Apr 18, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1108

 

અધ્યાય-૧૧૨-સાત્યકિનો કૌરવસેનામાં પ્રવેશ


II संजय उवाच II धर्मराजस्य तद्वाक्यं निशम्य शिनिपुंगवः I स पार्थाद्भयमाशंशन परित्यागान्महिपते: II १ II

સંજય બોલ્યો-ધર્મરાજાનું તે વાક્ય સાંભળ્યા પછી,શિનિશ્રેષ્ઠ સાત્યકિને,યુધિષ્ઠિરનો ત્યાગ કરવાથી અર્જુન તરફના ભયની તથા વિશેષે કરીને લોકો તરફના 'સાત્યકિ ડરી ગયો' એ રીતના અપવાદની વિચારણા થવા લાગી.તેથી તે મનમાં ને મનમાં બોલ્યો કે-'મને લોકો કહેશે કે,તું અર્જુન તરફ ગયો કેમ કે તું કૌરવસેનાથી ભયભીત થઇ ગયો છે' આ રીતે અનેક વિચાર કર્યા પછી સાત્યકિએ યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,તમે તમારું રક્ષણ કરાયેલું માનતા હો તો તમારું કલ્યાણ થાઓ.હું અર્જુન તરફ જઈશ ને તમારું વચન પાળીશ.આ ત્રણેય લોકમાં મને અર્જુન કરતાં અધિક બીજો કોઈ પ્રિય નથી.

જેમ,મને મારા ગુરુનું વાક્ય મને માન્ય છે તે પ્રમાણે જ મને તમારું વચન પણ માન્ય છે.અર્જુન અને શ્રીકૃષ્ણ હંમેશાં તમારું પ્રિય કરાવવામાં જ વર્તે છે અને હું પણ તેમનું પ્રિય કરવાના જ યત્ન કરી રહેલો છું,એમ તમારે જાણવું.હું તમારી અજ્ઞાને મસ્તક પર ચડાવું છું ને અર્જુન તરફ જાઉં છું.આ દુર્ભેદ્ય સૈન્યને હરોળમાંથી તોડી નાખું છું,ને જે સ્થળે જયદ્રથ છે ત્યાં જાઉં છું.તે જયદ્રથ અહીંથી ત્રણ યોજન દૂર ઉભો છે,ત્યાં હું મારા અંતરાત્માને દૃઢ કરીને તેનો વધ થયા પહેલાં જ પહોંચીશ.


જે પ્રદેશમાં હું જવા ધારું છું તે પ્રદેશ બરાબર મારી જાણમાં છે.ઉત્તમોત્તમ ધનુષ્યોથી ભરપૂર એવો સૈન્યસાગર ત્યાં ઉછળી રહ્યો છે પણ હું જરૂર તેને ખળભળાવી દઈશ.હજારો હાથીઓ પર સવાર મ્લેચ્છ યોદ્ધાઓ સવાર છે તે હાથીઓનો નાશ કર્યા વિના જય કરો મુશ્કેલ છે.વળી આ જે એક હજાર રથી યોદ્ધાઓને તમે જુઓ છે તે બધા મહારથી રાજપુત્રો છે.અનેક પ્રકારના યુદ્ધોમાં પ્રવીણ એવા તેમને કર્ણે તૈયાર કરેલા છે,તેઓ કર્ણનું નિરંતર પ્રિય ઈચ્છે છે ને તેઓ હંમેશાં દુઃશાસનને અનુસરનારા છે.કર્ણનાં વચનથી જ તેઓ અર્જુન પાસે ન જતાં પાછા ફર્યા છે ને મારી સામે ઉભા છે તેઓનો હું સંહાર કરીશ.


હે રાજન,બીજા સાતસો હાથીઓ જેના પર ભીલો સવાર છે.પૂર્વે ભીલરાજા અર્જુનના સપાટામાં આવ્યો ત્યારે તેણે પોતાના જીવિતની ઈચ્છા કરીને અર્જુનને કેટલાએક હાથીઓ આપ્યા હતા.તે ભીલો તમારા દાસ હતા પણ આજે તમારી સામે યુદ્ધ કરવા ઈચ્છે છે.યુદ્ધમાં મદોન્મત્ત અને હસ્તિશિક્ષાને જાણનારા હાથીઓના મહાવતો અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા છે,તેમને બાણોથી મારીને હું અર્જુન તરફ ચાલ્યો જઈશ.વળી,આ જે મોટામોટા હાથીઓ છે તે અંજનવંશમાં ઉત્પન્ન થયેલા છે ને તેમની પર હિમાચલ પર્વતમાંથી આવેલા લૂંટારા અને કઠોર યોદ્ધાઓમાંના કેટલાએક વશિષ્ઠઋષિની કામધેનુમાંથી ઉત્પન્ન થયેલા છે,કેટલાએક વાનરજાતિમાંથી પણ પેદા થયેલા છે.તે પાપકર્મી મ્લેચ્છોનું ભેગું થયેલ આ સૈન્ય,દુર્યોધનનો આશ્રય કરીને પાંડવોનું અપમાન કરી રહેલ છે,તેઓ સર્વે આજે મારા બાણોથી પીડાઈને વિનાશ પામશે.


