અધ્યાય-૧૧૪-ધૃતરાષ્ટ્રના શોકોદગારો અને કૃતવર્માનું પરાક્રમ
II धृतराष्ट्र उवाच II एवं बहुगुणं सैन्यं एवं प्रविचितं बलम् I व्यूढमेवं यथान्यायं एवं बहु च संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,આપણું સૈન્ય,ઘણા ગુણોવાળું,ઘણા યોદ્ધાવાળું,ન્યાય પ્રમાણે વ્યૂહાકારે ગોઠવેલું અને સંખ્યામાં ઘણું મોટું હતું.આપણે તેનું નિત્ય સન્માન કરતા હતા,તેથી આપણી ઈચ્છાને અનુસારનારું રહેતું હતું.તે પ્રૌઢ હતું,અતિ અદભૂત આકારવાળું હતું અને પ્રથમથી જ તેનું પરાક્રમ દેખાઈ આવતું હતું.આપણા સૈન્યમાં કોઈ વૃદ્ધ,બાળક,કૃશ કે અતિપુષ્ટ નહોતો.તે સૌ અતિ ચપળ,સદાચારી,સરખી ઊંચાઈના,ને તેમના અવયવો અતિ ગાઢ ને બળવાન હતા.એ સર્વ સૈનિકોના શરીરો કવચોથી ઢંકાયેલા ને શસ્ત્રોથી સજાવેલા હતા.હાથીઓ પર સવારીમાં,અનેક જાતના અસ્ત્રોમાં તેમજ રથોમાં તે સર્વની સારી રીતે પરીક્ષા કરીને જ તેમને યોગ્ય વેતન આપવામાં આવતાં હતાં.
તે મારા સૈન્યમાં કોઈ યોદ્ધાને માત્ર તેની વાતચીત ઉપરથી જ દાખલ કરવામાં નહોતો,તેમ પ્રથમ કરેલા ઉપકાર તરફ લક્ષ્ય રાખીને લેવામાં આવ્યો નહોતો.તેમાં કોઈને માત્ર સંબંધને કારણે લેવામાં આવ્યો નહોતો.વળી,બોલાવ્યા વિના કેવળ દૈવેચ્છાથી આવી મળેલા અથવા પગાર વિનાના કોઈ યોધ્ધાને સૈન્યમાં રાખવામાં આવ્યો નહોતો.મારા સૈન્યમાં કુળવાન,તુષ્ટ ને ઉદ્ધતાઈ વિનાના,યશસ્વી ને માન સત્કાર કરેલા યોદ્ધાઓ હતા.અનેક પ્રધાનો ને મહાન પુરુષોથી આ સૈન્ય રક્ષાયેલું હતું.વળી,એ સિવાય આપણું નિત્ય પ્રિય કરવા ઇચ્છતા બીજા કેટલાએક રાજાઓ સ્વેચ્છાએ જ આવી મળ્યા હતા કે જેઓ પોતાનાં મોટા સૈન્ય સાથે આવ્યા હતા.તે સાગર જેવું મહાસૈન્ય જો માર્યું ગયું તો તેમાં મારા ભાગ્ય વિના બીજું શું સમજવું?
હે સંજય,દ્રોણાચાર્યથી રક્ષિત આ સૈન્યસાગર અર્જુનના બળથી ડહોળાઈ ભાંગી ગયો અને સાત્યકિ એક રથની મદદ લઈને તેમાંથી પસાર થઇ ગયો,આથી મને લાગે છે કે મારા સૈન્યનો એક પણ યોદ્ધો હવે બાકી રહેશે નહિ.અતિબળવાન એવા તે બંનેને સૈન્યને ઉલ્લંઘીને આવેલા જોઈને કાળથી પ્રેરાયેલા કૌરવોએ તે સમયને યોગ્ય કયું કૃત્ય કર્યું હતું? જે રીતે અર્જુન અને શ્રીકૃષ્ણ અક્ષત રહીને આપણા સૈન્યમાં પેસી ગયા તેથી જણાય છે કે તેમને અટકાવનારો એક પણ વીર આપણા સૈન્યમાં નહોતો.અર્જુન અને સાત્યકિને,નિર્ભયની જેમ રણમાં પ્રવેશ કરતા જોઈને મારા મૂઢ પુત્ર કયું કર્તવ્ય કર્મ કર્યું હતું?તેમને સૈન્યમાં પ્રવેશ થયેલા જોઈને મારા પુત્રોએ કઈ ધારણા કરી હતી?હું તો માનું છું કે તેઓ શોક કરતા હશે.હે સંજય,અર્જુન,શ્રીકૃષ્ણ ને સાત્યકિ,મારા સૈન્યમાં પેઠા છે,એ સાંભળતાં જ હું મૂઢ બની ગયો છું.ત્યારે કૌરવોએ શું કર્યું હતું?દ્રોણાચાર્યે પાંડવોને આગળ વધતા અટકાવ્યા ત્યારે ત્યાં કેવું યુદ્ધ થયું હતું?અર્જુને સિંધુરાજનો વધ કરવા જે પરાક્રમ કર્યું હોય તે બધું તું મને કહે.
