બાણોનો વરસાદ વરસાવી ને તે સર્વ યોદ્ધાઓને અટકાવી રાખીને સંહાર કરતો હતો.

ત્યાર પછી,ભીમ અને અર્જુને કૌરવોની અતિ ઘોર સેનાને એકદમ નસાડી મૂકવા લાગ્યા.હે રાજન,તમારા પક્ષના રાજાઓએ અર્જુન ને ભીમ સામેનું યુદ્ધ છોડ્યું નહોતું.ને અર્જુન સામે અનેક બાણોનો પ્રહાર ચાલુ રાખ્યો હતો.અર્જુને તે સર્વ મહારથીઓને બાણોના વરસાદને ખાળી રાખ્યો હતો ને તેમાંના કેટલાકને મૃત્યુ નજીક જ પહોંચાડી દીધા હતા.જયારે શલ્યે,અર્જુનની છાતી પર ભલ્લ બાણોથી પ્રહાર કર્યો ત્યારે અર્જુને તેના ધનુષ્ય અને હાથમાં પહેરવાં કવચને કાપી નાખી,તેના મર્મસ્થાનમાં પ્રહાર કર્યો.

એટલામાં દુર્યોધનની આજ્ઞા થવાથી મગધરાજ (જયત્સેન) અને દ્રોણ ત્યાં આવી પહોંચ્યા.


જયારે તે મગધરાજે ભીમને સાઠ બાણોથી વીંધ્યો,ત્યારે સામે ભીમે તેના સારથિને ભલ્લ બાણ મારીને પટકી પાડ્યો,ને જેથી તે મગધરાજના રથના ઘોડા ભડક્યા અને ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યા,જેથી સર્વ સૈન્યના દેખાતા તે મગધરાજ ત્યાંથી પલાયન થઇ ગયો.દ્રોણાચાર્યે પણ ભીમ સામે પ્રહાર કર્યો,ત્યારે ભીમે પણ સામો જવાબ આપી તેમને વીંધ્યા.બીજી તરફ અર્જુને લોખંડી બાણોથી સુશર્માને વીંધી નાખીને તેના સૈન્યને વિખેરી નાખ્યું.એ જોઈને દુર્યોધન,બૃહદબલ અને ભીષ્મ અર્જુન સામે ધસી આવ્યા.તેમને જોઈને શૂરા પાંડવો અને ધૃષ્ટદ્યુમ્ન પણ શિખંડીને આગળ રાખી અને ભીષ્મ સામે યુદ્ધ કરવા લાગ્યા.


હે રાજન,એ વેળા તમારા પક્ષના યોદ્ધોને જીતવા માટે પાંડવોએ એ યુદ્ધભૂમિ પર સંગ્રામરૂપ જુગાર ખેલવાનો આરંભ  કર્યો કે જેમાં ભીષ્મ-રૂપ બાજી હતી.ધૃષ્ટદ્યુમ્ન પોતાના સર્વ સૈન્યને પાણી ચઢાવી રહ્યો  હતો કે-'હે મહારથીઓ,ભીષ્મ સામે ધસારો કરો,આજે તમારે લેશ પણ ડરવાનું નથી' પોતાના સેનાપતિનું વચન સાંભળીને  પોતાના પ્રાણની પણ દરકાર નહિ કરીને પાંડવોની સેનાએ એકદમ ભીષ્મ સામે ધસારો કર્યો.ને સામે ભીષ્મ પણ,જેમ,મહાસાગર તટને સ્વીકારે,તેમ,સામે ધસી આવતી સેનાને સ્વીકારવા,બરાબર સજ્જ થયા (47)

અધ્યાય-114-સમાપ્ત