આ તરફ જ રથીઓ ઉભા છે તે દુર્વારણ નામના કામ્બોજ યોદ્ધાઓ છે તેઓ ધનુર્વેદમાં નિષ્ણાત છે.કૌરવોના રક્ષણ નીચે રહેલી દુર્યોધનની અક્ષૌહિણી સેનાઓ ક્રોધ કરીને મારે માટે સજ્જ થઈને ઉભી છે.છતાં અગ્નિ જેમ ઘાસને બાળી નાખે તેમ તે સર્વેનો હું અવશ્ય નાશ કરી નાખીશ.હે મારા અનુચરો,મારા રથમાં સર્વ ભાથાઓ અને સર્વ લડાયક સાધનોને બરોબર મૂકો.આ લડાઈમાં તો દરેકેદરેક જાતના અસ્ત્રશસ્ત્રો અવશ્ય સાથે લેવા જોઈએ કારણકે યુધ્ધકુશળ આચાર્યોએ ઉપદેશ કર્યો છે કે રથને પાંચગણી સામગ્રીવાળો કરવો જોઈએ.હે રાજન,હું કાળસમાન અજિત અને અનેક દુર્મદ યોદ્ધાઓ સામે રણમાં જોડાઇશ માટે મારા ઉત્તમ ઘોડાઓને વારંવાર આળોટવીને પાણી પાઈને મારા રથમાં જોડાવો.


સંજય બોલ્યો-સાત્યકિના કહેવા મુજબ,યુધિષ્ઠિરે એ રથમાં જાતજાતના સર્વ આયુધો મુકાવ્યા ને ઘોડાઓને તેના કહેવા મુજબ બરોબર તૈયાર કરીને રથમાં જોડાવ્યા,ત્યારે સાત્યકિનો એ રથ સુવર્ણમય કેશવાળીવાળા સિંહના મહાધ્વજથી શોભતો હતો.દારુકના નાના ભાઈ અને સાત્યકીના પ્રિય મિત્ર એવા સારથિએ ઘોડાઓને વિધિ પ્રમાણે રથમાં જોડ્યા હતા.તે વેળા સાત્યકિએ સ્નાન કરી,દાન આપી મધુપર્કને યોગ્ય એવા તેણે કૈલાતક (એક જાતની મદિરા?)નું પાન કર્યું,કે જેથી મદથી વિહવળ નેત્રોવાળો તથા લાલચોળ દ્રષ્ટિવાળો તે રણભૂમિ પર દેદીપ્યમાન દેખાવા લાગ્યો.


તે પછી તે સાત્યકિ મોટા હર્ષમાં આવી ગયો અને તેણે વીર કાંસાના પાત્રનો સ્પર્શ કરીને બાણ સહીત ધનુષ્યને ખોળામાં લીધું.બ્રાહ્મણોએ તેને સ્વસ્તિવાચન કર્યું,ને તેણે કવચ પહેર્યું ને યુધિષ્ઠિરના ચરણોમાં વંદન કર્યું.યુધિષ્ઠિરે તેનું મસ્તક સુંઘી આશીર્વાદ આપ્યા પછી તે પોતાના મોટા રથ પર બેઠો.તુરત જ વાયુ સમાન વેગવાળા અને હૃષ્ટપુષ્ટ એવા અજિત ઘોડાઓ સાત્યકિને રણમાં વહી જવા લાગ્યા.તે સમયે ભીમસેન પણ યુધિષ્ઠિરને વંદન કરીને સાત્યકિ સાથે જવા લાગ્યો.


ભીમસેનને પાછળ આવતો જોઈને સાત્યકિ તેને કહેવા લાગ્યો કે-'હે ભીમસેન,તમે ધર્મરાજનું રક્ષણ કરો,આજને માટે તમારું એ મહાન કાર્ય છે.આ કૌરવ સૈન્યને તોડીને હું સહેજે અંદર દાખલ થઇ જઈશ,તમે મારુ પરાક્રમ બરોબર જાણો છો.તમે મારુ પ્રિય ઈચ્છતા હો તો,અહીંથી પાછા વળો ને ધર્મરાજનું બરોબર રક્ષણ કરો.અર્જુન સિંધુરાજનો વધ કરશે કે તુરત હું આવીને યુધિષ્ઠિરને ભેટીશ.'આમ કહી સાત્યકિ ભીમથી છૂટો પડ્યો અને તમારા સૈન્યમાં પ્રવેશ કરવા લાગ્યો.સાત્યકિને આવતો જોઈને તમારું સૈન્ય કંપવા લાગ્યું.આમ સાત્યકિએ ધર્મરાજના કહેવાથી એકદમ તમારા સૈન્યમાં પ્રયાણ કરી ગયો હતો. (80)

અધ્યાય-112-સમાપ્ત