અધ્યાય-૧૧૩-સાત્યકિને કૃતવર્માનો ભેટો
II संजय उवाच II प्रयातै तव सैन्यै तु युयुधानै युयुत्सया I धर्मराजो महाराज सेनानीकेन संवृतः II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,યુદ્ધ કરવાની ઈચ્છાથી સાત્યકિ જયારે તમારા સૈન્ય સામે પ્રયાણ કરી ગયો,ત્યારે સાત્યકિની પાછળ પડેલા દ્રોણાચાર્યના રથને પહોંચી વાળવા ધર્મરાજ પોતાના સૈન્યથી વીંટાઇને ચાલી નીકળ્યા હતા.તે વેળા,ધૃષ્ટદ્યુમ્ન તથા રાજા વસુદાન પાંડવોના સૈન્યમાં મોટો ઘાંટો પાડીને કહેવા લાગ્યા કે-'હે વીર યોદ્ધાઓ,જલ્દી દોડી આવો અને શત્રુઓ પર પ્રહાર કરો,કે જેથી સાત્યકિ સુખેથી શત્રુસેનામાં દાખલ થઇ જાય.'તે સમયે સાત્યકિના રથ સામે મહાન શબ્દ થઇ રહ્યો હતો,પણ સાત્યકિએ શત્રુસેનાને સેંકડો સ્થળેથી તોડી નાખી એટલે તે વિખરાઈ જઈને આમતેમ દોડવા લાગી હતી.
આમ,જયારે તે સેનામાં ભંગાણ પડ્યું,ત્યારે મહારથી સાત્યકિએ સૈન્યના મોખરામાં જ સાત મહાધનુર્ધરોને પટકી પાડ્યા.ને બીજા કેટલાએક રાજાઓને પણ યમલોકમાં મોકલી દીધા.વળી,જેમ,રુદ્રદેવ પશુઓને મારે તેમ તેણે હાથીઓને,હાથીસવારોને,
ઘોડાઓને,ધોડેસવારોને,સારથિઓને ને રથીઓને મારવા જ માંડ્યા હતા.શત્રુસૈન્યનો કોઈ તેની સામે યુદ્ધ કરવા દોડતો નહોતો.તેઓ એટલા ભયભીત થયા હતા કે સાત્યકિને જોઈને રણમાંથી પલાયન કરી ગયા.રણભૂમિ મૃત મનુષ્યો,પ્રાણીઓથી ભરેલી ભયંકર ને બીભત્સ લાગતી હતી.આમ,મુખ્ય સેનાને ગભરાવીને સાત્યકિ સૈન્યમાં દાખલ થઇ ગયો.
પછી,જે માર્ગે અર્જુન ગયો હતો તે જ માર્ગે સાત્યકિએ અંદર જવાની ઈચ્છા કરી ત્યારે દ્રોણાચાર્યે તેને અટકાવ્યો.બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું.બંને એકબીજાને અનેક બાણોથી વીંધવા લાગ્યા હતા.એ વેળા દ્રોણાચાર્યે પણ ઝપાટો મારીને તીડોનાં ટોળાની જેમ,અનેક બાણો છોડીને સાત્યકિને ઢાંકી દીધો.ત્યારે સાત્યકિએ પણ સામે અનેક બાણો છોડીને દ્રોણાચાર્યને ઢાંકી દીધા.તે જોઈને દ્રોણાચાર્ય બોલ્યા-'હે સાત્યકિ,તારો આચાર્ય અર્જુન તો યુદ્ધ કરી રહેલા મને છોડીને મારી જમણી બાજુએથી ગયો છે,આજે તું મારી સાથે યુદ્ધ કરતાં જીવતો જઈશ નહિ.અર્જુનની જેમ તું પણ મારો ત્યાગ કરીને જઈશ તો જ બચીશ'
