અધ્યાય-૨૯-ભગદત્તનો વધ
II धृतराष्ट्र उवाच II तथा क्रुद्वः किंकरोद भगदत्तस्य पांडवः I प्राग्ज्योतिषो वा पार्थस्य तन्मे शंस यथातथम् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-અર્જુન જયારે તે પ્રમાણે કોપી ઉઠ્યો ત્યારે તેણે ભગદત્તને શું કર્યું?અને ભગદત્તે શું કર્યું?તે મને કહે.
સંજય બોલ્યો-ભગદત્ત સાથે યુદ્ધ કરવા આવેલા અર્જુન અને શ્રીકૃષ્ણને જોઈને સર્વ લોકો માની બેઠા કે-'આ બંને જણા મૃત્યુની દાઢમાં આવ્યા છે' હે મહારાજ,રથમાં બેઠેલા અર્જુન અને શ્રીકૃષ્ણ પર ભગદત્તે બાણોનો વરસાદ કર્યો ને તેમને વીંધી નાખ્યા.ત્યારે કોપેલા અર્જુને સામે તેના ધનુષ્યને કાપી નાખ્યું.ભગદત્તે ચૌદ તોમરો છોડ્યાં કે જેના અર્જુને ટુકડેટુકડા કરી નાખ્યા ને સામે બાણોનો મોટો ઢગ છોડીને તેના હાથીના કવચને તોડી નાખ્યું.હાથી અત્યંત ઘાયલ થયો.
ભગદત્તે હવે એક લોખંડી શક્તિ શ્રીકૃષ્ણ સામે ફેંકી,ત્યારે અર્જુને તેને છેદી નાખી અને અમે બાણો છોડીને તે રાજાના છત્ર અને ધ્વજને પણ છેદી નાખ્યાં અને બીજાં બાણોથી હાથીને પણ એકદમ વીંધી નાખ્યો.ક્રોધે ભરાયેલા ભગદત્તે અર્જુનના મસ્તક પર તોમરો છોડ્યાં કે જેથી અર્જુનનો મુકુટ ફરી ગયો.ત્યારે અર્જુને પોતાના મુકુટને બરાબર ગોઠવતાં કહ્યું કે-'તું આ લોકને છેલ્લી વાર બરાબર જોઈ લેજે' એમ કહી તેણે તેના ધનુષ્ય ને ભાથાઓને કાપી નાખી તેના મર્મસ્થાનોમાં પ્રહાર કર્યો.વ્યથા પામેલા ભગદત્તે હવે વૈષ્ણવાસ્ત્રને પ્રગટ કરવાની ઈચ્છાથી અંકુશને મંત્રીને ક્રોધ કરી અર્જુનની છાતી સામે ફેંક્યું.ભગદત્તે છોડેલું તે અસ્ત્ર સર્વનો નાશ કરી નાખે તેવું હતું તેથી કેશવે અર્જુનને ઢાંકી દઈને પોતાની છાતી પર ઝીલી લીધું.તે અસ્ત્ર કેશવના વક્ષઃસ્થળ પર આવીને વૈજયંતીમાળાના સ્વરૂપે થઇ ગયું.
તે જોઈને અર્જુને કેશવને કહ્યું કે-હે નિષ્પાપ,તમે કહ્યું હતું કે 'હું યુદ્ધ કરીશ નહિ' તો તમે તમારી પ્રતિજ્ઞાનું રક્ષણ કેમ ન કર્યું?જો હું અસ્ત્રોનું નિવારણ કરવામાં અસમર્થ હોઉં,કે કોઈ જાતના સંકટમાં આવી પડ્યો હોઉં તો તમારે મારુ રક્ષણ કરવું તે ઠીક છે પણ હું બરાબર સાવધ થઈને ઉભો છું તો તમારે આમ ન કરવું જોઈએ.જ્યાં સુધી મારા હાથમાં ધનુષ્યબાણ છે ત્યાં સુધી હું દેવો,દૈત્યો મનુષ્યો ને સર્વ લોકને જીતવા સમર્થ છું,તે તમે જાણો છો તો પછી તમે આમ કેમ કર્યું?'
ત્યારે વાસુદેવે કહ્યું કે-'હે અર્જુન,આ એક પૂર્વકાળની ગુહ્ય અને ઐતિહાસિક વાત છે તે તું સાંભળ.હું હંમેશાં,લોકોનું રક્ષણ કરવા માટે ચાર મૂર્તિ ધારણ કરીને સજ્જ રહું છું.મારા આત્માનો વિભાગ કરીને હું લોકોનું હિત કરું છું.મારી એક મૂર્તિ પૃથ્વી પર બદરિકાશ્રમમાં નારાયણ સ્વરૂપે તપશ્ચર્યા કર્યા કરે છે.પરમાત્મા સ્વરૂપ મારી બીજી મૂર્તિ જગત સારું કે કે નરસું જે કંઈ કર્મ કરે છે તેને સાક્ષી તરીકે જોયા કરે છે.ક્ષેત્રજ્ઞ (જીવ)રૂપ મારી ત્રીજી મૂર્તિ લોકનો આશ્રય કરીને માનુષી કર્મો કર્યા કરે છે ને મારી ચોથી જળશાયિની મૂર્તિ સમુદ્રમાં હજારો વર્ષની નિંદ્રા કરે છે.ને હજારો વર્ષ પછી તે જાગ્રત થાય છે તે સમયે વર આપવા યોગ્ય પોતાના ભક્તોને શ્રેષ્ઠ વરો આપે છે.
