Page list

Apr 23, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1113

 

અધ્યાય-૧૧૭-સાત્યકિનું પરાક્રમ 

 II संजय उवाच II काल्पमानेषु सैन्येषु शैनेयेन ततस्ततः I भारद्वाजः शरव्रातैर्महद्भि: समवाकिरत II १ II

સંજય બોલ્યો-એ પ્રમાણે સાત્યકિએ કૌરવોનાં સૈન્યોને ચારે બાજુ નસાડવા માંડ્યાં ત્યારે દ્રોણાચાર્ય અનેક બાણો મૂકીને તેને ઢાંકી દેવા લાગ્યા.બંને વચ્ચે ધમાસણ યુદ્ધ શરુ થયું.આચાર્યે સાત્યકિના ભાલ પર બાણોથી પ્રહાર કર્યો કે જે તેના લલાટ પર આવીને ખૂંચી ગયાં.વળી બીજાં અનેક બાણોથી આચાર્યે તેના પર પ્રહાર કર્યો કે જેને સાત્યકિએ અધવચ્ચે જ કાપી નાખ્યાં.સાત્યકિની ચાલાકીથી દ્રોણાચાર્ય હસ્યા અને બીજાં ત્રીસ બાણોથી તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ અનેક બાણો છોડીને દ્રોણના રથને ઢાંકી દીધો.બંને પુરુષશ્રેષ્ઠો સમાન જ દેખાતા હતા.

જયારે સાત્યકિએ એકદમ ઝડપથી બાણવર્ષા કરી દ્રોણના સારથિ ને ઘોડાઓને વીંધ્યા,ત્યારે દ્રોણે ક્રોધિત થઈને સામે તેના ઘોડાઓને વીંધીને તેના ધનુષ્યને કાપી નાખ્યું.હવે સાત્યકિએ દ્રોણ સામે ગદા ફેંકી કે જેને દ્રોણે વચમાં જ અટકાવી દીધી,એટલે સાત્યકિએ નવું ધનુષ્ય હાથમાં લઈને અનેક બાણોથી દ્રોણને વીંધીને સિંહનાદો કરવા લાગ્યો.દ્રોણાચાર્ય તે સહન કરી શક્યા નહિ એટલે તેમણે એક મહાન શક્તિ સાત્યકીના રથ સામે ફેંકી,કે જે રથને અથડાઈને પૃથ્વી પર પડી.દ્રોણે ફરીથી બાણના પ્રહારથી સાત્યકિના ધનુષ્યને કાપી નાખ્યું ને તેના સારથિને મૂર્છાવશ કર્યો.


ત્યારે સાત્યકિ પોતે લગામ હાથમાં પકડી,સારથિનું કામ કરતો રહ્યો ને દ્રોણને સો બાણો વડે વીંધ્યા.હવે દ્રોણે પાંચ ઘોર બાણોનો પ્રહાર કરીને તેના કવચને તોડી પાડ્યું ને સાત્યકિને લોહીલુહાણ કર્યો.ક્રોધિત થયેલા સાત્યકિએ એક બાણથી દ્રોણના સારથિને રથમાંથી પટકી પાડ્યો એટલે સારથી વિનાના ઘોડા ભડકીને રણમાં આમતેમ દોડાદોડી કરવા લાગ્યા.ત્યારે સર્વ મહારથીઓ સાત્યકિ સામેનું યુદ્ધ પડતું મૂકીને જે તરફ દ્રોણાચાર્ય ઘસડાઈ જતા હતા તે તરફ એકાએક ધસી ગયા.આખું સૈન્ય ખળભળી ગયું ને તેમાં ભંગાણ પડ્યું.સાત્યકિના બાણોથી ઘવાયેલા ઘોડાઓ આચાર્યને વ્યુહના મુખ સુધી ઘસડી ગયા હતા.એ સમયે પાંડવો અને પાંચાલોએ વ્યૂહને તોડી નાખ્યો હતો,એ જોઈને દ્રોણાચાર્ય વ્યૂહનું રક્ષણ કરવા લાગ્યા ને સાત્યકિ માટે તેમણે પુનઃ યત્ન કર્યો નહિ.ને પાંડવો ને પાંચાલોને તે અટકાવી રહ્યા હતા.(36)

અધ્યાય-117-સમાપ્ત