સંજય બોલ્યો-હે ભરતશ્રેષ્ઠ,તમારા પોતાના અપરાધથી જ આ સંકટ આવ્યું છે,તો તેને પામીને એક સામાન્ય મનુષ્યની જેમ આમ શોક કરવો યોગ્ય નથી.પૂર્વે શ્રીકૃષ્ણે સલાહ કરવા તમારી આગળ ઘણીઘણી માગણી કરી હતી,પણ તેમની મનકામના પૂર્ણ થઇ જ નહિ.પછી,તમારી ગુણહીનતા,પુત્રો તરફનો પક્ષપાત,ધર્મ સંબંધી દ્વિધાભાવ,પાંડવો તરફનો તમારો મત્સર ને તેમના તરફનો કુટિલ અભિપ્રાય,એ બધું જાણીને ને પાંડવોના દુઃખના પ્રલાપો સાંભળીને વાસુદેવે જ આ મહાન યુદ્ધ ઉભું કર્યું છે.તમે તમારા પોતાના અપરાધથી જ આ મહાન નાશને વહોરી લીધો છે એટલે દુર્યોધનનો દોષ કાઢવો તમને યોગ્ય નથી.હે રાજન,આદિ,મધ્ય કે અંતમાં તમારું કંઈ પણ પુણ્ય દેખાતું નથી,તમે જ આ પરાજયનું મૂળ છો.હવે યુદ્ધ વિષે સાંભળો.
જયારે,સાત્યકિ તમારા સૈન્યમાં દાખલ થયો ત્યારે ભીમસેન આદિ પાંડવો તમારી સેના પ્રત્યે ધસી ગયા.ત્યારે કૃતવર્માએ એકલા એ જ પાંડવોના સૈન્યને અટકાવી રાખ્યું હતું.તે વેળા કૃતવર્માનું પરાક્રમ અમને આશ્ચર્યકારક જણાતું હતું.કારણકે એકત્ર થયેલા પાંડવો તેને એકલાને જ ઓળંગી શક્યા નહોતા.ત્યારે કૃતવર્મા સામે થયેલા યુદ્ધમાં ભીમસેન,નકુલ,સહદેવ,દ્રૌપદીના પુત્રો,ઘટોત્કચ,ધૃષ્ટદ્યુમ્ન,વિરાટ,દ્રુપદ અને શિખંડી એ સર્વેએ તેને ઘેરી લઈને તેના પર બાણોના પ્રહાર કર્યા ત્યારે તે મહારથીએ સામે સર્વ મહારથીઓને પાંચ પાંચ બાણોથી વીંધી નાખ્યા ને ભીમના ધનુષ્યને તોડી પાડ્યું.ને તીક્ષ્ણ સિત્તેર બાણો મૂકીને ભીમસેનને વીંધ્યો.ભીમસેન રથમાં ડગમગી ગયો ત્યારે તેનું રક્ષણ કરવા ધર્મરાજ આદિ યોદ્ધાઓ આગળ આવી કૃતવર્મા પર પ્રહાર કરવા મંડ્યા.હવે સાવધ થયેલા ભીમે કૃતવર્મા સામે એક શક્તિ ફેંકી,કે જેનો કૃતવર્માએ બાણોથી નાશ કર્યો.
પછી,ભીમે નવું ધનુષ્ય ઉઠાવી,તેની છાતી પર સાત બાણોથી પ્રહાર કરીને તેને લોહીલુહાણ કર્યો.છતાં તે યાદવવંશી હૃદિકપુત્ર કૃતવર્માએ તે સર્વ યોધ્ધાઓના પર અનેક બાણોથી પ્રહાર કર્યો ને પોતાનું બળ દેખાડવા માંડ્યું હતું.તેણે શિખંડીને ઘાયલ કર્યો ત્યારે બેભાન થયેલા તેને સારથિ રણમાંથી દૂર લઇ ગયો.કૃતવર્માએ તે સમયે અતિ અદભુત પરાક્રમ કર્યું હતું,ને તેણે એકલાએ જ પાંડવોને જીતી લઈને ચેદીઓ,પાંચાલો,સૃન્જયો ને કેકયોને પણ રણમાં હરાવ્યા હતા.કૃતવર્માએ તે યુદ્ધમાં તે પાંડવ યોદ્ધાઓને એવા તો મારવા મંડ્યા હતા કે તેમની ધીરજ રહી નહિ.આમ,ભીમસેન આદિ પાંડવોને યુદ્ધમાં જીતી લઈને કૃતવર્મા રણમાં સર્વને વિમુખ કરીને ઉભો હતો (103)
અધ્યાય-114-સમાપ્ત