સાત્યકિ બોલ્યો-'હે બ્રહ્મન,ધર્મરાજની આજ્ઞાથી હું અર્જુનના પગલે જાઉં છું,તમારું કલ્યાણ થાઓ.મારે સમય ગાળવાની જરૂર નથી.વળી શિષ્યો સદૈવ આચાર્યોએ અનુસરેલા માર્ગનું સેવન કરે છે,આથી તે માર્ગે હું સત્વરે જાઉં છું' આમ કહીને તે સાત્યકિ આચાર્યનો ત્યાગ કરીને આગળ ચાલ્યો.ને પોતાના સારથિને કહેવા લાગ્યો કે-'હે સૂત,દ્રોણાચાર્ય મારુ વારણ કરવા પ્રયત્ન કરશે માટે સાવધ થઈને રથને આગળ ચલાવ.વળી,સાંભળ,આ જે મહાતેજસ્વી સૈન્ય દેખાય છે તે અવંતિના યોદ્ધાઓનું છે,એના પછીનું સૈન્ય દક્ષિણ દેશના યોદ્ધાઓનું છે,એ પછી બાહલિક યોદ્ધાઓનું સૈન્ય છે.બાહલિકોની પાસે કર્ણનું સૈન્ય ગોઠવાઈને ઉભું છે.આ બધાં સૈન્યો એકબીજાનો આશ્રય કરીને ઊભાં છે.તે સૈન્યો રણને છોડશે નહિ,તો તેમના મધ્યમાંથી રથ હાંક.'
આ રીતે સાત્યકિએ દ્રોણાચાર્યના રથનો ત્યાગ કરીને કર્ણના સૈન્યને અનેક બાણો મૂકી વીંધી નાખી અપાર ભારતી સેનામાં પેસી ગયો.ત્યારે તેના પ્રહારથી પીડાઈને સૈનિકો નાસભાગ કરવા લાગ્યા,ત્યારે કૃતવર્માએ ધસી આવી સાત્યકિને ઘેરી લીધો.બંને વચ્ચે ધમાસાણ યુદ્ધ શરુ થયું.કૃતવર્માએ સાત્યકિનું ધનુષ્ય કાપી નાખ્યું ને તેને બાણોથી છાઈ દીધો.ત્યારે કૃતવર્માએ નવું ધનુષ્ય હાથમાં લઈને સામે તેને છાઈ દીધો ને એક ભલ્લ જાતિના બાણથી કૃતવર્માનાં સારથિનું મસ્તક ઉડાવી દીધું.સારથી વિનાના ઘોડાઓ નાસભાગ કરવા લાગ્યા ત્યારે કૃતવર્માએ પોતે જ તેમને વશમાં રાખીને રથને હાંકવા લાગ્યો.પરંતુ એ ગાળામાં સાત્યકિ કૃતવર્માનાં સૈન્યમાંથી બહાર નીકળી કાંબોજ યોદ્ધાઓની મહાસેના તરફ પ્રયાણ કરી ગયો.
ત્યારે દ્રોણાચાર્યે પોતાની ભાંગી પડેલી સેનાની હરોળને સંધિ દીધી ને તેના રક્ષણનો ભાર કૃતવર્માને સોંપીને તે સાત્યકિની સામે યુદ્ધ કરવાની ઈચ્છાથી ધસી ગયા.તેમને અટકાવવા પાંડવ સૈન્યના મોટામોટા યોદ્ધાઓ દોડી આવ્યા.ભીમ આદિ તે બધા યોદ્ધાઓને (ભોજરાજ) કૃતવર્મા અટકાવી રહ્યો હતો.કૃતવર્માએ અસંખ્ય બાણો છોડીને પાંડવ યોદ્ધાઓને ઉત્સાહ રહિત કરી દીધા હતા.છતાં મહાન યશની ઈચ્છા રાખીને તે કૃતવર્માનાં સૈન્યમાં દાખલ થવાની આશાએ રણમાં ઉભા હતા. (67)
અધ્યાય-113-સમાપ્ત