તે મારી ચોથી મૂર્તિને જાગ્રત થવાનો સમય જયારે આવી પહોંચ્યો ત્યારે પૃથ્વીદેવીએ પોતાના પુત્ર નરકાસુર માટે મારી પાસે જે વર માંગ્યો હતો તે તું સાંભળ.'મારો આ પુત્ર વૈષ્ણવાસ્ત્ર સંપન્ન થાય અને તે અસ્ત્રના પ્રભાવથી દેવો અને દાનવોથી પણ તે અવધ્ય થાય,આ વર આપવા તમે યોગ્ય છો' ત્યારે મેં તેને એ અમોઘ વૈષ્ણવાસ્ત્ર પ્રથમ આપ્યું અને પછીથી મેં એને કહ્યું કે-'આ મારુ અસ્ત્ર હંમેશા અમોઘ થાઓ,તે અસ્ત્ર નરકાસુરનું રક્ષણ કરશે અને તેને કોઈ મારી શકશે નહિ.આ અસ્ત્રથી રક્ષાયેલો તે દુરાધર્ષ રહેશે ને શત્રુઓના સૈન્યને પીડનારો થશે' એ અસ્ત્રના પ્રભાવથી નરકાસુર દુરાધર્ષ થઇ પડ્યો હતો.
હે પાર્થ,કાળે કરીને મારું તે અસ્ત્ર આ ભગદત્ત પાસે આવ્યું છે.ઇન્દ્ર અને રુદ્ર સાથેના આ લોકમાં એવો કોઈ એક પણ પુરુષ નથી કે આ વૈષ્ણવાસ્ત્રથી મરણ ન પામે.આથી જ મેં તારું રક્ષણ કરવા એને વચમાંથી જ ઝીલી લીધું છે.હવે એ ભગદત્ત તે પરમ અસ્ત્રથી રહિત થયો છે માટે તું તેનો સુખેથી વધ કર.પૂર્વે મેં લોકોના હિતને અર્થે જેમ નરકાસુરને માર્યો હતો તેમ તું આ તારા કટ્ટા શત્રુ ભગદત્તને મારી નાખ'
કેશવની આજ્ઞાથી અર્જુને તે ભગદત્તને બાણોથી છાઈ દીધો ને જરાય ગભરાયા વિના હાથીના ગંડસ્થળમાં નારાચ બાણોનો પ્રહાર કર્યો.તે બાણ તે હાથીના ગંડસ્થળમાં પેસી ગયું.પછી તે હાથી ભગદત્તની વારંવાર પ્રેરણા થયા છતાં તેનું વચન માનતો ન હતો.છેવટે તે પોતાનાં ગાત્રો સંકોચી લઈને દાંત વડે પૃથ્વીનો ટેકો લઇ ઉભો રહ્યો અને છેવટે મોટી દુઃખની ગર્જના કરીને તેણે પ્રાણ છોડી દીધા.પછી,શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે-'હે અર્જુન,આ ભગદત્ત અતિશય વયોવૃદ્ધ છે,એનાં નેત્રો કરચલીઓથી ઢંકાયેલાં રહે છે છતાં એ ઘણો શુરો છે અને અતિ દુર્જય છે.એ પોતાનાં નેત્રો ઉઘાડાં રહે તે માટે હંમેશા પાટો બાંધી રાખે છે તે પાટો પ્રથમ તોડી નાખ' એટલે અર્જુને તરત જ બાણથી તે પાટાને તોડી પાડ્યો,કે જેથી ભગદત્તના નેત્રો રૂંધાઇ ગયાં.
ભગદત્તને સર્વ અંધકારમય થયું,ત્યારે,અર્જુને અર્ધ ચંદ્રાકાર બાણ છોડીને તેનું હૃદય ચીરી નાખ્યું.એટલે તે ભગદત્ત હાથી પરથી પૃથ્વી પર ગબડી પડ્યો.આ પ્રમાણે ઇન્દ્રપુત્ર અર્જુને તે સંગ્રામમાં ઇન્દ્ર સમાન પરાક્રમવાળા અને ઇન્દ્રના મિત્ર એવા ભગદત્તને મારીને બીજા રાજાઓ પર પ્રહાર કરીને તેમને મારવા લાગ્યો.(51)
અધ્યાય-29-સમાપ્ત