અધ્યાય-૧૧૫-જલસંઘનો વધ
II संजय उवाच II शृण्यैकमना राजन यन्मां त्वं परिपृच्छसि I द्राव्यमाणे बले तस्मिन् हार्दिक्येन महात्मना II १ II
સંજય બોલ્યો-હે રાજન,કૃતવર્માએ પાંડવ સૈન્યને હાંકી કાઢ્યું ત્યારે તેમનું મોં લજ્જાથી નીચું પડી ગયું,અને તમારા પક્ષના યોદ્ધાઓ હર્ષમાં આવી ગયા.તે સમયે પાંડવ યોદ્ધાઓ અગાધ સંકટમાં પડી ગયા હતા ને પોતાનો ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખતા હતા,તે સમયે તમારા પક્ષના યોદ્ધાઓની કિકિયારીઓ સાંભળીને સાત્યકિ કૃતવર્મા સામે ચઢી આવ્યો.બંનેનું ભયંકર યુદ્ધ શરુ થયું.સાત્યકિએ કૃતવર્માનું ધનુષ્ય કાપી નાખ્યું,તેના ચાર ઘોડાઓને મારી નાખી,તેના સારથિ અને પૃષ્ઠરક્ષકોને વીંધી નાખ્યા ને તેની સેનાને પણ પીડિત કરી નાખી તેના સૈન્યમાં ભંગાણ પાડ્યું.આમ કૃતવર્માને રથરહિત કરીને સાત્યકિ આગળ વધ્યો.
હે રાજન,આમ,કૃતવર્માનો પરાજય કરીને સાત્યકિએ જે પરાક્રમ કર્યું હતું તે સાંભળો.ત્યારે હર્ષમાં આવી ગયેલા સાત્યકિએ પોતાના સારથિને કહ્યું કે-'હે સૂત,દ્રોણાચાર્યની જમણી બાજુએ શ્યામ વર્ણનું જે હાથી સૈન્ય દેખાય છે તેના મોખરામાં રુક્મરથ ઉભો છે.ત્યાં સર્વે ત્રિગર્તોના મહારથી રાજપુત્રો છે.ત્યાં જલ્દી મને પહોંચાડ.દ્રોણાચાર્યના દેખતાં હું તેની સામે યુદ્ધ કરીશ.'
સાત્યકિને આવતો જોઈને હાથીસૈન્ય તેને ઘેરી વળ્યું.કૃતવર્માએ બાણોની વર્ષા કરીને હાથીઓને મારવા માંડ્યા.પીડા પામેલા હાથીઓ રણનો ત્યાગ કરીને નાસભાગ કરવા લાગ્યા.ત્યારે મહાબળવાન મગધરાજ જલસંઘ પોતાના હાથીને સાત્યકીના રથ સામે લઇ ગયો.સાત્યકિએ તે હાથીને અટકાવ્યો ને બંને વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.
જલસંઘે,સાત્યકિનું ધનુષ્ય કાપી નાખી તેને છાતીમાં વીંધ્યો ત્યારે સાત્યકિએ નવું ધનુષ્ય લઈને સામે તેના ધનુષ્યને કાપી નાખ્યું.જલસંઘે,સાત્યકિ સામે એક તોમર ફેંક્યું કે જે સાત્યકિના જમણા હાથને ઘાયલ કરીને પૃથ્વીમાં પેસી ગયું.સાત્યકિએ સામે ત્રીસ બાણોથી તેના પર પ્રહાર કર્યો ત્યારે જલસંઘે મોટી ઢાલ હાથમાં લઈને એક તલાવર સાત્યકિ સામે ફેંકી,કે જે તલવારે સાત્યકીના ધનુષ્યને કાપી નાખ્યું.હવે સાત્યકિએ,એક મોટું ધનુષ્ય હાથમાં લઈને બે ક્ષુર બાણો છોડીને તેના બે હાથને કાપી નાખ્યા ને ત્રીજું એક ક્ષુર બાણ છોડીને તેના મસ્તકને કાપી નાખ્યું.આમ,જલસંઘ પડ્યો ત્યારે તમારા પક્ષના યોદ્ધાઓ રણમાંથી વિમુખ થઈને ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યા.ત્યારે દ્રોણાચાર્ય ને બીજા કેટલાએક મહારથીઓ તેની સામે ચડી આવ્યા અને ત્યાં કૌરવો તથા દ્રોણચાર્યનું સાત્યકિ સામે દેવો-અસુરો જેવું ઘોર યુદ્ધ ચાલુ થયું (62)
અધ્યાય-115-સમાપ્ત