અધ્યાય-૧૧૬-દુર્યોધનનો તથા કૃતવર્માનો પરાજય
II संजय उवाच II ते किरंतः शरवरातान सर्वे यत्ताः प्रहारिणः I त्वरमाणा महाराज युयुधान मयोधयम् II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,અનેક બાણોને છોડી રહેલા તે સર્વ યોદ્ધાઓ બરાબર સજ્જ થઈને ઉતાવળા સાત્યકિની સામે યુદ્ધ કરવા લાગ્યા.તે સાત્યકિને દ્રોણાચાર્યે,દુર્મુષણે,દુઃસહે ને વિકર્ણે અનેક બાણોથી વીંધી નાખ્યો.દુર્યોધને પણ તેને સારી રીતે પીડયો હતો.ત્યારે સામે સાત્યકિએ તે સર્વને દશ દશ બાણોથી વીંધીને તે દુર્યોધન સામે ચડી ગયો.બંને વચ્ચે યુદ્ધ શરુ થયું.અન્યોન્ય સામે બાણો છોડી રહેલા તે બંને મહારથીઓએ એક બીજાને રણમાં અદૃશ્ય કરી દીધા.જયારે સાત્યકિએ કે ક્ષુરપ્ર બાણથી દુર્યોધનનું ધનુષ્ય કાપી નાખ્યું ત્યારે દુર્યોધને તરત જ નવું ધનુષ્ય લઇ સો બાણોનું સંધાન કરીને સાત્યકિને વીંધી નાખ્યો.
ક્રોધે ભરાયેલ સાત્યકિ તમારા પુત્રને બાણો મૂકી પીડવા લાગ્યો,ત્યારે તમારા બીજા પુત્રો ત્યાં દોડી આવ્યા.તે સર્વેને સાત્યકિએ સાત સાત બાણોથી વીંધી નાખ્યા ને દુર્યોધન પર અનેક બાણોનો પ્રહાર કરીને તેણે તેના ધનુષ્યને ફરીથી કાપી નાખ્યું,ને તેના ચારેય ઘોડાઓને મારી નાખી તેના સારથિને રથ પરથી ગબડાવી પાડ્યો.ત્યારે દુર્યોધન ત્યાંથી એકદમ નાઠો અને ચિત્રસેનના રથ પર બેસી ગયો.એ જોઈ સર્વ સેનામાં હાહાકાર થઇ રહ્યો.તે વખતે કૃતવર્મા ત્યાં સત્વરે આવી પહોંચ્યો.બંને પરસ્પર અનેક બાણોનો પ્રહાર કરીને એકબીજાને વીંધવા લાગ્યા.કૃતવર્મા પોતાને અર્જુનને મળતાં અટકાવી રહ્યો હતો,તેથી સાત્યકિએ એકદમ એંશી બાણો છોડ્યાં કે જેનાથી કૃતવર્મા અત્યંત વીંધાઈ ગયો.
સાત્યકિએ તેના ચારેય ઘોડાઓને ને સારથિને વીંધીને તેમને અત્યંત ઘાયલ કર્યા.ને છેવટે સર્પ જેવું એક બાણ છોડ્યું કે જે કૃતવર્માનાં કવચને તોડીને,તેને લોહીલુહાણ કરીને જમીનમાં પેસી ગયું.લોહીલુહાણ ને વ્યાકુળ થયેલો કૃતવર્મા હાથમાંથી ધનુષ્યબાણ છોડીને મૂર્છાની સ્થિતિમાં બે ઢીંચણ ભેર પૃથ્વી પર પડ્યો હતો.આમ કૃતવર્માનો પરાજય કરીને સાત્યકિ સર્વ સૈન્યોના દેખતાં કૌરવ સેનાના મધ્યમાંથી પસાર થઇ ગયો હતો.તેણે તે વખતે કૌરવ સેનાના મોટામોટા ક્ષત્રિયોની ઉગ્ર લોહીધારા વહાવી દીધી હતી.પછી,કૃતવર્મા મૂર્છામાંથી સાવધ થયો ને હાથમાં બીજું ધનુષ્ય લઈને તે રણસંગ્રામમાં પાંડવોને આગળ વધતા અટકાવી રહ્યો હતો.(46)
અધ્યાય-116-સમાપ્ત